પંજાબના મુખ્યમંત્રી માનનું નામ હવે  અપમાન રાખો એવા જ એના ધંધા છે 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી વિવાદમાં ફસાયા છે. ભગવંત માન પંજાબમાં વિદેશી રોકાણ લાવવા માટે એક અઠવાડિયાની જર્મનીની યાત્રાએ ગયા હતા. ૧૧ સપ્ટેમ્બરે જર્મની ગયેલા ભગવંત માન ૧૭ સપ્ટેમ્બરે પાછા આવવાના હતા પણ તેના બદલે એક દિવસ મોડા એટલે કે ૧૮ સપ્ટેમ્બરે ભારત પાછા આવ્યા.
પંજાબના વિપક્ષ અકાલી દળ અને ભાજપે આક્ષેપ મૂક્યો છે કે, ભગવંત માન એક દિવસ મોડા ભારત એટલે પાછા ફર્યા કે તેમને જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર લુફથાન્સા એરલાઈન્સના વિમાનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. ભગવંત માન ફ્રેન્કફર્ટથી દિલ્હી આવતી ફ્લાઈટમાં બેસવા માટે ચડ્યા ત્યારે દારૂના નશામાં ચકચૂર હતા ને લથડિયાં ખાતા હતા. ભગવંત માને એટલો દારૂ ઠઠાડેલો કે પોતાના પગ પર ઊભા પણ રહી નહોતા શકતા તેથી સ્ટાફે તેમને નીચે ઉતરવાની ફરજ પાડી હતી.
આ દરમિયાન ભગવંત માને ભારે તમાશો કર્યો હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. ભગવંત માનના સ્ટાફે તેમને નીચે ના ઉતારાય એ માટે ભરચક પ્રયત્ન કર્યા હતા પણ પ્લેનનો સ્ટાફ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતો નહોતો તેથી છેવટે માનને એરપોર્ટ પર ઉતાર્યા પછી જ ફ્લાઈટ ઉપડી હતી.
આ કારણે ફ્રેન્કફર્ટથી આવતી ફ્લાઈટ ચાર કલાક મોડી ઉપડી હતી. લુફથાન્સા એરલાઈન્સની વેબસાઈટમાં જણાવ્યા પ્રમાણે ફ્રેન્કફર્ટથી દિલ્હી આવતી ફ્લાઈટ શનિવારે બપોરે ૧.૪૦ કલાકે રવાના થવાની હતી ને દિલ્હીમાં રાત્રે ૧૨.૫૫ કલાકે લેન્ડ થવાની હતી. જો કે ભગવંત માનના કાંડના કારણે ૪ કલાક મોડી સાંજે ૫.૫૨ વાગ્યે ઉપડી શકી અને સોમવારે સવારે ૪.૩૦ કલાકે દિલ્હીમાં લેન્ડ થઈ.
સુખબિરસિંહ બાદલનો દાવો છે કે, ઘણા પેસેન્જરે ભગવંત માનને લથડિયાં ખાતા જોયા હતા અને ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર માનને ઉતારી મૂકાયા તેના પણ પેસેન્જર્સ સાક્ષી છે. મીડિયામાં પણ આ અંગેના સમાચારો છપાયા હતા. આ મીડિયા રિપોર્ટ્સનું કટિંગ પણ બાદલે પોતાની ટ્વીટસાથે મૂક્યું છે. દિલ્હીમાં રવિવારે આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન હતું પણ પીધેલી હાલતમાં નીચે ઉતારાતાં માન સંમેલનમાં પણ ના પહોંચી શક્યા.
બાદલે તો આ મુદ્દે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ખુલાસો કરે એવી માંગણી પણ કરી છે. બાદલે કહ્યું છે કે, આ ઘટના સાચી હોય તો માને પંજાબ જ નહીં પણ આખા દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો છે એ જોતાં કેજરીવાલે દેશની માફી માંગવી જોઈએ. બાદલે તો એમ પણ કહ્યું છે કે, ભગવંત માનને સામાન્ય સંજોગોમાં પણ નીચે ઉતારી મૂકાયા હોય તો એ ગંભીર વાત છે તેથી મોદી સરકારે જર્મનીની સરકાર સાથે વાત કરવી જ જોઈએ.
આમ આદમી પાર્ટી ભગવંત માનને પીધેલી હાલતમાં નીચે ઉતારી મૂકાયા એ વાતને ટાઢા પહોરનું ગપ્પુ ગણાવે છે પણ મજાની વાત એ છે કે, આમ આદમી પાર્ટી અને પંજાબ સરકારના દાવામાં ભારે વિરોધાભાસ છે તેથી દાળમાં કંઈક તો કાળું છે જ.
આમ આદમી પાર્ટીના મીડિયા કમ્યુનિકેશન ડિરેક્ટર ચંદર સુતા ડોગરાના દાવા પ્રમાણે, ભગવંત માનની તબિયત ખરાબ હતી તેથી એ પોતે સામેથી જ ૧૭ સપ્ટેમ્બરના બદલે ૧૮ સપ્ટેમ્બરે ફ્રેન્કફર્ટથી દિલ્હી આવવા રવાના થયા હતા. બીજી તરફ પંજાબની ચીફ મિનિસ્ટર્સ ઓફિસનો દાવો છે કે, ભગવંત માન ૧૮ સપ્ટેમ્બર સુધી જર્મનીમાં રોકાશે એ પહેલાંથી નક્કી હતું તેથી જ ૧૮ સપ્ટેમ્બરે આવ્યા. આ બંને વાતોનો મેળ ખાતો નથી એ જોતાં કુછ તો ગરબડ હૈ, દયા.
સોશિયલ મીડિયા પર અત્યારે લોકો માન પર તૂટી પડ્યાં છે ને મોટાભાગનાં લોકો માને છે કે, સુખબિર બાદલે કરેલી વાત સાચી જ હશે. તેનું કારણ ભગવંત માનનો ભવ્ય ભૂતકાળ છે. ભગવંત માન એક જમાનામાં કોમેડિયન હતા ને મનોરંજન જગતનાં મોટાભાગનાં લોકોની જેમ પીવાની લત લાગી ગઈ. ભગવંત માનને વધારે લત લાગી ગઈ તેમાં માનની છાપ પિદ્ધડ માણસ તરીકેની પડી ગઈ હતી. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકસભામાં ભાષણ સમયે ભગવંત માનની દારૂ પીવાની લત વિશે કટાક્ષ કરીને મજાક ઉડાવી હતી. ભગવંત માન લોકસભામાં દારૂ પીને આવતા હતા એવી વાતો પણ સમયાંતરે આવતી રહી છે. એકવાર તો સંસદની સિક્યુરિટીએ તેમને પીધેલી હાલતમાં પકડ્યા હતા એવું પણ કહેવાય છે. આ કારણે ભગવંત માનના કિસ્સામાં જે પણ વાતો થઈ રહી છે એ લોકોને સાચી લાગે છે.
ભગવંત માનને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવ્યા ત્યારે પણ કેજરીવાલના માથે બહું માછલા ધોવાયેલાં. એક ‘પિદ્ધડ કોમેડિયન’ને મુખ્યમંત્રીપદનો ઉમેદવાર બનાવીને કેજરીવાલે બુદ્ધિનું દેવાળું ફૂંકી દીધું હોવાની ટીકાઓ પણ થતી હતી. કેજરીવાલે પંજાબમાં લડ્યા પહેલાં જ હાર માની લીધી હોવાના અભિપ્રાય પણ ફેંકાતા હતા. માને એ બધી વાતોને ખોટી પાડીને પંજાબમાં કદી કોઈ પક્ષને ના મળી હોય એટલી બેઠકો જીતીને આમ આદમી પાર્ટીને સત્તા અપાવી દીધી હતી. કેજરીવાલે એક ‘પિદ્ધડ કોમેડિયન’ સાથે મળીને કમાલ કરી નાંખી હતી.
ભગવંત માન લાંબા સમયથી પોતે દારૂ પીવાનો છોડી દીધો હોવાની વાત જોરશોરથી કરતા હતા પણ કોઈ તેમની વાત સાંભળતું નહોતું. પંજાબના મુખ્યમંત્રી બન્યા પછી લોકોને આ વાત સાચી લાગવા માંડેલી. પંજાબના મુખ્યમંત્રી તરીકે ભગવંત માને લીધેલાં એક પછી એક પગલાંને કારણે લોકોને લાગવા માંડેલું કે, માન ખરેખર સુધરી ગયા છે પણ હવે ફરી લોકોને શંકા થવા માંડી છે.
જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર ખરેખર શું બનેલું તેની આપણને ખબર નથી પણ ખરેખર માનને દારૂ પીવા બદલ ઉતારી મૂકાયા હોય તો એ દેશ માટે શરમજનક તો કહેવાય જ. તેના માટે માને દેશની માફી માંગવી જોઈએ. દારૂ પીવો એ ગુનો નથી ને તેમાં પણ જર્મનીમાં તો બિલકુલ નથી પણ એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે જાહેરમાં દારૂ પીને લથડિયાં ખાઓ અને ફ્લાઈટમાંથી ઉતારી મૂકાય એ શરમજનક ગણાય જ. માન આપના મુખ્યમંત્રી હોવાથી કેજરીવાલે પણ માફી માંગવી જોઈએ. બાકી માત્ર રાજકીય આક્ષેપ હોય તો કશું કહેવાપણું રહેતું નથી.