પંજાબ સહિતના ઉત્તરીય ભારતના રાજ્યો હવે નશાખોરીની લતમાં પૂરા જકડાઇ ગયા

હવે તો અબજો રૂપિયાના ડ્રગ્સ ઝડપાઈ રહ્યા છે. અગાઉ રૂપિયા 2500 કરોડના કેફી દ્રવ્યો ઝડપાયા એના બીજા જ દિવસે દેશભરમાં ફિદાયીન હુમલાનું કાવતરું ઝડપાયું. આ ઘટનાક્રમનો આરંભ મૂળભૂત રીતે પાકિસ્તાની ડ્રોન પ્રકરણથી શરૂ થયો છે. અને અહીં પૂર્ણવિરામ નથી. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચાલતા આતંકવાદીઓના કેમ્પના કમાન્ડરોએ તેમની મોડેસ ઓપરેન્ડી બદલી હોવાના આ સંકેત છે. પંજાબ તો ડ્રગ્સના સપાટામાં બહુ અગાઉથી ફસાઈ ગયેલું રાજ્ય છે. એના છેડા છેક અફઘાનિસ્તાનના અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા છે. જો કે તાલિબાનો છેક કંદહાર ( સંસ્કૃતમાં ગાંધાર ) ક્ષેત્ર સુધી આવી જતાં અસામાજિક તત્ત્વોને છુટ્ટો દોર મળી ગયો છે. કેપ્ટન અમરિન્દરસિંહનો સત્તાકાળ પંજાબમાંથી ડ્રગ્સ માફિયાઓને પકડવાથી શરૂ થયો છે અને એમાં જ એમની મુદત પૂરી થશે એવું લાગે છે.

કારણ કે ઘઉંના લહેરાતાં ખેતરોની વચ્ચે પંજાબની જે પ્રજા દાયકાઓથી મહેનત કરતી તે પ્રજાને પાકિસ્તાનના ડ્રગ માફિયાઓએ વિવિધ પ્રકારના કેફીદ્રવ્યોના રવાડે ચડાવી દીધી ત્યારથી એક તો પંજાબમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું અને બીજું પંજાબના યુવાનો જે સૌથી વધુ ભારતીય સૈન્યમાં ભરતી થતાં હતા તેમાં પણ ઓટ આવી. કેપ્ટને મુખ્યમંત્રી પદની ધૂરા સંભાળી ત્યારથી આજ સુધીમાં એમણે ડ્રગ્સના વ્યસની બની ગયેલા પંજાબના લાખો યુવાનોને સામાન્ય અને નિર્વ્યસની જીવન તરફ વાળ્યા છે. હમણાં પંજાબમાં દેશી શરાબ પીવાને કારણે એક સોથી વધુ નાગરિકોના મોત થયા.

મૃત્યુ પામનારા કોઈ નિર્દોષ ન હતા, બધા જ દોષિત હતા. તેમનો દોષ એ કે તેઓ જાણતા હતા કે આ લઠ્ઠો છે, જે શરાબ નથી, પરંતુ એને ઘણીવાર દેશી દારૂ તરીકે ઓળખાવવામાં આવે છે. જાણતા હોવા છતાં પંજાબના ગામડાંઓમાં બેફામ લઠ્ઠો પીવાય છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારાઓના પરિવારોને અમરિન્દરસિંહે બે – બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આપણા દેશની આ હાલત છે કે કોઈ લઠ્ઠો પીવે, પછી એમાં મોતને ઘાટ ઉતરે ને પછી વફાદાર કરદાતાઓએ રાજતિજોરીમાં જમા કરાવેલી મહેનતમાંથી એ લઠ્ઠો પીનારાના પરિવારોને આશ્વાસન રકમના કુલ લાખો રૂપિયા આપવાના.

કોઈ સજ્જન કરદાતા આખી જિંદગી ટેક્સ ભરશે અને છેવટે ગંગાજળનો ઘૂંટડો પી ને નિંરાતેથી દિવંગત થશે તો સરકાર એના ઘરે એક પોસ્ટકાર્ડ પણ નહિ લખે અને શુકનનો સવા રૂપિયો પણ આશ્વાસનમાં નહિ મોકલે. ભારતમાં ગંગાજળિયો કાંઠો અને શરાબી નદીઓનો કાંઠો અલગ અને સામસામો છે. ભારતની જિંદગી એ બેયની વચ્ચેથી પુરપાટ વહે છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે નિવૃત્તિના વરસોમાં અખંડ મહેનત કરીને પંજાબમાં પોતાના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર સ્થાપી છે. સામા પાણીએ તરીને જીત્યા હોવાથી એમનું અભિમાન પણ કંઈ છાનુ રહે એમ નથી. ઈ. સ. 2022 માં એમને ફરી સત્તા પર આવવાની આશા છે. અત્યારે તો પંજાબ કોંગ્રેસમાં ઘોર આંતરકલહ ચાલે છે. પંજાબ સહિતના ઉત્તરીય ભારતના રાજ્યો હવે ગુનાખોરીની લપેટમાં એવા આવી ગયા છે કે એના નેતૃત્વમાં અને રાજ્ય વ્યવસ્થાપનમાં પાવરફુલ વિજિલન્સ જોઈએ.

કોઈ સીધા-સાદા મુખ્યમંત્રી ન તો પૂર્વોત્તર રાજ્યોમાં ચાલે કે ન તો ઉત્તર ભારતમાં ચાલે. કેપ્ટન અમરિન્દરસિંહે ગૃહખાતા પાસેથી ખૂબ કામ લીધું છે. રાજકીય વહીવટીય અને વિચક્ષણ બુદ્ધિમત્તાની રીતે તેઓ એકદમ ફિટ છે. પ્રજા તેમને ખરા દિલથી ચાહે છે. પરંતુ પંજાબમાં કલેક્ટરોનું કામ હોતા હૈ ચલતા હૈ જેવું છે. જેટલું કામ પોલીસતંત્ર કરે છે એટલું કામ મહેસુલ, પુરવઠા, નશાબંધી કે આબકારી અધિકારીઓ કરતા નથી. કેપ્ટને એક સાથે દસ બાર ઉચ્ચાધિકારીઓને સસ્પેન્ડ કર્યા. પણ એનાથી બહુ ફેર પડવાનો નથી. જે લઠ્ઠાકાંડ સર્જાયો એમાં ખરેખર તો એમ થવાનો આગોતરો અણસાર મળી ગયો હતો.

પરંતુ જિલ્લાતંત્રોની સુષુપ્તિને કારણે કોઈ પગલા લેવાયા નહિ. લઠ્ઠાકાંડ અગાઉ અમૃતસર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બે ખોબા જેવા ગામડાઓમાંથી લઠ્ઠો પીવાથી મોત તરફ ધકેલાતા પાંચ કેસ સપાટી પર આવ્યા હતા. ત્યારે જ જો આ લઠ્ઠો ક્યાંથી આવ્યો છે એ જાણીને દરોડા પાડવામાં આવ્યા હોત તો બીજા અનેક લોકોની જાનહાનિ નિવારી શકાઈ હોત. લઠ્ઠાથી મૃત્યુ પામનારા પાંચ ગ્રામવાસીઓના સમાચાર સ્થાનિક ચેનલોમાં પણ વહેતા થયા હતા. તો પણ સરકારી તંત્ર જાગ્યું ન હતું. એ ઘટનાના પાંચ દિવસ પછી એ જ લઠ્ઠો અમૃતસર, ગુરદાસપુર અને તરણતારણ જિલ્લાઓના ગામડાંઓમાં ડિલિવર થઈ જતાં એક સાથે સોથી વધુ મોતનો હાહાકાર મચી ગયો અને છેક ત્યારે સરકાર જાગી.

આ ઘટના પણ એ વાતની ફરી ખાતરી કરાવે છે કે મુખ્યમંત્રી અમરિન્દરસિંહ ગમે તેટલા તૈયાર હોય પરંતુ દરેક જિલ્લાના વહીવટીતંત્ર હજુ એવા ને એવા જ છે, જેવા અકાલીદળ અને ભાજપની યુતિએ એમને બનાવી મૂક્યા હતા. પંજાબ સરકારે અદાલતી તપાસના આદેશો આપ્યા છે પરંતુ એથી કંઈ આવા દેશી દારૂની ભૂગર્ભ ધારાઓ વહેતી બંધ થઈ જવાની નથી. દેશમાં અનેક બાબતોમાં એવું જોવા મળે છે કે જ્યાં સુધી મોટી જાનહાનિ ન થાય ત્યાં સુધી સરકાર ધ્યાન આપતી જ નથી. પંજાબમાં દારૂબંધી નથી પરંતુ શરાબ બનાવવાના તથા ખરીદ-વેચાણના ચુસ્ત નિયમો છે.

જ્યાં શરાબનું ઉત્પાદન થાય છે ત્યાં સરકાર તરફથી ગુણવત્તા નિયમન શિથિલ હોય છે. અને એમાંથી જ આખરે લઠ્ઠો બહાર આવે છે. હકીકત એ પણ છે કે વાંધાજનક શરાબના ઉત્પાદકો પાસે કોઈ લાયસન્સ હોતા નથી. એથી તેઓ હલકી ગુણવત્તા દ્વારા ચિક્કાર નફાની યોજનાઓ ઘડે છે. તેમાં અંધારી આલમના અસામાજિક તત્ત્વો જોડાયેલા હોય છે. પંજાબી પ્રજા લઠ્ઠાને ઝેરી શરાબ કહે છે. ખરેખર એ શરાબમાં કંઈ ઝેર ઉમેરવામાં આવ્યું હોતું નથી. પરંતુ ઘાતક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં માત્રાભેદને કારણે તથા લાંબો સમય પડ્યા રહેવાને કારણે રાસાયણિક પ્રક્રિયાઓ વિપરીત થવા લાગે છે.

ઉપરાંત ઉત્પાદનના દરેક તબક્કે હલકી ચીજો અને છેલ્લે બનાવટી લેબલ લગાવીને માલ વેચવામાં આવે છે. ગુજરાતમાં આવો લઠ્ઠાકાંડ અગાઉ અનેકવાર બહાર આવેલો છે. હમણાં વરસાદ છે એટલે બંધ હોય પણ એ સિવાય સાબરમતીના કોતરોમાં દેશી શરાબની ભઠ્ઠીઓ ધમધમતી હોય છે. અમદાવાદથી ઉપરવાસમાં ભેદી કોતરોમાં લઠ્ઠો બને છે અને વેચાય છે. આજે પણ વડોદરા, સુરત અને મુંબઈના પછાત વિસ્તારોમાં જે શરાબ મળે છે જે સંબંધિત સત્તાતંત્રો પણ જાણે છે તે પંજાબની ઝેરી શરાબ જેવી જ ગુણવત્તા ધરાવે છે. એના પર કોઈનું નિયમન નથી. દેશમાં અનેક રાજ્યોમાં પંજાબ જેવા લઠ્ઠાકાંડ આકાર લે તો એમાં કોઈ જ નવાઈની વાત નથી કારણે કે દરરોજ ક્યાંક ને ક્યાંક ઝેરી શરાબ જનિત અલ્પસંખ્યામાં મોત તો નોંધાતા જ રહે છે. આટલા બધા લાંબા લોકડાઉન અને હવેના અનલોક પછી પણ જો કોઈ ખરો કુટિર ઉદ્યોગ ભારતમાં ધમધમતો હોય તો તે દેશી દારૂના નિર્માણનો જ છે. સાંભળવી ન ગમે તો પણ આ હકીકત છે.