આ લવારા કરનારી વ્યક્તિ ભાજપની હોય તો તેની સામે પગલાં ભરવામાં પણ ભાજપ પાછી પાની કરતું નથી. ભાજપે સત્તાવાર રીતે પોતાનું વલણ સ્પષ્ટ કરીને કહ્યું છે કે, અમે તમામ ધર્મો અને તેમના પૂજનીય લોકોનું સન્માન કરીએ છીએ. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહે સત્તાવાર રીતે લેખિત નિવેદન બહાર પાડ્યું છે કે, ભાજપ તમામ ધર્મોનું સન્માન કરનારી પાર્ટી છે. ભારતના હજારો વર્ષના ઈતિહાસમાં પ્રત્યેક ધર્મનું માન-સન્માન જળવાયું છે. ભાજપ કોઈપણ ધર્મના કોઈપણ ધાર્મિક વ્યક્તિનું અપમાન કરવાની કડક નિંદા કરે છે. પાર્ટી કોઈપણ સંપ્રદાય કે ધર્મનું અપમાન કરનારી વિચારધારાની કડક શબ્દોમાં નિંદા કરે છે અને ભાજપ આવી કોઈ વિચારધારાનો પ્રચાર નથી કરતો.
ભાજપે નુપૂર-જિંદાલ સામે કરેલી કાર્યવાહી તથા આ સ્પષ્ટતા પછી વિવાદ પર પડદો પડી જવો જોઈએ. તેના બદલે પાકિસ્તાન અને તેના પીઠ્ઠુ એવા ધ ઑર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કૉ-ઑપરેશન (ઓઆઈસી)એ આ મુદ્દાને કોમવાદનો રંગ આપીને ભારતમાં મુસ્લિમોને નિશાન બનાવાતા હોવાનો બકવાસ શરૂ કર્યો છે. ઓઆઈસીએ ભારતની આકરી ટીકા તો કરી જ છે પણ યુનાઈટેડ નેશન્સને ભારત સામે પગલાં લેવા પણ અપીલ કરી છે. ઓઆઈસીનું કહેવું છે કે, ભારતમાં મુસ્લિમોને નિશાન બનાવવાની ફેશન થઈ ગઈ છે તેની સામે યુનાઈટેડ નેશન્સે જરૂરી પગલાં ભરવાં જોઈએ. પાકિસ્તાને પણ તેમાં સૂર પુરાવ્યો છે.
ઓઆઈસી અને પાકિસ્તાનના લવારાની મોદી સરકારે ઝાટકણી કાઢી છે. ભારત સરકારે ઓઆઈસી સામે લાલ આંખ કરીને તેના નિવેદનને ગેરમાર્ગે દોરનારું, તોફાની અને બદઈરાદાપૂર્ણ ગણાવ્યું છે. ભારત સરકારે શું કહ્યું તેની વિગતો મીડિયામાં આવી જ ગઈ છે તેથી તેની વાતમાં પડતા નથી પણ મોદી સરકારનું વલણ બરાબર છે. ઓઆઈસી કે પાકિસ્તાનના ઈરાદા શું છે એ કહેવાની જરૂર નથી. તેમને ભારતમાં મુસ્લિમો સલામત નથી એવો કુપ્રચાર કરવામાં રસ છે, મુસ્લિમોને ભડકાવીને ભારતમાં અશાંતિ અને અરાજકતા ઊભી કરવામાં રસ છે.
આ બદઈરાદાને પાર પાડવા માટે ઓઆઈસી મોં-માથા વિનાની વાતો કરી રહ્યું છે. ભાજપનાં એક નેતાએ કરેલા નિવેદનને ભારતના વલણમાં ખપાવવા હવાતિયાં મારી રહ્યું છે. નુપૂર ભાજપનાં પ્રવક્તા હતાં, ભારત સરકાર સાથે તેમને કંઈ લેવાદેવા નથી એ જોતાં નુપૂરના નિવેદનને ભારત સાથે જોડી જ ના શકાય. પાકિસ્તાન અને ઓઆઈસી એ હરકત કરીને પોતાની જાત બતાવી રહ્યાં છે.
પાકિસ્તાન અને ઓઆઈસી માટે આ નવી વાત નથી. એ લોકો છાસવારે આ ઉધામા કયાર્ં જ કરે છે. ગયા વર્ષે કોરોના ચરમસીમા પર હતો ને લોકો ટપોટપ મરી રહ્યાં હતાં ત્યારે પણ પાકિસ્તાન અને ઓઆઈસીએ એવી હરકત કરેલી. આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી હતી ત્યારે પાકિસ્તાને તેની જૂની આદત પ્રમાણે એવો બકવાસ કર્યો હતો કે, મોદી સરકાર કોવિડ-૧૯ નીતિની નિષ્ફળતા ઢાંકવા માટે ભારતમાં મુસ્લમાનો સાથે ભેદભાવ કરી રહી છે અને તેમને નિશાન બનાવીને હિંસા આચરાઈ રહી છે. ભારતમાં કોરોનાના કારણે લદાયેલા લોકડાઉનના પગલે હજારો લોકો રઝળી પડ્યા છે ને ભૂખે મરી રહ્યા છે.
એ વખતે ઈમરાન ખાન પાકિસ્તાનનો વડા પ્રધાન હતો. ઈમરાને મોદી સરકારનું મુસ્લમાનો સાથેનું વર્તન હિટલરના સમયમાં જર્મનીમાં નાઝીઓએ યહૂદીઓ સાથે કરેલા વર્તન જેવું હોવાનું દાવો કરીને લવારો કરેલો કે, મોદી સરકારની કોમવાદી હિંદુત્ત્વની વિચારધારાનું પ્રભુત્ત્વ સ્થાપવાની નીતિનો આ એક વધુ પુરાવો છે. ઈમરાનના બકવાસના પગલે મુસ્લિમ દેશોનું સૌથી મોટું સંગઠન ઓઆઈસી પણ કૂદી પડ્યું હતું. ઓઆઈસીએ આક્ષેપ કર્યો છે કે, ભારતમાં કોરોના વાયરસના બહાને ‘ઈસ્લામફોબિયા’ ફેલાવાઈ રહ્યો છે. ઓઆઈસીએ મોદી સરકારને આ ‘ઈસ્લામફોબિયા’ રોકીને મુસ્લિમોના અધિકારોના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા કહ્યું હતું.
ઓઆઈસીએ પહેલાં પાકિસ્તાનને રાજી રાખવા ભારત સામે ઝેર ઓક્યું હતું ને ઠરાવો પણ કર્યા હતા. જમ્મુ અને કાશ્મીર મુદ્દે તો ઓઆઈસીએ સંખ્યાબંધ ઠરાવો કર્યા છે, ભારતને ગાળો આપવામાં કોઈ કસર છોડી નથી. ભારતીય લશ્કર કાશ્મીરમાં બેફામ અત્યાચારો કરે છે ને માનવધિકારોનો ભંગ કરે છે ત્યાંથી માંડીને કાશ્મીરમાં ‘ઈન્ડિયન ટેરરિઝમ (ભારતીય આતંકવાદ)’ ચાલે છે ત્યાં સુધીના બકવાસ ઓઆઈસી કરી ચૂક્યું છે. ઓઆઈસીના સભ્ય એવા તમામ દેશોને કાશ્મીરી પ્રજા માટે માનવતાના ધોરણે મદદ કરવા વારંવાર અપીલ પણ કરાય છે.
પયગંબર સાહેબની ટીકાના મુદ્દાને બહાને ભારતમાં મુસ્લિમોને નિશાન બનાવાય છે એવું હળાહળ જૂઠ્ઠાણું ચલાવીને ઓઆઈસીએ એ પરંપરા આગળ ધપાવી છે. ભારતને તેનાથી ફરક પડતો નથી કેમ કે ભારત મુસ્લિમો પર કોઈ અત્યાચાર કરતું જ નથી, કોઈ ભેદભાવ કરતું નથી. હિંદુવાદી સંગઠનોના નેતા પોતાના સ્વાર્થને ખાતર લવારા કરતા હશે પણ સરકાર કે લોકો એવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ નથી. આ વાત મુસ્લિમોને પણ લાગુ પડે છે. મુસ્લિમોમાં પણ જેમનામાં સ્વાર્થ છે એ લોકો બહું બધા લવારા કરે છે પણ સામાન્ય લોકો શાંતિથી જ રહે છે.
ઓઆઈસીના લવારાના પગલે મુસ્લિમ નેતાઓએ આગળ આવવું જોઈએ. આ દેશમાં મુસ્લિમો સાથે કોઈ ભેદભાવ થતો નથી એ વાત તેમણે કહેવી જોઈએ ને ભારપૂર્વક કહેવી જોઈએ. આ દેશ બધાંનો છે ને દેશનો બચાવ કરવાની ફરજ બધાંની છે. માત્ર સરકાર જ બચાવ કરે એ ના ચાલે. ઓઆઈસીએ મુસ્લિમોને બહાને દેશને બદનામ કરવા કોશિશ કરી છે ત્યારે મુસ્લિમ નેતાગીરીએ ઓઆઈસીને જડબાતોડ જવાબ આપવા આગળ આવવું જોઈએ.