પરોક્ષ રીતે પણ બંધારણનાં ઘડવૈયાને અમરેલી સાથે સંબંધ

અમરેલી,અમરેલી શહેર જિલ્લાભરમાં આજે બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર કે જેમને વડોદરાનાં મહારાજા સૈયાજી રાવે સ્કોલશીપ આપી ઉચ્ચ અભ્યાસ માટે મદદ કરી હતી. તે ગાયકવાડનાં અમરેલીમાં પણ ડો.આંબેડકર જન્મજયંતી હરખભેર ઉજવાશે. અમરેલી શહેર સંયુક્ત અનુજાતી સમાજ દ્વારા થયેલા આયોજન મુજબ આજે સવારે 8 વાગ્યે ચિતલ રોડ સમાજવાડી ખાતેથી બાબા સાહેબની એક ભવ્ય રેલી નિકળશે. સમાજવાડીથી નિકળ્યા બાદ સરદાર સર્કલ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી આપ્યા બાદ રાજમહેલ કેમ્પસમાં મહારાજા સૈયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ રાજકમલ ચોક ખાતે ડો.જીવરાજ મહેતાની પ્રતિમાને પણ ફુલહાર કર્યા બાદ સંયુક્ત રેલી (શોભાયાત્રા) શહેરનાં સ્ટેશન રોડ ઉપર મોટા બસસ્ટેન્ડ સામે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ જશે ત્યાં ફુલહાર કર્યા બાદ શોભાયાત્રાનું વિસર્જન થશે. સાંજનાં 6:30 કલાકે ચિતલ રોડ સમાજ વાડી ખાતે બટુક ભોજન કાર્યક્રમ યોજાશે અને રાતનાં 8 થી 10 દેવળીયાનાં ભજનીક ગોવિંદભાઇ માધડનો ભીમ ભજન કાર્યક્રમ અંધશાળા ગ્રાઉન્ડમાં યોજાશે. અમરેલી ઉપરાંત જિલ્લાભરનાં બગસરા, રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, વડીયા, કુંકાવાવ, લાઠી, દામનગર, ચલાલા, બાબરા, સાવરકુંડલા સહિતનાં શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે ફુલહાર સહિતનાં કાર્યક્રમો યોજાશે તે માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ડો.આંબેડકર જયંતીને કારણે સમગ્ર અનુજાતી દલિત સમાજમાં ભારે હરખ જોવા મળે છે. આજે સમગ્ર અમરેલી જિલ્લો ડો.બાબા સાહેબ આંબેડકરમય બની જશે.