નીતિશે એકાએક આ ચૂંટણી પોતાના માટે છેલ્લી હોવાનો ધડાકો કેમ કર્યો?

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જો બાઈડનનો જંગ રીયલ થ્રીલર જેવો બની ગયો છે તેના કારણે આખી દુનિયાની મીટ મંડાયેલી છે. આપણે ત્યાં પણ ચૂંટણીનો માહોલ છે ને બિહારમાં તો હવે પછીનાં પાંચ વર્ષ કોનું રાજ રહેશે એ નક્કી કરવા માટે નિર્ણાયક ચૂંટણી છે છતાં તેની કોઈ ચર્ચા કરતું નથી. જ્યાં ને ત્યાં અમેરિકાની ચૂંટણીની ચર્ચા છે. અમેરિકામાં જે રીતે બાજી પલટાયા કરે છે તેના કારણે લોકોને તેમાં રસ પડે એ સ્વાભાવિક પણ છે.
આ માહોલમાં ગુરુવારે નીતીશ કુમારે એલાન કર્યું છે કે, બિહાર વિધાનસભાની આ ચૂંટણી તેમની છેલ્લી ચૂંટણી છે ને હવે પછી એ કોઈ ચૂંટણી નહીં લડે. બિહારમાં બે તબક્કાનું મતદાન પતી ગયું છે. ત્રીજા ને છેલ્લા તબક્કાનું મતદાન સાત નવેમ્બર ને શનિવારે થવાનું છે. ગુરૂવારે ત્રીજા તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો. બલ્કે બિહારની ચૂંટણીમાં પ્રચારનો છેલ્લો દિવસ હતો ને છેલ્લા દિવસની છેલ્લી સભામાં નીતીશે આ ધડાકો કરી નાંખ્યો. નીતીશે ઝાઝી ચૂંથ વિના જાહેરાત કરી દીધી કે, હવે પછી હું ચૂંટણી લડવાનો નથી ને આ મારી છેલ્લી ચૂંટણી છે. જેનો અંત સારો તેનું બધું સારું એ હિસાબે મને જીતાડીને વિદાય કરજો.
નીતીશ કુમારની આ જાહેરાતે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે કેમ કે નીતીશની ઉંમર 69 વરસ છે. જો કે આ ઉંમરે એ ભાભા જ કહેવાય. પણ રાજકારણમાં તો ઘરડા ડોસાઓ અને ખડખડ પાંચમ ટટ્ટૂઓની બોલબાલા છે.. સામાન્ય માણસ માટે આ ઉંમર નિવૃત્તિ ભોગવવાની ને હરિનામ ભજવાની હોય છે પણ આપણે ત્યાં રાજકારણીઓને એવા કોઈ નિયમો નડતા નથી. એ લોકો તો જ્યાં સુધી લોકો કે પછી પાર્ટી ધક્કા મારીને કાઢે નહીં ત્યાં સુધી ખસવામાં માનતા જ નથી. છેક છેલ્લી ઘડી સુધી સત્તા ભોગવવી ને સરકારી ખર્ચે મફતિયા મજા કરવી એ આપણા મોટા ભાગના રાજકારણીઓનો મંત્ર છે. નીતીશ કુમાર તેમાં અપવાદરૂપ સાબિત થઈને સામેથી ખસી જવાની વાત કરે તેથી સૌને આશ્ચર્ય થાય જ.
ભારતમાં રાજકારણીઓની માનસિકતાના કારણે નીતીશનો નિર્ણય આશ્ર્ચર્યજનક લાગે પણ નીતીશે અત્યારે સુધી જે ભોગવ્યું છે એ જોતાં તેમનો આ નિર્ણય વેળાસરનો છે. બિહારના રાજકારણમાં જે રીતે સમીકરણો બદલાઈ રહ્યાં છે એ જોતાં આ નિર્ણય શાણપણભર્યો પણ છે. નીતીશ ઓછાબોલા પણ ચાલાક રાજકારણી છે. પરંપરાગત રીતે પ્રભાવી રાજકીય સમીકરણોને ધીરે ધીરે બદલીને તેમણે પોતાની જગ્યા બનાવી છે ને લાંબો સમય સુધી સત્તા ભોગવી છે. એ લગભગ પંદર વરસ સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા છે ને કેન્દ્ર સરકારમાં પણ સારા મંત્રાલય ભોગવ્યાં છે એ જોતાં તેમને કોઈ અફસોસ રહી જાય એવું કશું નથી.
નીતીશ બિહારના મોટા ભાગના રાજકારણીઓની જેમ સમાજવાદી વિચારધારાની પેદાશ છે. જયપ્રકાશ નારાયણે 1975માં ઈન્દિરા ગાંધીના ભ્રષ્ટાચાર સામે બિહારમાં આંદોલન છેડીને પરિવર્તનની આહલેક જગાવી એ વખતે જે નવલોહિયા બિહારના રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં આવ્યા તેમાં એક નીતીશ કુમાર પણ હતા. નીતીશ પ્રમાણમાં લો પ્રોફાઈલ નેતા રહ્યા છે ને એ કદી મુખ્યમંત્રી બનશે એવી આશા જ કોઈને નહોતી. બલ્કે કોઈ તેમને ગણકારતું પણ નહોતું. નીતીશ બિહારના રાજકારણમાં સત્યેન્દ્ર નારાયણ સિંહા ને કર્પૂરી ઠાકુર જેવા દિગ્ગજ નેતાઓના પડછાયામાં રહ્યા. રાષ્ટ્રીય રાજકારણમાં પણ એ જ્યોર્જ ફર્નાન્ડિઝ જેવા નેતાઓના પડછાયામાં રહ્યા. એ વખતે કોઈને એવી આશા નહોતી કે નીતીશ બિહારની ગાદી પર બેસશે પણ નીતીશે મુત્સદ્દી પૂર્વક બિહારની ગાદી સુધીની સફર નક્કી કરી. આ ગાદી ટકાવી રાખવી પણ સરળ નહોતી પણ નીતિશ બધાં તોફાનો સામે ટકી ગયા એ જોતાં તેમની રાજકીય કારકિર્દી સંતોષકારક છે જ.
હવે બિહારમાં જે સમીકરણો છે તેમાં નીતીશનાં વળતાં પાણી થાય તેવા સ્પષ્ટ અણસાર છે. નીતીશ અત્યારે ભાજપની સાથે છે પણ ભાજપને પણ એકલા હાથે બિહારમાં સરકાર બનાવવાના ઓરતા તો છે જ. ભાજપનો એ ઈતિહાસ જ છે કે એ ધીરે ધીરે પોતાના સાથી પક્ષોને ગળી જાય છે. ઓડિશામાં તેણે નવિન પટનાઈકને ખાઈ જવાની કોશિશ કરેલી પણ પટનાઈક વધારે જોરાવર સાબિત થયા તેમાં ભાજપનો ગજ ન વાગ્યો એ અલગ વાત છે પણ બધાં રાજ્યોમાં ભાજપની આ કહાની છે. હરિયાણા હોય કે હિમાચલ પ્રદેશ, ભાજપ બધે એવું જ કરે છે. ભાજપ ખોટો પણ નથી કેમ કે દરેક રાજકીય પક્ષ પોતાની તાકાત વધારવા મથે જ ને તેમાં સાથી કે દુશ્મન એવું ન જોવાનું હોય.
ભાજપ પોતાની રીતે બરાબર છે પણ તેના કારણે નીતીશના વર્ચસ્વ સામે સવાલ ઊભા થવા લાગ્યા છે ને ધીરે ધીરે નીતીશનો ગરાસ લૂંટાઈ રહ્યો છે એ હકીકત છે. બિહાર જેવાં પેચીદાં જ્ઞાતિવાદી સમીકરણ બીજે ક્યાંય નથી. ઉત્તર પ્રદેશ પણ બિહારની જેમ જ્ઞાતિવાદી રાજકારણમાં ડૂબેલું છે પણ બિહાર જેવા સમીકરણ ત્યા પણ નથી. બિહારમાં જયપ્રકાશ નારાયણની સમાજવાદી વિચારધારાના નામે ચરી ખાતા રાજકારણીઓએ સમાજને જ્ઞાતિઓમાં નાના નાના ટુકડાઓમાં વહેંચી નાંખ્યો છે. આ નેતાઓ એટલા કાબા છે કે, આપણે કલ્પના પણ ના કરી શકીએ એવા એવા આધાર પર સમાજના ટુકડા કર્યા કરે છે ને જ્ઞાતિવાદનાં નવાં નવાં સમીકરણો ઊભાં કર્યા કરે છે. નીતીશે પણ એ કર્યું છે ને એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ એટલે કે પછાતોમાં પણ પછાત ને મહાદલિત એટલે દલિતોમાં દલિત જેવા ભાગલા પાડ્યા જ છે.
નીતીશે આ સમીકરણોના જોરે પંદર વરસ સુધી સત્તા ભોગવી પણ હવે આ સમીકરણોનો પ્રભાવ ઘટતો જાય છે. ભાજપે સવર્ણ મતદારોની મતબેંક ઊભી કરીને નીતીશ સામે પડકાર ફેંકી દીધો છે ને ચિરાગ પાસવાન પણ ભાજપના ઈશારે તેમને પડકારી રહ્યો છે. આ સમીકરણો નીતીશ માટે અનુકૂળ નથી ને એ ભાજપના ઓશિયાળા થતા જાય છે. નીતીશ સમજે જ છે કે, ભાજપ અત્યારે પોતાના સ્વાર્થ ખાતર જેડીયુની સાથે છે પણ કાલે પોતાના કરતાં વધારે બેઠકો મળશે તો નીતીશને લાત મારીને તગેડી મૂકતાં જરાય વિચાર નહીં કરે. પાંચ વર્ષ પછી એવી સ્થિતી આવે ને બેઆબરૂ થઈને નિકળવું પડે તેના કરતાં અત્યારથી ખસી જવાની જાહેરાત કરી નાંખવી સારી. નીતીશ જેવા શાણા રાજકારણીને આ વાત સમજાવવાની ના હોય તેથી તેમનો નિર્ણય શાણપણભર્યો જ છે.
જો કે કારણ ગમે તે હોય, નીતીશ સામેથી ખસી જવાની તૈયારી બતાવે છે એ મોટી વાત છે પણ ભારતમાં રાજકારણીઓનો કોઈ ભરોસો નહીં. મોટા ભાગના રાજકારણીઓના ચાવવાના ને બતાવવાના જુદા જુદા હોય છે. બહાર કંઈક બોલે ને અંદર કંઈક બીજું જ ચાલતું હોય. રાજકારણીઓ નિવૃત્તિની વાત કરીને ફરી ગયા હોય એવા કેટલાંય ઉદાહરણ આપણી નજર સામે છે. પ્રજાહિત કે પક્ષના કાર્યકરોની લાગણીના નામે રાજકારણીઓ સંન્યાસની વાત કોરાણે મૂકીને પાછા રાજકીય અખાડામાં કૂદી પડે એવું આપણે જોયું જ છે. હજુ તાજો જ દાખલો સોનિયા ગાંધીનો છે.
સોનિયા ગાંધીએ દીકરા રાહુલ માટે જગા કરવા કોંગ્રેસ પ્રમુખપદ છોડી દીધું પછી એ નિવૃત્ત જ થઈ ગયેલાં. તેમનો દેહ પણ સાથ નથી આપતો ને તબિયત નરમગરમ રહ્યા કરે છે તેથી તેમનો નિર્ણય બરાબર પણ હતો. લોકસભાની ચૂંટણીમાં સોનિયા બહુ સક્રિય નહોતાં ને રાહુલે જ કમાન સંભાળી હતી પણ લોકસભામાં કોંગ્રેસ હારી પછી રાહુલે રાજીનામાનું ત્રાગું કર્યું પછી સોનિયા પાછાં મેદાનમાં આવી જ ગયાં. કોંગ્રેસના નેતાઓએ વિનંતી કરી હોવાના બહાને એ કાર્યકારી પ્રમુખપદે બેઠાં ને હજુ બેઠાં જ છે. દીકરા રાહુલને કોંગ્રેસનો મોવડી બનાવવાની લ્હાયમાં એ રીતસર ઢસરડા કરે છે પણ પ્રમુખપદ છોડતાં નથી.
આપણે ત્યાં ચૂંટણી ટાણે લોકોની સહાનુભૂતિ જીતવા રાજકારણીઓ જાતજાતનાં નાટકો કરતા હોય છે તેના પણ ઉદાહરણ છે. બિહારમાં નીતિશ ફરી જીતશે કે કેમ એ મુદ્દે અવઢવ છે ત્યારે નીતીશે પણ જીતવા આ દાવ ખેલ્યો હોય એવી શક્યતા ખરી. નીતીશની ઈમેજ આ પ્રકારનાં નાટકો કરનારા રાજકારણી તરીકેની નથી એ કબૂલ પણ મરતા ક્યા ન કરતા? નીતીશને પોતાની હાર દેખાતી હોય તેના કારણે એ આ નાટકબાજીના રવાડે ચડ્યા હોય એવું બને. આશા રાખીએ કે, નીતીશે આવું કોઈ નાટક ન કર્યું હોય ને એ ખરેખર ફરી ચૂંટણી ન લડે. દેશની કે બિહારની સેવા કરવી હોય તો કરે, તેમાં કોઈ બાધ નથી પણ તેને માટે ચૂંટણી લડવાની જરૂર નથી એ વાત સમજે.