પશ્ચિમના દેશોમાં અતિશય ગરમીનો  ઉકળાટ પ્રજા માટે અસહ્ય નીવડે છે 

અમેરિકા, બ્રિટન અને યુરોપના ૨૧ દેશોથી માંડીને ચીન સુધીના દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો બટાકાની જેમ બફાઈ રહ્યાં છે. યુનાઈટેડ નેશન્સ ઑફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રીડક્શન દ્વારા ક્લાઈમેટ ચેઈન્જ અને વધતા જતા ગ્લોબલ વોર્મિંગ પર ગ્લોબલ એસેસમેન્ટ રિપોર્ટ બહાર પડાયો છે. આ રિપોર્ટમાં આગાહી કરાઈ છે કે, અત્યારની ગરમી તો પાશેરામાં પહેલી પૂણી છે. ગ્લોબલ વાર્મિંગ સતત વધી રહ્યું છે અને દુનિયાના મોટા દેશોને તેની પડી જ નથી એ જોતાં ભવિષ્યમાં ઉનાળામાં એવી ગરમી પડશે કે, બહાર નીકળતાં પહેલાં જ સો વાર વિચાર કરવો પડશે. પણ હવે આ રિપોર્ટનું શું કામ છે? અત્યારે જો યુરોપમાં રહેતા લોકો ઘરની બહાર નીકળે તો તેમની ચામડી તતડી જાય છે. બ્રિટનમાં ગરમીને લીધે માર્ગો પર ડામર પીગળી રહ્યો છે. એક સપ્તાહમાં સ્પેન તથા પોર્ટુગલમાં ૧૭૦૦થી વધારે લોકોનાં મોત થયાં છે. અમેરિકાની સરકારે તો નેશનલ ઇમરજન્સી જાહેર કરી દીધી છે.

સોશિયલ મીડિયામાં પણ અંગ દઝાડતી ગરમીના કારણે સળગતા મકાનો અને વાતાવરણમાં ફેલાયેલી ગરમીને પગલે ઘરમાં પાર્ક કરેલી ગાડીઓ સળગતી હોય તેવા વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે. આપણે જયારે પણ આ દેશની વાત સાંભળી કે નિહાળી છે ત્યારે એ દેશના ઠંડા અને ખુશનુમા વાતાવરણથી આપણી આંખો અંજાઈ જતી હતી. એવું લાગે કે પૃથ્વીનો આ ભાગ ભગવાને મોટી હિમશીલામાંથી બનાવ્યો હશે. ભારતમાં જયારે ઉનાળાની ઋતુ શરૂ થાય અને જો ટીવી પર કોઈ ઈંગ્લિશ ફિલ્મ આવતી હોય તો ઘણાં એમાં જ ઠંડીનો અનુભવ કરી લેતા.. આવા ઠંડાગાર દેશોમાં અચાનક સૂર્યદેવ કોપાયમન કઈ રીતે થયા?

એવા સમાચાર સામે આવ્યા છે કે અમેરિકાના સેન્ટ્રલ કેલિફોર્નિયામાં ૧૪ હજાર એકર વિસ્તારમાં ફેલાયેલા જંગલમાં અચાનક દાવાનળ ફાટી નીકળ્યું છે. જેને પગલે જંગલને અડીને આવેલા હજારો લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કેલિફોર્નિયાના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, આગ રવિવારે રાત્રે શરૂ થઈ હતી. અસરગ્રસ્ત યોસેમિટી નેશનલ પાર્ક વિશ્ર્વના સૌથી જૂના અને સૌથી મોટા વૃક્ષો માટે જાણીતું છે. તે અમેરિકાના સૌથી લોકપ્રિય ઉદ્યાનોમાંનું એક છે. શું આ પહેલી ઘટના છે? નહીં ને? આવી તો અનેક ઘટનાઓ અંગેના વીડિયોઝ અને ફોટા તમે તમારા સ્માર્ટ ફોનમાં નિહાળી ચૂક્યા છો. વાઈલ્ડ ફાયરની ઘટનાઓમાં છેલ્લા દાયકામાં અસામાન્ય વધારો નોંધાયો છે. હીટવેવને કારણે અમેરિકામાં ગત વર્ષે વાઈલ્ડ ફાયરના ૧૦૦, સાઈબેરિયામાં ૧૫૫ અને કેનેડામાં ૨૭૫ બનાવો બન્યા હતા. ગ્રીસ, તુર્કી, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં લાખો હેકટર જમીનમાં આવેલા જંગલો ભયાનક આગમાં સાફ થઈ ગયા હતા. અડધુ યુરોપ વાઈલ્ડ ફાયરથી પરેશાન હતું. આવી ઘટનાઓ બને છે કે તે અંગે કયારેય તમે હળવા મને વિચાર્યું છે?

આપણી જાણ મુજબ સૂર્યમાળામાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેના પર હવા અને પાણી છે. પ્રકૃતિની આ અનમોલ દેનને લીધે ધરતી પર જીવન શક્ય બન્યું છે. જ્યારે હવામાં જીવનને અવરોધતા ઝેરી વાયુઓ, રજકણ, ગંધ, અન્ય પદાર્થકણ વગેરે ભળે ત્યારે હવા પ્રદૂષિત થયેલી કહેવાય. જ્યારે પ્રદૂષણની માત્રા વધી જાય ત્યારે અમ્લવર્ષા (એસિડ રેઇન) થાય છે. જ્વાળામુખી અને વનસ્પતિના કોહવાટથી તેમ જ માનવીની ઊર્જા પેદા કરવાની આંધળી દોટને લીધે વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા વાયુઓ વિશેષ પ્રમાણમાં ભળે છે.
આ વાયુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે તેથી વાયુમંડળમાં નાઇટ્રીક અને સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. વરસાદમાં કે અન્ય કોઈ રીતે બાષ્પના ઘનીભવનમાં જેમ કે ધુમ્મસ અથવા ભેજવાળા હવામાનમાં પાણીનાં ટીપાં બાઝી જાય અમ્લતા વધી જાય ત્યારે તેને અમ્લવર્ષા કહેવાય છે.
હા, આકાશની વીજળીથી નાઈટ્રોજન ઓક્સાઈડ અને જ્વાળામુખી દ્વારા વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઈડ ભળે છે. પરંતુ સામાન્યરીતે કુદરતની પોતાની આગવી રીત હોય છે પ્રદૂષણ દૂર કરવાની. પરંતુ હવે આપણે હદ વટાવી છે માટે કુદરત પણ લાચાર છે તે પણ આપણી મદદ વગર પ્રદૂષણ દૂર કરવા અસમર્થ છે. મોટાભાગના વિજ્ઞાનીઓ એ વાત સાથે સહમત છે કે જમીનનું ઓક્સિકરણ મહ્દંશે વરસાદના પાણીમાં રહેલા ગંધક અને નાઈટ્રોજનના તેજાબને કારણે થાય છે. જ્યારે વનસ્પતિનાં પાન સીધાં જ અમ્લવર્ષાનાં પાણીના સંપર્કમાં આવે ત્યારે તેને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે. તેજાબવર્ષા માટે કારણભૂત વાયુઓ મોટે ભાગે ઇંધણના દહનથી પેદા થાય છે. ગઈ સદીના ઉતરાર્ધમાં વાયુપ્રદૂષણમાં થતા સતત વધારાનું આ મુખ્ય કારણ છે. હા, આ વાયુ ખુદ તો ઝેરીલો છે જ, ઉપરાંત તે વાતાવરણમાં ઓઝોન વાયુ પેદા કરવામાં પણ મદદ કરે છે.
જેથી તીવ્ર પ્રકાશ અને ઊંચા તાપમાનમાં ઓઝોન વાયુ વધુ પેદા થાય છે અને માટે જ તેની માત્રા ઉનાળામાં વધી જાય છે તથા ભારે ગરમી પડે છે, પરંતુ અત્યારે તો અમેરિકા, બ્રિટન અને યુરોપમાં ઉનાળો પુરબહારમાં ખીલ્યો છે. જેનું એકમાત્ર કારણ ગ્લોબલ વાર્મિંગ છે.
ગ્લોબલ વાર્મિંગની ચેતવણી વરસોથી અપાય જ છે ને તેમાં કશું નવું નથી. વાત સાવ સાચી છે. ગ્લોબલ વાર્મિંગની ચેતવણી વરસોથી અપાય જ છે પણ આપણે સુધરતા નથી તેના કારણે વિનાશ વધતો જ જાય છે, વિકાસ ધોવાતો જાય છે. અત્યારે પજવી રહેલી કાળઝાળ ગરમી ગ્લોબલ વોર્મિંગનું જ પરિણામ છે પણ આપણે તેનાથી અજાણ છીએ. આપણે બીજી વાત ન કરીએ ને ગ્લોબલ વાર્મિંગના કારણે બારેમાસ હળવાથી મધ્યમ વાતાવરણમાં રહેતા દેશો ભડકે બળી રહ્યા છે. તેના પર નજર કરીએ તો પણ આપણું હૈયું હચમચી ઉઠે છે.

બ્રિટનના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ અગાઉ છેલ્લે સૌથી વધારે તાપમાન ૩૯.૧ ડિગ્રી વર્ષ ૨૦૧૯માં નોંધવામાં આવ્યું હતું. લંડનના અનેક વિસ્તારોમાં રેલવે સેવાઓ પર માઠી અસર થઈ છે. મિડલેન્ડ્સ રેલવેએ લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. રેલવેનું કહેવું છે કે રેલવેટ્રેક આમ તો હવાની તુલનામાં ૨૦ ડિગ્રી વધારે ગરમ હોય છે. તાપમાન વધશે તો ફરી આ ટ્રેક વળી (બેન્ડ) જશે.
અત્યારે ફ્રાંસ, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન અને ગ્રીસમાં ગરમી સતત એનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. સ્પેનમાં હીટવેવથી કોઈ રાહત મળી રહી નથી. એને લીધે ૩૬ વિસ્તારમાં જંગલની આગ ભભૂકી ઊઠી છે. ૭૦ હજાર હેક્ટર જંગલ બળીને ખાખ થઈ ચૂક્યાં છે. આશરે ૧૩ હજાર લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થાન પર સ્થળાંતરિત થયા છે. દક્ષિણ-પશ્ર્ચિમી સ્પેનમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસથી ઉપર અને દેશના અન્ય ભાગોમાં ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

ફ્રાંસની રાજધાની પેરિસમાં મંગળવારે તાપમાનનો પારો ૪૦.૫ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો છે. નેશનલ વેધર ફોરકાસ્ટરના જણાવ્યા પ્રમાણે, આ અગાઉ શહેરમાં ૪૦ ડિગ્રીથી પર પારો ફક્ત બે વખત રહ્યો છે. પ્રથમ વખત વર્ષ ૧૭૪૯માં અને બીજી વખત વર્ષ ૨૦૧૯માં રહ્યો હતો. રેકોર્ડતોડ તાપમાનથી ફ્રાંસના ૨૨ હજાર એકર જંગલમાં આગ લાગી હતી. ૧૨ હજાર લોકોને બચાવવામાં આવ્યા છે. ૩ હજારથી વધારે ફાયરફાઈટર્સ આગ ઠારવવા માટે કામે લાગેલા છે.

આ બધામાં સૌથી વધારે ખરાબ હાલત પોર્ટુગલની છે. અહીં હીટવેવને કારણે હજારો લોકો ઘર છોડીને સ્થળાંતર કરી ગયા છે. પોર્ટુગલમાં તાપમાન વધવાને લીધે ૭થી ૨૫ જુલાઈ વચ્ચે ૧૭૦૦થી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આમાં આપણને વિચાર આવે કે, આ બધા દેશો તો સુખી સંપન્ન છે. એક સર્વે અનુસાર ભારતમાં દર દસમાં ઘરે એર કન્ડિશન છે. તો આવા સમયે જ્યારે ગરમી પોતાનો પ્રકોપ દેખાડી રહી છે તો લોકોએ ઘરે એર કન્ડિશન ચાલુ કરીને બેસી રહેવાય ને! અમેરિકામાં ૨૭ ડિગ્રી તાપમાન થાય તો લોકો એર કન્ડિશન ચાલુ કરી દે છે પણ લંડન જેવા શહેરમાં એર કન્ડિશનનું ખૂબ ઓછું ચલણ છે. લોકો હવે ૬૦૦ પાઉન્ડની કિંમતના મૂવેબલ એસી ખરીદવા દોડાદોડી કરી રહ્યા છે પણ એ બધાને પરવડે તેમ નથી. મકાનોની ડિઝાઇન એવી છે કે તે ગરમીને બહાર જતી રોકે છે. લંડનમાં અનેક મકાનોમાં બારીઓના કાચ પીગળી જવાની ઘટનાઓ બની હતી.
આટઆટલું થયા પછી પણ જી૨૦ રાષ્ટ્રોની એવી ચર્ચા કરવામાં વ્યસ્ત છે કે ક્લાઇમેટ ચેન્જનો સામનો કઈ રીતે કરવો..! આના વિશે તો શું લખવું તમે એર કન્ડિશન થઈ યુક્ત ઑફિસમાં બેસીને વિચારો છો કે ગ્લોબલ વોર્મિંગને કેમ અટકાવવું!!.. સિરિયસીલી..! હું ખોટી ટીકા-ટીપ્પણીમાં શબ્દો નહિ વેડફું અને એ પણ ચર્ચા કરવા નથી માંગતો કે આવા સમયે શું કરી શકાય! નાનપણથી આપણે વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વનસ્પતિ અને પર્યાવરણ વિશે લખી અને બોલી ચૂક્યા છીએ. તો શું હજુ આપણે ચર્ચા જ કરવી છે? ગરમીમાં શેકાતા લોકો વીડિયોઝને શેર જ કર્યા કરવા છે? કે વૃક્ષો વાવી પ્રકૃતિના જતનમાં ભાગ ભજજવો છે? આવા સમયે એવો વિચાર આવે કે કાશ વનસ્પતિને વાચા હોત તો તે આવી ભયાવહ્ સ્થિતિની પહેલેથી જ જાણ કરી દેત..