પર્યાવરણવિદ્દ શ્રી જીતુભાઇ તળાવિયાની આઘાતજનક વિદાય

  • અનેક લોકોને નિરાશાના અંધકારમાંથી પ્રકાશમાં લાવનારા અને મોટીવેટ કરનારા ગ્રીન એમ્બેસેડર
  • શ્રી જીતુભાઇ તળાવિયાએ સંગતના કાર્યાયલમાં જ ગળાફાંસો ખાઇ ઓચિંતાની એકઝીટ કરતા સૌ સ્તબ્ધ : સૌને જીવવાનું શીખવનારાના આપઘાતથી સન્નાટો
  • અમરેલી માટે લોકડાઉનમાં સૌથી વધુ આઘાતજનક ઘટના : વિવિધ ક્ષેત્રના આગેવાનો દોડી ગયા : ધર્મપત્નીની બિમારી આપઘાતનું કારણ હોવાનું તારણ

અમરેલી,
ગ્રીન એમ્બેસેડર અને ગુજરાતના પ્રથમ પંક્તિના પર્યાવરણવિદ શ્રી જીતેન્દ્રભાઈ તળાવીયા એ કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેમનું અંતરંગ મિત્ર મંડળ અને લાખો ચાહકો શુભેચ્છકો સ્તબ્ધ થઇ ગયા છે. તેમની ઓફિસે આજે સવારે તે ગળાફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા હતા.
રોજ સવારે 8 વાગ્યે જીતુભાઇ તેમની ઓફીસે આવી જતા હતા આજે સવારે 10 વાગ્યે તેમનો પુત્ર તાપસ ઓફીસે આવતા તેમણે ઉપરના સંગતના કાર્યાલયને અંદરથી બંધ જોયુ હતુ જેથી તેમણે જીતુભાઇને ફોન કર્યા હતા પરંતુ ફોન ન લાગતા કશુ અઘટીત હોવાની શંકાથી તેમણે આજુબાજુ વાળાને બોલાવતા દરવાજો તોડી જોતા સૌ ચોંકીે ઉઠયા હતા જીતુભાઇએ ગળાફાંસો ખાઇ લીધો હતો તેમને તાત્કાલીક હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ તેમને મૃતજાહેર કરાયા હતા.
જે આખી દુનિયાને સમજાવવા માટે સક્ષમ હતા અને બીજાને હિંમત આપનાર હતા તથા જીવનથી નિરાશ લોકોને મોટીવેટ કરનાર શ્રી જીતુભાઇના આ પગલાથી ખળભળાટ મચી ગયો છે.અનેક લોકોને જીવનનો રાહ દેખાડનાર અને ભાજપના પાયાના પથ્થર તથા અમરેલી જિલ્લાના ઝાડવે ઝાડવા ના જાણકાર અને પ્રકૃતિના પરમ ઉપાસક જીતુભાઈ તળાવીયા ની અણધારી વિદાયથી સન્નાટો છવાઇ ગયો છે. તેમના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં તેમના શુભેચ્છકો વિવિધ આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા અને તેમની સ્મશાન યાત્રામાં પુર્વ કૃષિમંત્રીશ્રી બેચરભાઇ ભાદાણી, ડો. ભરતભાઇ કાનાબાર, શ્રી પી.પી.સોજીત્રા, શ્રી જીતુભાઇ ગોળવાળા, પત્રકારો, તબીબો, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને શ્રી જીતુભાઇ તળાવિયાના અંતરંગ મિત્રો જોડાયા હતા.જીતુભાઇની આત્મહત્યાનું પ્રાથમિક કારણ એવુ જણાવાય રહયુ છે કે તેમના ધર્મપત્નીને કોરોનાની અસર અને ત્યાર પછીની ગંભીર બિમારીની જાણ થયા પછી તે વ્યથીત રહેતા હતા કાયમ લોકોની વચ્ચે રહેનારા અને પ્રકૃતિના ખળખળાટ વહેતા ઝરણા જેવા જીતુભાઇ અચાનક છેલ્લા બે મહિનાથી શાંત થઇ ગયા હતા જેની તેમના મિત્ર મંડળે નોંધ લીધી હતી પણ તેમના આ પગલાએ સમાજ ઉપર ઘેરા પ્રત્યાઘાતો પાડયા છે અને જીતુભાઇ આવુ પગલુ શા માટે ભરે તેવો સવાલ સૌ કોઇ કરી રહયા છે.

  • અમરેલી જિલ્લાએ સાચા પર્યાવરણ વીદ ગુમાવ્યા : શ્રી દિલીપ સંઘાણી

અમરેલી જિલ્લામાં પર્યાવરણ ક્ષેત્ર અનેક ઉમદા કામગીરીઓ કરી પ્રકૃતિપ્રેમી તરીકે ઓળખ ઉભી કરનાર ગુજરાતના ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઇ તળાવીયાનું નિધન થતાં પુર્વ મંત્રી અને નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીએ શ્રી તળાવીયાના પરીવારને સાંત્વના પાઠવી શોક વ્યકત કર્યો હતો અને શ્રી જીતુભાઇના નિધનથી અમરેલી જિલ્લાએ સાચા પર્યાવરણ વીદ ગુમાવ્યા છે તેઓ વસવસો વ્યકત કર્યો હતો અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા .

  • અમરેલી જિલ્લામાં ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઇની કાયમી ખોટ પડશે:શ્રી રૂપાલા

અમરેલીના ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઇ તળાવિયાનું નિધન થતા કેન્દ્રીયમંત્રી શ્રરૂ રૂપાલાએ શોકાંજલી પાઠવી હતી.અમરેલી જિલ્લામાં સાચા અર્થમાં પ્રકૃતિપ્રેમી તરીકે લોકોના હદયમાં સ્થાન મેળવનાર શ્રી જીતુભાઇ તળાવીયાના નિધનથી એક ઉમદા વ્યકિતત્વ અમરેલી જિલ્લાએ ગુમાવ્યું છે શ્રી તળાવીયાની કાયમી ખોટ પડશે તેમ જણાવી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ સંસ્મરણો યાદ કર્યા હતા .શ્રી તળાવીયાના પરીવારજનોને સાંત્વના પાઠવી ઉમદા દુ:ખની લાગણી વ્યકત કરી હતી.તેમ કેન્દ્રીયમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું.