પરિવારે ભણવાની ઉંમરમાં દીકરીના લગ્ન કર્યા, ક્લાસમેટને ખબર પડતા ઘરે પહોંચી લગ્ન અટકાવ્યા

જરુરિયાતના સમયે કામે આવતા મિત્રો જ સાચા મિત્રો કહેવાય છે. પશ્ર્ચિમ બંગાળના પશ્ર્ચિમ મિદનાપુર જિલ્લામાંથી એક સગીર બાળકીને આ વાતનો ભાગ્યે જ પરચો મળ્યો હશે, પણ તેના ક્લાસના મિત્રોએ તેના માટે જે કર્યું એ તો તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તેના ક્લાસના મિત્રોએ તેની મરજી વિરુદ્ધ થઈ રહેલા લગ્નને અટકાવાનું કામ કર્યું હતું. ગોલર સુશીલા ઉચ્ચ વિદ્યાલય, ગોલારના નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ જોયું કે, તેમની ક્લાસમેટ છેલ્લા એક અઠવાડીયાથી સ્કૂલે આવતી નથી. જ્યારે તેમને ખબર પડી કે, તેના લગ્ન નક્કી થઈ ગયા છે, તો બધા મિત્રો તેના ઘરે પહોંચી ગયા અને માગ કરી કે, તે સ્કૂલે પાછી આવી જાય. મોટો ડખ્ખો થવાની બીકે છોકરીના પરિવારવાળા તેને ધીમેથી પાછળના દરવાજેથી તેના થનારા વરના ઘરે લઈ ગયા. જ્યારે વિદ્યાર્થીઓને આ વાતની ખબર પડી તો તેઓ વરના ઘરે પહોંચી ગયા અને ત્યાં જઈ હોબાળો મચાવ્યો હતો અને ધમકી આપી. ભારે હોબાળો થતાં આખરે વર પક્ષના લોકોએ કન્યાને આ બાળકોને સોંપી દીધી અને તેને ફરી સ્કૂલે લઈ ગયા હતા. સ્કૂલના આચાર્ય સુરેશ ચંદ્ર પાડિયાએ વિદ્યાર્થીઓના વખાણ કર્યા હતા અને કહૃાું કે, તેમના દ્રઢ સંકલ્પના કારણે આ લગ્ન અટકી ગયા. કેશપુર બ્લોક, જ્યાં સ્કૂલ આવેલી છે, ત્યાંથી ખંડ વિકાસ અધિકારી દીપક કુમાર ઘોષે કહૃાું કે, તેના પરિવારે વચન આપ્યું છે કે, તે ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી તેના લગ્ન કરાવશે નહીં. પાડોશીઓએ કહૃાું હતું કે, પરિવારની આર્થિક સ્થિતિને જોતા છોકરીના બાળપણના લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.