નૂપૂર કેસમાં ચપટીક ઉદ્દામવાદી મુસ્લિમો આખા મુસ્લિમ સમુદાયને બદનામ કરે છે

ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ ઈસ્લામ ધર્મના શ્રદ્ધેય મોહમ્મદ પયગંબર સાહેબ વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ વધતો જ જાય છે. નૂપુર શર્માને સમર્થન બદલ રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કનૈયાલાલ અને અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કરી દેવાઈ તેની સામે આક્રોશ છે ત્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટે પયગંબર સાહેબ અંગે કરેલી ટીકા બદલ નૂપુર શર્માની ઝાટકણી કાઢી તેના કારણે નવો મોરચો ખૂલી ગયો છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ મોહમ્મદ પયગંબર સાહેબ વિશે કરેલી ખરાબ કોમેન્ટ બદલ નૂપુર શર્માની ઝાટકણી કાઢી તેની સામે હવે પોણા બસો જેટલા ભૂતપૂર્વ ન્યાયાધીશ તથા ઉચ્ચાધિકારીઓ તેમજ નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ ખુલ્લો પત્ર લખ્યો છે.

તેમનો મત છે કે, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ નૂપુર શર્મા સામે વધારે પડતી આકરી ટીકાઓ કરીને લક્ષ્મણરેખા ઓળંગી છે. ચીફ જસ્ટિસ રામનાને લખેલા પત્રમાં આ મહાનુભાવોએ આ ટિપ્પણીઓ દૂર કરવાની માગણી કરી છે. આ ખુલ્લા પત્રના કારણે નવી બબાલ શરૂ થઈ છે ત્યાં હવે અજમેરના એક મુસ્લિમે નૂપુર શર્માનું માથું વાઢી લાવનારને પોતાનું ઘર ઈનામમાં આપી દેવાનું એલાન કરતાં નવો ફણગો ફૂટ્યો છે. આ વાયરલ વીડિયોમાં હજરત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના ખાદિમ સલમાન ચિશ્તી કહી રહ્યા છે કે, જે નૂપુર શર્માનું ગળું કાપીને લઈ આવશે તેને ખાદિમ પોતાનું મકાન આપી દેશે.

આ વીડિયો આઘાતજનક છે ને પોતાને દરગાહનો ખાદિમ ગણાવતો સલમાન જે વાતો કરે છે એ સાંભળીને થથરી જવાય. વીડિયોમાં પોતાનો પરિચય આપ્યા પછી સલમાન રોતાં રોતાં કહે છે કે, હવે પહેલાં જેવો સમય નથી રહ્યો નહીંતર તો હું ના બોલ્યો હોત. મને મારી માના સોગંધ, હું એને જાહેરમાં ગોળી મારી દેત, મને મારા બાળકોના સમ હું એને ગોળી મારી દેત અને આજે પણ છાતી ઠોકીને કહું છું કે, જે પણ નૂપુર શર્માનું ગળું કાપીને લઈને આવશે એને મારું ઘર આપીને હું રસ્તા પર આવી જઈશ. આ સલમાનનો વાયદો છે.

વીડિયોમાં સલમાન પોતાને ખ્વાજાના સાચા સિપાહી ગણાવીને કહે છે કે, હું આજે પણ કોઈને પણ ચિરી નાંખવાની તાકાત રાખું છું. વાયરલ વીડિયોમાં સલમાન મુસ્લિમોને ઉશ્કેરવાની બીજી વાતો પણ કરી રહ્યો છે. એ બધી વાતો અહીં કરી શકાય તેમ નથી પણ જે સહજતાથી એ નૂપુરનું માથું વાઢી લાવવાની વાત કરે છે એ વાત જ હતપ્રભ કરી દેનારી છે. સલમાન આ દેશના તમામ મુસ્લિમોનો પ્રતિનિધિ નથી તેથી તેની વાતને આ દેશના મુસ્લિમોની વાતમાં ખપાવી ના શકાય પણ હિંસા ફેલાવવા માટે, કોમવાદી ભડકો કરાવવા માટે આખો સમાજ આક્રમક વલણ લે એ જરૂરી નથી હોતું. એકાદ આવો હલકટ આવીને લવારા કરે ને કોઈ ધર્માંધતાના ઉશ્કેરાટમાં આવીને કશુંક કરી નાંખે તો પણ ભડકો થઈ જતો હોય છે. ઉદયપુરમાં દરજી કનૈયાલાલની હત્યા આ રીતે જ થઈ હતી.

નૂપુર શર્માએ ૨૬ મે, ૨૦૨૨ના દિવસે જ્ઞાનવાપી મસ્જિદ વિશેની ચર્ચામાં પયગંબર સાહેબ વિશે ખરાબ કોમેન્ટ કરી પછી તેની સામે દેશભરમાં મુસ્લિમોએ આક્રોશ ઠાલવ્યો હતો. ૧૭ જૂને અજમેરની ગરીબ નવાઝની દરગાહમાંથી પણ મૌન સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તીએ ભડકાવનારું ભાષણ આપીને હુંકાર કરેલો કે, ગુસ્તાખ-એ-રસૂલની આ જ સજા છે, માથું ધડથી અલગ, માથું ધડથી અલગ. આ ઉશ્કેરણીના કારણે ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કરવામાં આવી હતી એ જોતાં ખાદિમ સલમાને કરેલા લવારાને હળવાશથી ના લઈ શકાય.

નૂપુર શર્મા તો અત્યારે સુરક્ષા હેઠળ છે તેથી તેના સુધી પહોંચવું કદાચ શક્ય ના બને પણ ધર્માંધ નૂપુર શર્માને જ નિશાન બનાવે એ જરૂરી નથી. કનૈયાલાલે પયગંબર સાહેબની સીધી ટીકા કરી નહોતી પણ નૂપુર શર્માનું સમર્થન કર્યું હતું ને તેમાં તેમની હત્યા થઈ ગઈ. સલમાનની ઉશ્કેરણીના પગલે પણ કોઈ ધર્માંધ એ જ રીતે બીજા કોઈનો ખાતમો કરી નાંખે એવું બને. આ સંજોગોમાં સૌથી પહેલાં સલમાનને ઉઠાવીને જેલમાં નાંખવો જોઈએ ને સાથે સાથે મુસ્લિમ આગેવાનોએ પણ આગળ આવીને આ પ્રકારની વાતો ના થાય તેના માટે પૂરી તાકાત લગાવી દેવી જોઈએ.

વીડિયો વાયરલ થયા પછી સલમાન ચિશ્તી સામેના અજમેર શહેરના અલવર ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પણ ખાદિમ હમણાં અજમેરમાં નથી. પોલીસે તપાસ કરી તો તેનું લોકેશન કાશ્મીર બતાવે છે. હવે કાશ્મીરમાંથી સલમાન જેવા ધર્માંધને શોધવો બહુ મુશ્કેલ છે પણ એ ઝડપાય ત્યાં લગી મુસ્લિમ આગેવાનો હકારાત્મક ભૂમિકા ભજવવા આગળ આવે એ જરૂરી છે.
ઉદયપુરમાં કનૈયાલાલની આઘાતજનક હત્યાની ઝાટકણી મુસ્લિમ આગેવાનોએ કાઢી હતી. કટ્ટરવાદી રાજકારણી તરીકે વગોવાયેલા અસદુદ્દીન ઓવૈસીથી માંડીને અજમેર દરગાહના દીવાન સાહેબ સુધીના મુસ્લિમ આગેવાનોએ આ ઘટનાની આકરી ટીકા કરી હતી. દેશની ટોચની મુસ્લિમ સંસ્થાઓના આગેવાનોએ પણ હત્યાની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, આ રીતે કોઈની હત્યા કરી નાંખવાને ધર્મ માન્યતા આપતો નથી.

આ વલણ યોગ્ય હતું કેમ કે આ પ્રકારની ઘટનાને સભ્ય સમાજમાં સ્થાન નથી ને કોઈ સમર્થન આપી જ ના શકે. મુસ્લિમ આગેવાનોએ આવું જ સમજદારીભર્યું વલણ બતાવીને સલમાનને ઝાટકવો જોઈએ, કોઈ તેની વાતોમાં ના આવે એવી અપીલ કરવી જોઈએ અને બીજો ઉદયપુર કાંડ ના થાય એ જોવું જોઈએ. બાકી હત્યાઓ થતી રહેશે ને તેમાં પરિણામ અત્યંત ઘાતક આવશે.
નૂપુર શર્માએ પયગંબર સાહેબ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટના બે જજ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ નૂપુરનાં છોતરાં ફાડી નાંખતી ટિપ્પણીઓ કરી છે. બંને માનનીય જજે કહ્યું કે, નૂપુરે પરિણામ વિશે વિચાર્યા વિના બિનજવાબદાર રીતે નિવેદન આપ્યું તેના કારણે દેશમાં ભડકો થઈ રહ્યો છે. અત્યારે દેશમાં જે પણ થઈ રહ્યું છે, તેના માટે આ મહિલા એકલી જવાબદાર છે તેથી તેણે ટીવી પર આવવું જોઈએ અને દેશની માફી માગવી જોઈએ. આ દેશનું ન્યાયતંત્ર આ પ્રકારનું વલણ અપનાવતું હોય ત્યારે તેનામાં વિશ્વાસ રાખવો જોઈએ.