- વરસાદનું વધારે પડતુ વ્હાલ હવે ધરતીપુત્રોને નડી રહયું છે ત્યારે મેઘરાજાનું બેફામ બેટીંગ : જમીનમાં ત્રણ દિવસે પણ પાણી સુકાયું નથી
- બગસરામાં વરસાદ નહી અને સાત કિલોમીટર દુર મોટા માંડવડા, શીલાણા, પાણીયા, ટીંબલામાં સમી સાંજે ચાર ઇંચ : કેરીયાનાગસમાં ધોધમાર : તાજપરમાં અઢી ઇંચ વરસાદ
- માંડવડા અને કેરીયાનાગસ વિસ્તારમાં કપાસ અને મગફળીનો ખો બોલી ગયો : ધારીનાં મીઠાપુર અને આસપાસના વિસ્તારમાં પણ માંડવી અને કપાસને પારાવાર નુકશાની
અમરેલી,
કાઠીયાવાડમાં વરસાદનું વધારે પડતુ વ્હાલ હવે ધરતીપુત્રોને નડી રહયું છે ત્યારે મેઘરાજાનું બેફામ બેટીંગ શરૂ છે એક તરફથી છેલ્લા ત્રણ દિવસથી વરાપ અને તડકી છે ત્યારે શુક્રવારે સાંજે અમરેલીના મોટા માંડવડામાં વિનાશ વેરતો ચાર ઇંચ ધોધમાર વરસાદ પડયો હતો બગસરામાં બીલકુલ વરસાદ ન હતો અને માત્ર સાત કિલોમીટર દુર મોટા માંડવડા, શીલાણા, પાણીયા, ટીંબલામાં સમી સાંજે ધોધમાર ચાર ઇંચ ખાબક્યો હતો જ્યારે અમરેલીના કેરીયાનાગસમાં ધોધમાર એકાદ ઇંચ જેટલો વરસાદ પડયો હતો અને અમરેલીનાં મોટા માંડવડા વિસ્તારમાં કપાસ અને મગફળીનો ખો બોલી ગયો હતો આજ રીતે ધારીનાં મીઠાપુર અને આસપાસના વિસ્તારમાં પણ માંડવી અને કપાસને પારાવાર નુકશાની વેરી હોવાનું મીઠાપુરથી શ્રી જયેશભાઇ પેથાણીએ જણાવ્યુ છે મીઠાપુરમાં ધીરૂભાઇ કેશુભાઇ હીરપરા તેના ત્રણ ભાઇઓ તથા મથુરભાઇ છગનભાઇ હીરપરા, વિનુભાઇ કાનજીભાઇ નાકરાણી, જયેશભાઇ નાથાભાઇ પેથાણી, કાળુભાઇ ગોરધનભાઇ હીરપરાના ખેતરો ભારે વરસાદને કારણે સપાટ થઇ ગયા છે અને શિંગ તથા કપાસનો ખો બોલી ગયો છે. વંડા મેકડા, જેજાદ, ફાચરીયા આકોલડા, શેલણા, ઘોબા, ઠવી, વીરડી, વાંસીયાળી સહિતના આખા જેસર પટ્ટાના વંડા વિસ્તારમાં એકાદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેનાથી મોટી નુકશાની થઇ છે આ ઉપરાંત અમરેલીના ઇશ્ર્વરીયા અને લાલાવદર અને મતીરાળામાં પણ ધોધમાર વરસાદ પડયો હોવાના વાવડ મળી રહયા છે. લાઠી તાલુકાના તાજપર ગામે સમી સાંજે અડધી પોણી કલાકમા મુશળધાર અઢી ઈંચ વરસાદ વરસી જતા જળ બમ્બાકર થયુ હતુ.બાજુના ભૂરખીયા ગામ અને સીમ વિસ્તારમાં દોઢ થી બે ઈંચ વરસાદ ખાબકી જતા ચારે તરફ પાણી પાણી ફેલાઈ ગયું હતુ.