નિષ્ણાંતે બે દિ’માં દોઢ હજાર અબજ ખોયા સાઉથ કોરિયાના ટ્રેડીંગ કરનારા

માનવીઓ જીવ ગુમાવી રહયા છે તેવા સંજોગોમાં દુનિયામાં નાણા ગુમાવવાની ચર્ચા ખાસ્સી ચાલી રહી છે અને એ છે માત્ર બે જ દિવસમાં દોઢ હજાર અબજ રૂપિયા ગુમાવનારા એક ટ્રેડીંગના બાદશાહની.
15 ખર્વ રૂપિયા અર્થાત રૂપિયા 1500 અબજ રૂપિયા એ કાંઇ નાનીસૂની રકમ નથી. એક માણસ પાસે આટલા પૈસા હોય તો ન જાણે તેની કેટલી પેઢી ઘરમાં બેઠાં બેઠાં ખાઇ શકે, પણ તાજેતરમાંએક માણસે બે જ દિવસમાં આટલી મોટી રકમ ગુમાવી. સાઉથ કોરિયાના એક વેપારીને થયેલા આ જંગી નુકસાનથી પૂરી બજાર પણ હેરાન-પરેશાન છે.
સાઉથ કોરિયાનો 57 વર્ષનો સુંગ કુક હુવાંગ નામનો ટ્રેડ એક્સપર્ટ માર્ચ મહિનાના અંતમાં આટલી મોટી રકમ ગુમાવી ચૂક્યો છે. જો આ રોકાણ તેઓ માર્ચની શરૂઆતમાં છૂટું કરી શક્યા હોત તો દુનિયાના ટોપ અમીરોના લિસ્ટમાં તેમનું નામ નોંધાઇ ચૂક્યું હોત.
વર્ષ 1982માં સુંગ કુક હુવાંગ કોરિયાથી અમેરિકા ચાલ્યો ગયો હતો અને તેણે ત્યાં એનું નામ બિલ રાખ્યું હતું. હુવાંગ લોસ એન્જેલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણ્યો. ત્યાર બાદ તેણે કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં એમ.બી.એ. પણ કર્યું. કારકિર્દીની શરૂઆત તેમણે બે સિક્યોરિટી ફર્મના સેલ્સમેન તરીકે કરી. 1996માં તેમને એક મોટો બ્રેક મળ્યો. ટાઇગર મેનેજમેન્ટ નામની મોટી કંપનીમાં એનેલિસ્ટ તરીકે કામ મળ્યું. 1980માં શરૂ થયેલી આ કંપની એક મોટી હેજ ફંડ કંપની હતી જેમાં હુવાંગ ઝડપથી આગળ વધવા લાગ્યો. વર્ષ 2000માં તો તેણે ટાઇગર એશિયા મેનેજમેન્ટ નામની પોતાની કંપની શરૂ કરી. આ કંપનીએ એશિયન સ્ટોક્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યે રાખ્યું. તેનું હેજ ફંડનું કામ ખૂબ જ સારી રીતે ચાલતું હતું. 13 વર્ષ સુધી તો બધું સમુંસૂતરું પાર પડતું હતું, પરંતુ પછી તકલીફો વધવા લાગી.
વાસ્તવમાં યુ. એસ. રેગ્યુલેટર્સે હુવાંગ પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ પણ લગાવ્યો હતો. કોઇ કંપની કોર્પોરેટ ઓફિસના કર્મચારીઓ પાસેથી જે તે કંપનીની ખાનગી માહિતી ગેરકાયદે મેળવીને તેનો ઉપયોગ પોતાના સ્વાર્થ અને રોકાણ માટે કરે છે તેને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય છે. આવી પ્રવૃત્તિ જો કોઇ કંપની કરતી હોય તો એ ગુનો ગણાય છે. હુવાંગની કંપની પર આવું આળ લાગતાં તેનો હેજ ફંડનો વ્યવસાય ડગમગવા લાગ્યો હતો. ત્યાર બાદ 2013માં તેણે પોતાની આર્કેગોઝ નામની કંપની શરૂ કરી.
આ કંપનીની સાથે હુવાંગ ફરી એક વાર સફળતાની સીડી ચઢવા લાગ્યો. તેની કંપનીના પોર્ટફોલિયોમાં એમેઝોન, ફેસબુક, લિંક્ડ ઇન અને નેટફ્લિક્સ જેવી જાયન્ટ કંપનીઓ આવી ચૂકી હતી અને હુવાંગે અનેક કંપનીઓમાંથી લોન લીધા બાદ તેના પોર્ટફોલિયોને 100 અબજ ડોલર સુધી પહોંચાડી દીધો હતો. આમ થવાથી તેની સંપત્તિ વીસ અબજ ડોલરની થઇ ગઇ હતી. બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર હુવાંગ તે સમયે 30 અબજ ડોલરનો માલિક હતો. તેની સંપત્તિનો અંદાજ એ રીતે પણ લગાવી શકાય કે હાલમાં ટોપ 10 અમીરોના લિસ્ટમાં રિલાયન્સના મુકેશ અંબાણી 10મા સ્થાને હતા, જેમની સંપત્તિ 84.5 અબજ ડોલર્સ છે. જોકે, હુવાંગ માટે ફરીથી એક વાર સ્થિતિ યુ ટર્ન લેવા લાગી. તેની કંપની આર્કેગોઝે એ લોનોમાં ડિફોલ્ટ કર્યો જેના લીધે આ કંપની અબજો ડોલર્સનો પોર્ટફોલિયો બનાવી રહી હતી.
પણ કુદરત કયારે કેવો ખેલ ખેલે છે તેનો દાખલો જુઓ હુવાંગે 20 અબજ ડોલર એટલેે કે લગભગ 1500 અબજ રૂપિયાના વાયાકોમસીબીએસ કંપનીના શેર ખરીદી લીધા હતા અને માર્ચ મહિનાના અંતમાં આ શેરના ભાવ ખરાબ રીતે ગગડ્યા. પરિણામે બેન્કે હુવાંગની કંપની આર્કેગોઝ પાસે પૈસા માગ્યા. આ કંપની સમયસર પૈસા ન ભરી શકે તો બેન્કોએ તેની સંપત્તિ વેચવાની ફરજ પડી. આમ બે જ દિવસની આ કવાયતમાં તેને પંદરસો અબજ જેટલું નુકસાન થયું. મોટા ભાગના અબજપતિઓ પોતાના પૈસા બિઝનેસ, રિયલ એસ્ટેટ, સ્પોર્ટ્સ ટીમ કે આર્ટવર્ક જેવાં ક્ષેત્રોમાં રોકાણ કરે છે, જ્યારે હુવાંગના અબજો રૂપિયા લિક્વિડ મની હતા જે બે દિવસમાં છૂમંતર થઇ ગયા. હુવાંગને થયેલું આ નુકસાન મોડર્ન ફાઇનાન્સિયલ ઇતિહાસનું સૌથી મોટું અને ઐતિહાસિક પતન કહેવાય. બ્લૂમબર્ગ વેબસાઇટ અનુસાર અત્યાર સુધી કોઇ પણ માણસે આટલી ઝડપથી આટલા બધા પૈસા નથી ગુમાવ્યા.