પંજાબની પ્રજા ચન્નીને પાઠ ભણાવીને ઘરે બેસાડે તો કશું ખોટું નહીં હોય

ચૂંટણીઓ ટાણે ઘણી વખત અતિ ઉત્સાહમાં ભાંગરા વટાઇ જતા હોય છે પણ તેમા ઘણી વખત મોટી મુશ્કેલી સર્જાતી હોય છે અને તેને કારણે નુકસાની પણ વેઠવી પડતી હોય છે આવો જ બનાવ બન્યો છે હમાણ પંજાબીઓને ખુશ કરવા પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીનાં લોકો માટે કરેલી કોમેન્ટે ધમાલ ઊભી કરી દીધી છે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન છે તેથી બધા રાજકીય પક્ષો છેલ્લે છેલ્લે મતદારોને રીઝવવા પૂરી તાકાત લગાવી રહ્યા છે. કોંગ્રેસ પંજાબમાં સત્તા જાળવવા લડી રહી છે ને કેપ્ટન અમરિન્દરસિંહને બદલીને ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવાયા છે. ચન્ની માટે આ કારણે પંજાબનો જંગ પ્રતિષ્ઠાનો જંગ છે તેથી ચન્ની ઝનૂનથી મચી પડ્યા ને તેમાં તેમણે ભાંગરો વાટી દીધો.
ચન્નીના વતન રોપડ એટલે કે રૂપનગરમાં યોજાયેલા રોડ શોમાં ચન્નીએ પ્રિયંકા ગાંધીને પંજાબ દી બહુ’ ગણાવીને હુંકાર કર્યો કે, પંજાબમાં યુપી, બિહાર, દિલ્હીના ભૈયાઓને નહીં ઘૂસવા દેવાય કે પંજાબમાં રાજ કરવા નહી દેવાય. ચન્ની આ બોલ્યા ત્યારે પ્રિયંકા ગાંધી બાજુમાં જ ઊભાં રહીને હસતાં હતાં અને પછી તાળીઓ પણ પાડે છે. ચન્નીનો આ વીડિયો વાયરલ થયો છે. ચન્ની અને પ્રિયંકા ગાંધીના વીડિયોએ કોંગ્રેસની હાલત બગાડી નાખી છે.
પંજાબમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને હંફાવી રહી છે તેથી ચન્નીએ અરવિંદ કેજરીવાલના સંદર્ભમાં આ વાત કરી હતી. ચન્નીએ પછી આ ખુલાસો પણ કર્યો પણ તીર છૂટી ગયું છે. આ વાત કોંગ્રેસને ભારે પડી રહી છે ને યુપીમાં આ મુખ્ય મુદ્દો બની ગયો છે. કોંગ્રેસ યુપી, બિહાર, દિલ્હીનાં લોકોનું અપમાન કરી રહી હોવાનો મુદ્દો ઉઠાવીને ભાજપ સહિતના પક્ષો તૂટી પડ્યા છે. પ્રિયંકા ગાંધી યુપીમાં લડકી હૂં લડ સકતી હૂં કહે છે જ્યારે પંજાબમાં યુપીનાં લોકોને નહીં ઘૂસવા દેવાય એવી વાત પર તાળીઓ પાડે એ કોંગ્રેસનો અસલી ચહેરો છતો કરે છે એ પ્રકારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં પાંચમાં તબક્કાનું મતદાન બાકી છે તેથી ભાજપને જ નહીં પણ બીજા રાજકીય પક્ષોને પણ મોટો મુદ્દો મળી ગયો છે. નરેન્દ્ર મોદીએ પોતે આ મુદ્દો ઉઠાવીને યાદ અપાવી કે કોંગ્રેસના નેતા મત માટે જેમનું નામ વટાવે છે એવા શીખ સહિતના પંજાબીઓ માટે શ્રદ્ધેય ગુરૂ ગોવિંદસિંહ અને સંત રવિદાસ પણ પંજાબમાં નહીં પણ યુપી-બિહારમાં જન્મ્યા હતા એ કોંગ્રેસ યાદ રાખવું જોઈએ. પ્રિયંકા ગાંધીની હાજરીમાં સીએમ ચન્નીએ યુપી-બિહારના લોકોને ભૈયા’ કહીને સંબોધ્યા તેના કારણે પ્રિયંકાના માથે પણ માછલાં ધોવાઈ રહ્યાં છે. પ્રિયંકા ગાંધી સીએમ ચન્નીના નિવેદન પર તાળીઓ પાડીને પોતાની માનસિકતા બતાવી રહ્યાં હોવાની ટીકા થઈ રહી છે. લોકો કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે અને યુપીની જનતા ચૂંટણીમાં કોંગ્રેસને પાઠ ભણાવશે એવી વાતો પણ થઈ રહી છે. માયાવતીએ રાજ્યની જનતાને કોંગ્રેસને પાઠ ભણાવવાની અપીલ કરી છે. ચન્નીના લવારાના કારણે યુપીમાં સત્તામાં પાછા ફરવાનું સપનું જોઈ રહેલી કોંગ્રેસનું સપનું રોળાઈ જશે એ કહેવાની જરૂર નથી.
ચન્નીનો લવારો એ વાતનો પુરાવો છે કે, ભારતના નેતાઓ દેશની એકતાની ગમે તેટલી વાતો કરે પણ એ લોકો વાસ્તવિક રીતે સંકુચિત માનસિકતામાં માનનારા લોકો છે. રાજકીય સ્વાર્થ ખાતર લોકોમાં ભાગલા પાડવામાં કે લોકોને એકબીજા સામે ઉશ્કેરવામાં તેમને જરાય શરમ નથી નડતી કે કોઈ છોછ થતો નથી. બહુ નફ્ફટાઈથી એ લોકો ગમે તે બોલી શકે છે. યુપી, બિહાર કે દિલ્હીનાં લોકોને પંજાબમાં ઘૂસવા નહીં દેવાય એવી ચન્નીની વાત જ આઘાતજનક છે.
શરમજનક વાત તો ચન્નીની સ્પષ્ટતા છે. ચન્નીનું કહેવું છે કે, પોતે યુપી-બિહારનાં લોકોના સંદર્ભમાં નહીં પણ આમ આદમી પાર્ટીના દિલ્હીથી આવતા નેતાઓ વિશે આ વાત કરી હતી. ભલા માણસ, દિલ્હીનાં લોકોને પણ પંજાબમાં આવવાનો અધિકાર છે જ. તમે કોઈ પણ ભારતીયને પંજાબમાં નહીં ઘૂસવા દેવાય એવું બોલી જ કઈ રીતે શકો? ચન્નીની વાત અક્ષમ્ય છે ને એ ગમે તેટલા ખુલાસા કરે પણ તેને કોઈ રીતે યોગ્ય ઠરાવી શકાય તેમ જ નથી.
ચન્નીએ ચૂંટણીમાં જીત માટે આ લવારો કર્યો પણ ચૂંટણી ના હોય ત્યારે પણ આ પ્રકારના લવારા થાય જ છે. ગુજરાતમાં પણ ઓવા લવારા થઇ જ ચૂક્યા છે. બલકે ગુજરાતમાં તો એક સમયે યુપી-બિહારનાં લોકો સામે રીતસરનો ઝેરી પ્રચાર જ શરૂ થયો હતો. સવા ત્રણ વરસ પહેલાં એટલે કે 2018ના ઓઓક્ટોબરમાં સાબરકાંઠાના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી પર બળાત્કારની શરમજનક અને અક્ષમ્ય ઘટના બની હતી. આ ઘટના બાદ પરપ્રાંતિયો પર હુમલા શરૂ થઈ ગયા હતા.
અલ્પેશ ઠાકોર અત્યારે ભાજપમાં છે પણ એ વખતે કોંગ્રેસના ધારાસભ્ય હતા. અલ્પેશ ઠાકોરે પરપ્રાંતિયો સામેના આક્રોશની આગેવાની લીધી હતી. અલ્પેશની ઠાકોર સેનાએ ઉત્તર ગુજરાતમાં યુપી-બિહારનાં લોકોને નિશાન બનાવીને હુમલા કરતાં મોટા પાયો હિજરત પણ થઈ હતી. એ વખતે ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર હતી. આ હુમલાઓને રોકવા ભાજપ સરકાર મથી રહી હતી ત્યારે કેટલાક નેતાઓએ સોશિયલ મિડિયામાં યુપી-બિહારનાં લોકો સામે ભડકાવનારી પોસ્ટ્સ મૂકી હતી. આ હલકી કોમેન્ટ્સ બદલ ફરિયાદ પણ થઈ હતી.
ગુજરાતમાં એ વખતે આક્રોશનો માહોલ હતો પણ એક વ્યક્તિના કારણે સમગ્ર રાજ્યનાં લોકોને નિશાન બનાવવાં યોગ્ય ના કહેવાય. છોટાઉદેપુર પોલીસે સચિન તડવી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી પણ આ કેસમાં કશું થયું નહોતું. મહત્ત્વની વાત એ છે કે, કોંગ્રેસને ભાજપ બંનેએ આ પ્રકારની કોમેન્ટ્સ કરનારાં સામે કશું નહોતું કર્યું. પગલાં લેવાની વાત તો છોડો પણ કોઈ ટીકા કરવા પણ આગળ નહોતું આવ્યું. ગુજરાતમાં આ કોમેન્ટ્સના કારણે પરપ્રાંતિયો સામે આક્રોશ વધ્યો હતો ને હજારો પરપ્રાંતિયોએ ભાગવું પડ્યું હતું.
યુપી-બિહારનાં લોકોને નિશાન બનાવાયાં હોય એવું પહેલાં પણ બન્યું છે. મહારાષ્ટ્રમાં તો પ્રાદેશિક પક્ષોનો ઈતિહાસ જ યુપી-બિહારનાં લોકોને નિશાન બનાવીને લોકોને ખુશ કરીને રાજકીય ફાયદો મેળવવાનો છે. શિવસેનાએ શરૂઆતનાં વરસોમાં એ કરેલું ને પ્રદેશવાદ ફેલાવીને ભરપૂર ફાયદો લીધો હતો. રાજ ઠાકરે શિવસેનાથી અલગ થયા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) ત્યારે તેમણે પણ યુપી-બિહારને નિશાન બનાવીને ઝુંબેશ શરૂ કરી હતી. તેના પગલે હુમલા પણ થયા હતા ને તણાવનો માહોલ પણ થયો હતો. મહારાષ્ટ્રની સમજુ પ્રજાએ રાજ ઠાકરેના બદઈરાદાને પાર ના પડવા દીધા તેમાં આ ઝુંબેશ ઠંડી પડી ગઈ, બાકી મહારાષ્ટ્રમાંથી પણ યુપી-બિહારનાં લોકોને ભગાડવાની વાતો થઈ જ હતી.દેશનાં બીજાં રાજ્યોમાં પણ આ પ્રકારની ઝુંબેશો થઈ જ છે ને બીજા નેતાઓએ પણ યુપી-બિહારનાં લોકોને ઘૂસવા નહીં દેવાય એવી વાતો કરી જ છે. ચન્ની પહેલા નેતા નથી પણ અત્યારે ચૂંટણીનો માહોલ છે તેથી ઝપટે ચડી ગયા છે. ચન્નીની ટીકા કરવામાં કશું ખોટું નથી ને પંજાબની પ્રજા ચન્નીને પાઠ ભણાવીને ઘરે બેસાડે તો તેમાં પણ કશું ખોટું નહીં હોય કેમ કે દેશનાં લોકોમાં ભાગલા પાડવાની વાતો કરનારો ચાલે જ નહીં.
ચન્નીની ટીકાની સાથે સાથે બીજી એ વાત પણ વિચારવા જેવી છે કે, યુપી-બિહારનાં લોકો જ કેમ નિશાન બને છે ? તેનું કારણ એ છે કે આ રાજ્યોમાં વિકાસ નથી તેથી યુપી-બિહારનાં લોકોએ રોજગારી માટે બહાર જવું પડે છે. તેના કારણે બીજાની નજરે ચડે છે અને ટીકાનો ભોગ બને છે.