આપણા રાજકારણીઓની આ હલકટાઈની વાત કરવાના બદલે પહેલાં સરહદે શું બન્યું હતું તેના પર નજર નાંખી લઈએ. કેન્દ્ર સરકાર વતી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપેલા સત્તાવાર નિવેદન પ્રમાણે, ૯ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ચીનના લશ્કરની ટૂકડીઓએ અરૂણાચલ પ્રદેશમાં આવેલા તવાંગમાં લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) એટલે કે ભારત-ચીન સરહદ ઓળંગીને ભારતની સીમામાં ઘૂસવા પ્રયત્ન કરેલા. ભારતીય લશ્કરે ચીનના જવાનોના આક્રમણ ખાળીને તેમને ખદેડી મૂક્યા ને પાછા પોતાની પોસ્ટ પર જવાની ફરજ પડી હતી. આ ઘટનામાં બંને દેશના કેટલાક સૈનિકો પણ ઘાયલ થયા છે પણ ભારતનો એક પણ સૈનિક મૃત્યુ પામ્યો નથી કે ગંભીરરીતે ઘાયલ થયો નથી. ભારતના જવાનોએ સમયસર પગલાં લેતાં ચીની સૈનિકો ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા. ભારતના નવ જવાનોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
ચીનના ચાર ડઝન જેટલા સૈનિકોનાં ભારતીય સૈનિકોએ હાડકાં ભાંગ્યાં હોવાનું કહેવાય છે.
આપણા સૈનિકોએ બતાવેલી બહાદુરની સલામ મારવી જોઈએ. તેમણે દેશની સરહદની રક્ષા માટે પોતાના જાનની બાજી લગાવી દીધી અને ચીનાઓને ઉભી પૂંછડીએ ભગાડ્યા. ભારતીય સૈનિકોની બહાદુરી જોઈને દરેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી જાય પણ કમનસીબે આપણા રાજકારણીઓનું વર્તન એવું નથી. તેમની હરકતો જોઈને આપણું માથું શરમથી ઝૂકી જાય છે. આ રાજકારણીઓમાં ભાજપ, કૉંગ્રેસ ને બીજા પક્ષોના નેતા પણ આવી ગયા.
ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી અથડામણની વિગતો જાહેર નહોતી કરી. તવાંગ વિસ્તારમાં ભારત-ચીન સૈનિકોની વચ્ચે અથડામણ ૯ ડિસેમ્બરે થઈ હતી. આ અથડામણ વખતે સંસદ ચાલુ હતી છતાં મોદી સરકારે એ દિવસે કે બીજા દિવસે પણ અથડામણની કોઈ જાણકારી નહોતી આપી.સંસદ ચાલુ હોય ત્યારે દેશને લગતી કોઈ પણ બાબત બને ત્યારે તેની સૌથી પહેલાં માહિતી સંસદમાં આપવી એ સંસદનો વિશેષાધિકાર છે. લોકશાહી દેશમાં પ્રજાના પ્રતિનિધિઓને અને પ્રજાને પણ સરહદ પર બનતી કોઈ પણ ઘટના વિશે જાણવાનો અધિકાર છે પણ મોદી સરકારે લોકોને આ માહિતી ના આપી. તેની પાછળના ઈરાદા શું હશે તેની તેમને ખબર પણ મીડિયામાં રિપોર્ટ ના લાવ્યા હોત તો દેશનાં લોકોને આવી અથડામણ થઈ છે તેની ખબર જ ના પડી હોત.
ત્રણ દિવસ પછી મીડિયામાં અહેવાલ આવ્યા પછી સરકારે સ્વીકારવું પડ્યું કે, અથડામણ થઈ છે અને આપણા બહાદુર જવાનો ઘાયલ થયા છે.સરકારનું વલણ એ પછી પણ સ્પષ્ટ જેવું નથી. તવાંગ અથડામણને મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો ત્યારે ગૃહ મંત્રી અમિત શાહે સંસદની બહાર એવું કહ્યું હતું કે, ચીને ભારતની એક ઇંચ જમીન પર કબજો નથી કર્યો. આપણા જવાનોએ બહાદુરી બતાવી ચીનના સૈનિકોને ભગાડી મૂક્યા છે. શાહે કૉંગ્રેસ પર ડબલ સ્ટાન્ડર્ડનો આક્ષેપ મૂકીને કહેલું કે, કૉંગ્રેસે પ્રશ્ર્નકાળ ચાલવા દીધો નહીં અને અમે જવાબ આપવા તૈયાર હોવા છતાં તેમણે સંસદ ચાલવા દીધી નહીં.
શાહની વાત હાસ્યાસ્પદ છે કેમ કે પહેલાં તો સરકારે ત્રણ દિવસ સુધી આ અથડામણની વાત બહાર કેમ ના પાડી તેનો ખુલાસો કરવો જોઈએ. શાહે કેન્દ્ર સરકાર જવાબ આપવા તૈયાર થઈ તેના કારણે બહુ મોટો ઉપકાર કરતા હોય એવું ચિત્ર ઊભું કર્યું પણ ત્રણ દિવસ લગી દેશની પ્રજા સુધી અથડામણની વાત ના પહોંચાડાઈ એ મુદ્દે ચૂપકીદી સાધી.
શાહે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી મળેલા દાનનો મુદ્દો પણ ઊઠાવ્યો. શાહનો દાવો હતો કે, પ્રશ્ર્નકાળમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને લગતા સવાલ પૂછાવાના હતા પણ કૉંગ્રેસે સંસદ ના ચાલવા દીધી. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી ૧.૩૮ કરોડ મળ્યા હતા પણ આ મુદ્દે પોતાની પોલ ના ખુલે એટલે સંસદ જ ના ચાલવા દીધી. શાહની આ વાત પણ હાસ્યાસ્પદ છે કેમ કે તવાંગની અથડામણને રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળેલા દાન સાથે કંઈ લેવાદેવા નથી. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળેલા દાનને મુદ્દે કેન્દ્ર સરકારે પગલાં લીધાં છે ને તેનું વિદેશી દાન મેળવવાનું લાયસંસ રદ કરી દીધું છે. સરકાર પાસે બીજાં પગલાં લેવાની પણ સત્તા છે જ ને એ સત્તાનો ઉપયોગ કરવો જોઈએ. તેના બદલે સરકાર તવાંગની અથડામણ સાથે તેને જોડીને રાજકારણ રમી રહી છે.
વિપક્ષો પણ આ મુદ્દે રાજકારણ રમી રહ્યા છે. ચીનની લુખ્ખાગીરી લાંબા સમયથી છે ને તેનો ઉકેલ શું હોઈ શકે તેની વાત કરવાના બદલે વિપક્ષો મોદી સરકારમાં દમ નથી અને મોદી સરકાર ચીનનું નામ લેતાં પણ ડરે છે એવી વાતો કરે છે. આ વાતોનો મતલબ નથી કેમ કે કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારે તેણે પણ ચીન સામે એવી બહાદુરી નહોતી બતાડી દીધેલી કે જેના કારણે આપણને ગર્વ થાય. ચીને ૧૯૬૨ના યુદ્ધમાં ભારતના અરૂણાચલ પ્રદેશની ૨૮ હજાર ચોરસ કિલોમીટર જમીન પચાવી પાડેલી. એ યુદ્ધ પછી વરસો લગી કૉંગ્રેસ સત્તામાં રહી હોવા છતાં એ જમીન પાછી નહોતી મેળવી શકી તેથી ભાજપ સરકાર નબળી છે કે સબળ છે એ વાતો કરવાના બદલે વિપક્ષે હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ. જૂની વાતો ઉખેળાય છે ને કોણે શું કરેલું તેનું પિષ્ટપિંજણ થાય તેમાં દેશનું ભલું નથી.