નીતિશ કુમારથી છેડો ફાડી નાંખનારા પાસવાન હવે ભાજપનું નવું પ્યાદું છે

બિહારમાં અંતે રામવિલાસ પાસવાનની લોકશક્તિ જન પાર્ટી (એલજેપી) અને નીતીશ કુમારની જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ની ફારગતિ થઈ ગઈ. રામવિલાસ પાસવાન હવે પરવારી ગયા છે ને તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલમાં છે તેથી પાર્ટી તેમના દીકરા ચિરાગ પાસવાનને સોંપી દીધી છે. ચિરાગ પાસવાને લાંબા સમયથી નીતિશ કુમાર સામે મોરચો માંડેલો. ભાજપ ચિરાગને પંપાળીને સાચવી લેતો હતો પણ બિહારની ચૂંટણી આવતાં જ ભડકો થઈ ગયો ને પાસવાને નીતિશને રામ રામ કરી નાંખ્યા.

પાસવાનના આ નિર્ણય પાછળ ભાજપનું ભેજું હોવાની વાતો છે. નીતિશને માપમાં રાખવા માટે ભાજપે જ ચિરાગને ચાવી મારી હોવાની વાતો ચાલી રહી છે. ચિરાગ પાસવાનના નિર્ણય પાછળ ભાજપના નેતાઓનું ભેજું છે કે નહીં એ ખબર નથી પણ પાસવાને નોખો ચોકો ચાતર્યો તેમાં ભાજપના બેઉ હાથમાં લાડુ છે. બિહારમાં ભાજપ, જેડીયુ ને એલજેપી સાથે હોય ત્યાં સુધી ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રીપદે બેસે એ શક્ય જ નહોતું. ભાજપે બિહારમાં સત્તાથી દૂર ન રહેવું પડે એટલે નીતિશ કુમારની પાલખી ઊંચકવાનું નક્કી કર્યું એ સાથે જ ભાજપે તાસકમાં ધરીને મુખ્યમંત્રીપદ નીતિશને આપી દીધેલું. ભાજપે સત્તાની લહાયમાં નીતિશને સર્વોચ્ચ નેતા તરીકે સ્વીકારી લીધા પછી ભાજપ માટે એ ગળાનો ઘંટ બની ગયો છે ને જ્યા સુધી નીતિશ છે ત્યાં લગણ તો ભાજપ મુખ્યમંત્રીપદ માગી શકે તેમ નથી.

હવે એલજેપી ભાજપ-જેડીયુ સાથે નથી ત્યારે ભાજપ માટે પોતાનો મુખ્યમંત્રી બેસાડવાની ઉજળી તક છે. બલ્કે પાસાં પોબાર પડે તો ભાજપ આ ચૂંટણી પછી જ પોતાનો મુખ્યમંત્રી બેસાડી શકે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. પાસવાનની વિદાય પછી હવે એનડીએમાં ભાજપ-જેડીયુ ને જીતનરામ માંઝીની હિંદુસ્તાન અવામ મોરચા (હમ) એ ત્રણ પાર્ટી બચી છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે. માંઝી 25 બેઠકોના ઘરાક છે એ જોતાં ભાજપ-જેડીયુ 110 ની આસપાસ બેઠકો પર ચૂંટણી લડે એવો તખ્તો ગોઠવાયેલો છે. અંતિમ ગોઠવણમાં બે-ચાર બેઠકો આઘીપાછી થાય પણ ઝાઝો ફરક નહીં પડે.

પાસવાનની એલજેપી ભલે નોખી થઈ પણ એ જેડીયુથી નોખી થઈ છે પણ ભાજપની સાથે તો છે જ તેથી એ ભાજપ સામે પોતાના ઉમેદવારો ઊભા નહીં રાખે. એલજેપી અત્યારે ભાજપ સો બેઠકો લડવાનો છે એમ માનીને 143 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાની વાત કરે છે. માનો કે ભાજપ 110 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખે તો એલજેપી 133 બેઠકો પર લડશે. ટૂંકમાં એલજેપી ભાજપની સામે નહીં લડે પણ જેડીયુ-હમ સામે તો લડશે જ. તેના કારણે ભાજપની સ્થિતિ મજબૂત થશે કેમ કે ભાજપે માત્ર આરજેડી-કોંગ્રેસના મોરચા સામે જ લડવાનું છે જ્યારે હમ-જેડીયુએ તો હવે આરજેડી-કોંગ્રેસ ઉપરાંત એલજેપી સામે પણ લડવાનું છે. તેમના માટે ત્રિપાંખિયો જંગ છે.

ભાજપ માટે આ મોટો ફાયદો છે ને તેનો લાભ લઈને ભાજપ 80 જેટલી બેઠકો જીતવાની આશા રાખે છે. આ આશા વધારે પડતી પણ નથી. 2015 ની ચૂંટણીમાં નીતિશ-લાલુ એક થઈને ભાજપ સામે લડેલા ત્યારે પણ ભાજપ 54 બેઠકો તો જીતી લાવેલો. એ વખતે માંઝી, પાસવાન ને કુશવાહા તેની સાથે હતા. હવે નીતિશ તેની સાથે છે ત્યારે હવે એલજેપી 45 બેઠકો જીતે તો ભાજપ-એલજેપી બંને સાથે મળીને સરકાર રચી શકે ને નીતિશે ઘૂઘરો વગાડતા બેસી રહેવું પડે. રાજકારણમાં જેની સાથે મળીને ચૂંટણી લડ્યા હો તેને લટકાવી દેવાની વાત નવી નથી ને ભાજપ તો આ બધા દાવપેચમાં પાવરધો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ભાજપને તેની જ દવાનો આ ડોઝ આપીને મુખ્યમંત્રી બની ગયા છે પણ એ અલગ વાત છે. હવે ભાજપ એ જ ખેલ કરી શકે ને નીતિશને લટકાવી શકે છે.

પાસવાનને તો નીતિશ દીઠા ગમતા નથી. ચિરાગ પાસવાને ડંકે કી ચોટ પર કહ્યું છે કે, ભાજપમાંથી કાળો ચોર ચાલશે ને ભાજપ જે આલિયા, માલિયા, જમાલિયાને મુખ્યમંત્રીપદ માટે આગળ કરે તેને અમે લીલા તોરણે પોંખીશું પણ નીતિશ તો ધોળે ઘરમેય ના ખપે. પાસવાન આ મામલે સ્પષ્ટ છે એ જોતાં ભાજપ માટે મોટી તક છે. ભાજપ-એલજેપી બંને ભેગા થઈને 110 ની આસપાસ બેઠકો જીતે તો પણ ભાજપ નીતીશને વખારમાં નાંખી શકે. બહુમતી માટે ખૂટતી 12-15 બેઠકોનો વેંત કરવા ભાજપ ગમે તે ખેલ કરી શકે. માનો કે, ભાજપ ને એલજેપી ધારણા પ્રમાણે દેખાવ ના કરે તો તેમાં ભાજપે કશું ગુમાવવાનું નથી. એ નીતીશને ઊંચકીને ફરે જ છે ને એ તેણે ચાલુ રાખવાનું છે. પાસવાન તેનાં કર્યાં ભોગવશે ને ભાજપ-નીતિશ સત્તા ભોગવશે.

પાસવાને જે નિર્ણય લીધો એ ઘણાંને રાજકીય આપઘાત લાગે છે પણ પાસવાને વાસ્તવમાં શાણપણભર્યો નિર્ણય લીધો છે. અત્યારે બિહારના રાજકારણમાં કે દેશના રાજકારણમાં પાસવાનની સ્થિતિ શું છે એ અંગે વિચારશો તો આ વાત સમજાશે. બિહારમાં પાસવાન નીતિશ ને ભાજપની દયા પર જીવે છે. ભાજપ-જેડીયુ બંને એનડીએમાં મોટા પક્ષો છે તેથી મોટા ભાગની બેઠકો પર એ લડે છે. પાસવાન બહુ કરગરે કે ધાક-ધમકી આપે ત્યારે વિધાનસભામાં માંડ પચ્ચીસેક બેઠકો પર લડવા મળે જ્યારે લોકસભામાં છ બેઠકોથી આગળ વધતો નથી. તેના કારણે ધીરે ધીરે સ્થિતિ એ સર્જાઈ રહી છે કે, એલજેપીના કાર્યકરો તેનાથી દૂર થઈ રહ્યા છે. એલજેપીના કાર્યકરોએ નીતિશ કુમાર ને ભાજપ માટે જ કામ કરવાનું હોય તો એ લોકો શું કરવા એલજેપી સાથે રહે ? ભાજપ-જેડીયુંમા જ ના જોડાઈ જાય ? અત્યારે એક્ઝેટલી એ જ થઈ રહ્યું છે ને એલજેપી બિહારના મોટા ભાગના વિસ્તારોમાં અસ્તિત્વમાં જ ના હોય એવી હાલત છે. આ જ સ્થિતિ ચાલુ રહે તો ધીરે ધીરે એલજેપી નેસ્તનાબૂદ જ થઈ જાય ને એ ચિરાગ પાસવાનને પરવડે એમ નથી.

રામવિવલાસ પાસવાન ખર્યું પાન છે ને ખખડી ગયેલા છે પણ ચિરાગ પાસવાન હજુ જવાન છે. ચિરાગે નંઈ નંઈ તોય બીજા ચાર દાયકા રાજકારણમાં ટકવાનું છે ને એ નીતિશ કે ભાજપની દયા પર ચાર દાયકા ન વીતાવી શકે. તેમની દયા પર રહેવા જાય તો સાવ પતી જાય ને ભવિષ્યમાં એ સ્થિતિ આવીને ઊભી રહે કે ન કાર્યકરો તેની પાસે હોય કે ન ભાજપ-જેડીયુ તેને ગણતરીમાં લેતા હોય. આ સ્થિતિ ન આવે એટલા માટે ચિરાગે તલવાર તાણવી જ પડે એમ હતી ને એ તેણે કરી દીધું છે. એ આ વખતે કેટલી બેઠકો જીતશે એ કોઈને ખબર નથી પણ ભાજપ-જેડીયુ સાથે રહીને જીતે તેના કરતાં વધારે બેઠકો જીતવાના તેની પાસે પૂરા ચાન્સ છે. બલકે ભાજપ-જેડીયુ તેને જે પચ્ચીસ-ત્રીસ બેઠકો ખૈરાતમાં આપે છે તેના કરતાં પણ વધારે બેઠકો એ જીતી શકે. માનો કે એવું ના થાય તો પણ તેની પાર્ટી બચી જશે ને ભવિષ્યમાં એ તાકાતવર બની શકશે.

ચિરાગ પાસવાન સામે મમતા બેનરજી અને જગન મોહન રેડ્ડીનાં ઉદાહરણ છે જ. મમતા પહેલાં કોંગ્રેસમાં જ હતાં પણ કોંગ્રેસમાં ખાઈ બદેલા નેતાઓ તેમની વાત સાંભળવા તૈયાર નહોતા. અકળાયેલાં મમતાએ પહેલાં કોંગ્રેસમાં જ રહીને મોરચો માંડ્યો ને પછી 1997 માં કોંગ્રેસને રામરામ કરીને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી. એ વખતે લોકો માનતા હતા કે મમતાએ રાજકીય આપઘાત કર્યો છે પણ મમતા અલગ માટીનાં બનેલાં હતાં. તેમણે ડગ્યા વિના ઝઝૂમવાનું ચાલુ રાખ્યું ને મરદની જેમ લડીને બંગાળમાં દાયકાઓથી જામેલા ડાબેરીઓને સાફ કરી નાખ્યા.

જગનમોહન રેડ્ડીએ પણ જે મળ્યું તેનાથી ખુશ થવાના બદલે લડવાની તાકાત બતાવી તેમાં આજે ગાદી પર બેઠો છે. જગનમોહન રેડ્ડીના પિતા વાયએસઆર રેડ્ડી કોંગ્રેસી હતા ને એક જમાનમાં આંધ્ર પ્રદેશમાં સાવ પતી ગયેલી કોંગ્રેસને ફરી બેઠી કરીને તેમણે સત્તામાં પહોંચાડી હતી. વિમાની દુર્ઘટનામાં તેમના આકસ્મિક મોત પછી જગનમોહન રેડ્ડી મુખ્યમંત્રી બનવા થનગનતા હતા પણ કોંગ્રેસે તેમને ભાવ ના આપતાં તેમણે પોતાનો અલગ પક્ષ રચેલો. જગનમોહનને દબાવવા કોંગ્રેસ ને ભાજપ બંનેની સરકારે બહુ મથામણ કરેલી. તેને ઉઠાવીને જેલમાં નાખવાથી માંડીને દરોડા પાડવા સુધીનું બધું જ કરી છૂટ્યા પણ જગને મચક ના જ આપી. દસ વર્ષના સંઘર્ષ પછી જગને પોતાની તાકાત સાબિત કરી છે ને અત્યારે આંધ્ર પ્રદેશનો મુખ્યમંત્રી છે.

ચિરાગ પાસવાન ભવિષ્યમાં બિહારની ગાદી પર બેસશે કે નહીં એ ખબર નથી પણ એ પ્રયત્ન જ ના કરે એ ના ચાલે. રામવિલાસ પાસવાને પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને સંકોરીને પહેલાં કોંગ્રેસ ને પછી ભાજપના ભાયાત બનવાનું સ્વીકાર્યું પણ ચિરાગે એ રસ્તો પસંદ નહીં કરીને મર્દાનગી બતાવી છે. આર યા પારનો જંગ ખેલી નાખવાનું નક્કી કર્યું છે ને તેનું ફળ તેને ચોક્કસ મળશે, આજે નહીં તો કાલે તેનો સિતારો ચમકશે જ.