નુપૂર શર્મા પ્રકરણની ગાજવીજમાં હવે  હામિદ અન્સારી ને નસિરુદ્દીન ચમક્યા 

ભારતમાં લોકોને કોઈપણ વાતને ગોટે ચડાવવામાં બહુ મજા આવે છે. ખાસ કરી  જે લોકો જાહેર જીવનમાં છે એ કોઈપણ વાતની છાલ છોડવામાં માનતા જ નથી. મુસ્લિમો માટે પૂજનિય મોહમ્મદ પયગંબર સાહેબ અંગે ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલી કૉમેન્ટના મામલે એવું જ થઈ રહ્યું છે. ભાજપનાં પ્રવક્તા નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર સાહેબ વિશે કરેલી વાંધાજનક ટીપ્પણીને પગલે ભાજપે તેમને લાત મારીને તગેડી મૂક્યાં છે. દિલ્હી પ્રદેશ ભાજપ પ્રવક્તા નવીન જિંદલે નૂપુરના નિવેદનને સમર્થન આપતું ટ્વિટ કર્યું હતું. ભાજપે જિંદાલને પણ સસ્પેન્ડ કરી દીધા છે  છતાં કેટલાક લોકો આ વાતનો છાલ છોડવા તૈયાર નથી. અસદુદ્દીન ઓવૈસી તેમાંથી એક છે. ઓવૈસી કોઈ ને કોઈ બહાને આ મુદ્દાને ચગાવ્યા કરે છે.  તેમના જેવા બીજા નમૂના કૂદી પડીને આ વાતને પતવા જ દેતા નથી. આ નમૂનાઓમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને બોલીવૂડ અભિનેતા નસિરૂદ્દીન શાહનું નામ હવે ઉમેરાયું છે.

અંસારી તો આ પ્રકારના વિવાદમાં સૌથી પહેલાં ઝંડો ઉઠાવીને કૂદી પડવા માટે જાણીતા છે પણ એ વખતે ગમે તે કારણસર એ ભોઠાં પડી ગયા. જો કે મોડે મોડે પણ તેમણે જે વાતો કરી છે એ જોતાં વહેલા-મોડાથી ઝાઝો ફરક પડતો નથી. અંસારીએ સૂફિયાણી સલાહ આપી છે કે, આ પ્રકારની ઘટના બનવી જ ન જોઈએ અને આ રીતે ધાર્મિક મામલામાં ગાળાગાળી પર ઉતરી આવવું ખોટું છે. જે થયું છે તેને સરખું કરવામાં બહુ સમય લાગી જશે.
અંસારીએ તો આરબ દેશોએ આપેલી આકરી પ્રતિક્રિયાને પણ યોગ્ય ગણાવીને કહ્યું છે કે, અખાતના દેશો તરફથી આટલી આકરી પ્રતિક્રિયા અપાઈ એ યોગ્ય હતી અને આવી પ્રતિક્રિયા આપવી જ જોઈએ. આ વાત માત્ર અખાતના દેશોની નથી પણ ઈન્ડોનેશિયાથી શરૂ કરીને નોર્થ આફ્રિકાના મુસ્લિમોની છે.

બોલીવૂડ અભિનેતા નસીરૂદ્દીન શાહે પણ ડહાપણ ડહોળતાં કહ્યું છે કે, આ કેસમાં કાર્યવાહી કરવામાં બહુ મોડું કરાયું છે.  આ પ્રકારના નિવેદનો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં થાય છે ને ભારતમાં થાય એ કમનસીબી કહેવાય.  નૂપુર શર્મા ફ્રિંજ એલિમેન્ટ એટલે કે અરાજક તત્ત્વ  નથી પણ ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા હતા એ વાત પર ભાર મૂકીને શાહે કહ્યું કે, સમાજમાં ફેલાઈ રહેલી નફરતને રોકવા માંગતા હોય તો નરેન્દ્ર મોદીએ આગળ આવીને દરમિયાનગીરી કરવી જોઈએ.

નસિરૂદ્દીનની એ વાત સાચી છે કે, ભારતમાં આ પ્રકારના નિવેદનો ના થવાં જોઈએ પણ નૂપુર શર્માના નિવેદન પછી કાર્યવાહી કરવામાં વિલંબ થયો એ વાત ખોટી છે. નૂપુર શર્માએ ૨૭ મેએ લવારો કરીને મોહમ્મદ પયગંબર સાહેબ વિશે વાંધાનજનક ટીપ્પણી કરી હતી પણ તેના વિશે કોઈનું ધ્યાન જ નહોતું ગયું. તેનો વીડિયો વાયરલ થયો ને કાનપુરમાં હિંસા થઈ પછી ખબર પડી કે તરત  ભાજપે તેમને તગેડી મૂક્યાં હતાં. દિલ્હી પ્રદેશ ભાજપ પ્રવક્તા નવીન જિંદલે નૂપુરના નિવેદનને સમર્થન આપતું ટ્વિટ કર્યું હતું.  ભાજપે જિંદાલને પણ સસ્પેન્ડ કરી દીધા ને સાફ મેસેજ આપ્યો છે કે, કોઈ પણ ધર્મના પૂજનિય લોકો સામેનો બકવાસ ભાજપ ચલાવતું નથી.

ભાજપે બંનેને સસ્પેન્ડ કર્યા પછી સત્તાવારરીતે નિવેદન બહાર પાડીને પણ કહ્યું કે, અમે તમામ ધર્મો અને તેમના પૂજનિય લોકોનું સન્માન કરીએ છીએ. ભાજપ તમામ ધર્મોનું સન્માન કરનારી પાર્ટી છે. ભારતના હજારો વર્ષના ઈતિહાસમાં પ્રત્યેક ધર્મનું માન-સન્માન જળવાયું છે. ભાજપ કોઈપણ ધર્મના કોઈપણ ધાર્મિક વ્યક્તિનું અપમાન કરવાની કડક નિંદા કરે છે અને આવી કોઈ વિચારધારાનો પ્રચાર નથી કરતો. ભાજપે જ નહીં પણ વિદેશ મંત્રાલયે પણ સત્તાવાર નિવેદન બહાર પાડીને આ નિવેદનની ઝાટકણી કાઢી જ છે. એટલું જ નહીં પણ નૂપુર શર્મા સામે કેસ પણ કર્યો છે. જેમણે પણ આ મુદ્દે લવારા કરીને લોકોને ભડકાવવાની કોશિશ કરી એ તમામ સામે કાર્યવાહી કરાઈ છે. દિલ્હી પોલીસની આઈએફએસઓ દ્વારા નૂપુર શર્મા સહિતનાં જે લોકો સામે કથિત રીતે ભડકાઉ ટિપ્પણી કરવાના આરોપ બદલ એફઆઈઆર દાખલ કરાઈ છે તેમાં કહેવાતા હિંદુવાદી નેતા વધારે છે.

આ એફઆઈઆરમાં હરિદ્વારના કુંભમેળામાં હિંદુઓને હથિયાર ઉઠાવીને મુસ્લિમોનો સંહાર કરવાના બકવાસ કરનારા સ્વામી યતિ નરસિંહાનંદનું નામ પણ છે.  આ સિવાય નવીનકુમાર જિંદાલ, અનિલકુમાર મીણા, પૂજા શકુન પાંડે વગેરે કહેવાતા હિંદુવાદીઓ સામે પણ પોલીસે કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસનો આરોપ છે કે તમામ આરોપી નફરતના મેસેજ આપી રહ્યાં હતા,  લોકોને ઉશ્કેરતા હતા અને એવી સ્થિતિ ઊભી કરતા હતા જે શાંતિ સ્થાપવામાં અવરોધ ઊભો કરે. ભાજપે નુપુર-જિંદાલ સામે કરેલી કાર્યવાહી, સ્પષ્ટતા તથા એફઆઈઆર પછી વિવાદ પર પડદો પડી જવો જોઈએ. તેના બદલે અંસારી તથા નસિરૂદ્દીન શાહ સહિતના નેતા બળતામાં ઘી હોમવાનું કામ કરી વિવાદને સળગતો રાખવા મથ્યા કરે છે એ કમનસીબી કહેવાય. નસિરૂદ્દીને મોદીને હસ્તક્ષેપ કરવા કહ્યું છે પણ આ કેસમાં કોઈ હસ્તક્ષેપની જરૂર જ નથી કેમ કે જરૂરી જણાયાં એ પગલાં લેવાયાં જ છે.

જો કે માત્ર મુસ્લિમોમાં જ આવાં પરિબળો છે એવું નથી. કહેવાતા હિંદુવાદી નેતાઓ પણ એ જ ધંધો કરી રહ્યાં છે. પોતાને  હિંદુવાદી નેતા ગણાવતાં સાધ્વી પ્રાચીએ નૂપુર શર્મા અને નવીન જિંદાલનો બચાવ કરતાં એવું કહ્યું જ છે કે,  નૂપુર શર્મા અને નવીન જિંદાલને સત્ય બોલવાની સજા આપવામાં આવી છે પણ બધાંએ યાદ રાખવું જોઈએ કે, સત્યને પરેશાન કરી શકાય છે,  હરાવી શકાતું નહીં. આજે દરેક સનાતની નૂપુર શર્મા સાથે છે,  હું નૂપુર શર્મા અને ભાઈ નવીન જિંદાલ સાથે પણ છું. પ્રાચીએ તો સરકારને પડકાર પણ ફેંક્યો છે કે, તમારામાં હિંમત હોય તો ઓવૈસીની ધરપકડ કરીને બતાવો. નૂપુરે કરેલી હરકત નિંદનિય હતી ને એ બદલ મોદીએ પગલાં લીધાં છે ત્યારે આ વિવાદને અહીં દફનાવીને આગળ વધવું જોઈએ. આ દેશમાં કરવા જેવાં બહુ કામ છે.