નિર્લિપ્ત રાયનું તેડું : અનોખી “સમજાવટ’ નિર્લિપ્ત રાયનું તેડું : અનોખી “સમજાવટ’

  • અમરેલી જિલ્લામાં 10 હજાર જેટલા લોકોને છે દારૂ પીવાની ટેવ
  • બાબરા, રાજુલા, અમરેલી, લીલીયા, બગસરા, જાફરાબાદ, ધારી વિસ્તારના ઇંગ્લીશ દારૂના ધંધાર્થીઓને બંને ભાષામાં વોર્નીંગ આપવામાં આવી : સુધારેલા વેપારીઓ દ્વારા મેદાનમાં ઘાસ હટાવી શ્રમદાન કરાયું

અમરેલી, અનેક ગુનેગારો અને ચમરબંધીઓને જેલના સળીયા પાછળ ધકેેલી દેનાર અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાય દારૂના દુષણ સામે મેદાનમાં આવ્યા છે એક અંદાજ પ્રમાણે અમરેલી જિલ્લામાં 10 હજાર જેટલા લોકોને રોજ દારૂ પીવાની ટેવ છે અને પોલીસ તંત્ર વખતો વખત તેની સામે કાર્યવાહી કરે છે એસપીની સુચનાથી બે દિવસ પહેલા 24 કલાકમાં 307 દારૂ પીવાવાળા તથા વહેંચવા વાળા અને બનાવવા વાળાને પકડી સળીયા પાછળ ધકેેલી દેવાયા બાદ હવે તેમણે નવી પધ્ધતિ અપનાવી હોવાનું જાણવા મળેલ છે જે અંતર્ગત આજે તેમણે અમરેલીના પોલીસ હેડ ક્વાર્ટરમાં બાબરા, રાજુલા, અમરેલી, લીલીયા, બગસરા, જાફરાબાદ, ધારી વિસ્તારના ઇંગ્લીશ દારૂના ધંધાર્થીઓને તેમની માયા જાળ સંકેલી લેવા માટે બંને પ્રકારની ભાષામાં વોર્નીંગ આપી હતી અને તેમની સમજાવટથી આ વેપારીઓએ પોલીસ હેડ ક્વાર્ટરમાં સવારથી બપોર સુધી શ્રમદાન કરી મેદાનમાંથી ઘાસ હટાવ્યુ હતુ અને તેમને તંત્ર દ્વારા ગાંઠીયાનો નાસ્તો પણ કરવાયો હતો.આજે માત્ર ઇંગ્લીશ દારૂના ધંધો કરનારા 35 જેટલા મુખ્ય વેપારીઓને બોલાવી તેને “”શીખામણ’’ આપી હતી ત્યાર બાદ તેને તેમના જે તે પોલીસ સ્ટેશનમાં લઇ જઇ વિશેષ સમજણ આપવામાં આવી હતી આ દારૂના ધંધાર્થીઓમાં સૌથી વધુ સંખ્યામાં અમરેલી અને રાજુલાના વેપારીઓની હતી આ ઉપરાંત જાણવા મળતી માહિતી અનુસાર હવે પોલીસ તંત્રને નશો કરી નીકળતા લોકોને વીણી વીણીને કાર્યવાહી કરવા એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા સુચના આપવામાં આવી છે આવનારા સમયમાં દારૂની બદી સામે આકરી કાર્યવાહી કરવાના નિર્દેશ એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા આપવામાં આવ્યા છે.