પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ ધારણા પ્રમાણે જ દેશના ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યા. શનિવારે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ધનખડે વિપક્ષનાં સંયુક્ત ઉમેદવાર ગણાવાયેલાં માર્ગરેટ આલ્વાને કારમી હાર આપી. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુની મુદત ૧૦ ઓગસ્ટે પૂરી થશે જ્યારે જગદીપ ધનખડ ૧૧ ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે. એ જોતાં આવતા સપ્તાહે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ પણ મળી જશે.
હાલમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પાસે લોકસભામાં બહુમતી કરતાં વધારે મત છે જ્યારે રાજ્યસભામાં પણ બહુમતી છે જ, તેથી જગદીપ ધનખડની જીત પાકી જ હતી. હાલ લોકસભામાં ૫૪૩ સાંસદ છે જ્યારે રાજ્યસભામાં ૨૪૫માંથી ૮ સીટ ખાલી છે તેથી ૨૩૭ સભ્યો છે. મતલબ કે, ઉપરાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ઈલેક્ટોરલ કોલેજમાં ૭૮૦ સાંસદ હતા.
આ વખતે ઉપરાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ૭૮૦માંથી ૭૨૫ સાંસદે મત આપ્યા હતા ને તેમાંથી ધનખડને ૫૨૮ મત મળ્યા જ્યારે વિપક્ષનાં ઉમેદવાર માર્ગરેટ આલ્વાને ૧૮૨ મત મળ્યા છે.
૧૫ સાંસદોના મત અયોગ્ય ઠરાવવામાં આવ્યા હતા. આમ ધનખડની સરળ જીતની ધારણા તો સાચી પડી જ છે પણ ધનખડ આ ચૂંટણીમાં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પાછળ છોડી દેશે એવી ધારણા હતી એ પણ સાચી પડી છે. ઉપરાષ્ટ્રપતિપદની ૨૦૧૭ની ચૂંટણીમાં એમ. વેંકૈયા નાયડુને ૫૧૬ એટલે લગભગ ૬૭.૮૯ ટકા મત મળ્યા હતા. ધનખડને ૫૨૮ એટલે કે ૭૨.૮૨ ટકા મત મળ્યા છે, એ જોતાં ધનખડ નાયડુ કરતાં પાંચેક ટકા મત વધુ લઈ ગયા છે. ૨૦૧૭ની ચૂંટણીમાં નાયડુ સામે મહત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી વિપક્ષના ઉમેદવાર હતા કે જે ૨૪૪ મત લઈ ગયા હતા જ્યારે આલ્વાને ૧૮૨ મત જ મળ્યા છે
આલ્વાને ઓછા મત મળ્યા તેનું કારણ મમતા બેનરજી છે. આ વખતે તૃણમૂલ કૉંગ્રેસે પોતાના ૩૬ સાંસદોને મતદાનથી દૂર રહેવા માટે કહ્યું હતું જ્યારે ૨૦૧૭માં મમતાની પાર્ટીએ ગોપાલકૃષ્ણ ગાંધીને મત આપ્યા હતા. આ વખતે તૃણમૂલના બે સાંસદ શિશિર અધિકારી તથા દિવ્યેન્દ્ર અધિકારીએ મમતાના નિર્ણયની વિરૂદ્ધ જઈને ધનખડની તરફેણમાં મતદાન કર્યું પણ બાકીના ૩૪ સાંસદ મતદાનથી દૂર રહ્યા તેમાં આલ્વાને મળેલા મતોમાં મોટો ફરક પડી ગયો છે.
મમતાની પાર્ટીના ૩૪ સભ્યો ઉમેરો તો આલ્વાના મતનો આંકડો ૨૧૬ પર પહોંચી જાય ને ગાંધીને મળેલા મતોની સરખામણીમાં આઠેક મત જ ઓછા રહે એ જોતાં આલ્વાને બહુ ઓછા મત મળ્યા નથી. ટકાવારી કદાચ ઓછી લાગે પણ વિપક્ષના ઉમેદવારને મળતા મત જેટલા મત આલ્વાને મળ્યા જ છે.કમનસીબે માર્ગારેટ આલ્વા આ વાત સમજી શક્યાં નથી ને સમજવા તૈયાર નથી. માર્ગરેટ આલ્વાએ જગદીપ ધનખડને અભિનંદન પાઠવ્યા પણ સાથે સાથે ટ્વિટ કરીને વિપક્ષો પર પ્રહાર પણ કર્યા. આલ્વાએ ટ્વિટ કર્યું છે કે, કમનસીબ બાબત છે કે કેટલાક વિપક્ષોએ સંયુક્ત વિપક્ષને પાટા ઉપરથી ઉતારવાના પ્રયત્નમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાજપને સમર્થન કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યા છે.
માર્ગારેટ આલ્વાના નિશાન પર મુખ્યત્વે મમતા બેનરજી છે કેમ કે મમતાની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ આ ચૂંટણીમાંથી મતદાનથી દૂર રહી છે. ટીએમસીના ૩૬ સાંસદ છે અને તેમાંથી ૨ સભ્યે મતદાન કર્યું જ્યારે બાકીના ૩૪ મતદાનથી દૂર રહ્યા. તૃણમૂલ કૉંગ્રેસે મતદાનથી દૂર રહીને ધનખડને પરોક્ષ રીતે મદદ કરી છે તેથી આલ્વાના નિશાના પર મમતા છે એ સ્પષ્ટ છે.આલ્વાએ પોતાની મતિ પ્રમાણે આડકતરી રીતે મમતાને ભલે નિશાન બનાવ્યાં છે પણ ધનખડની વિરૂદ્ધ મતદાન નહીં કરવાના મમતાના નિર્ણયમાં કશું ખોટું નથી. પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે જગદીપ ધનખડે મમતાને વિતાડવામાં કોઈ કસર નહોતી છોડી. આ કારણે મમતા પાસે ધનખડની સામે મતદાન કરવા માટે પૂરતા કારણો હતાં પણ મમતાએ ગૌરવ જાળવીને ધનખડની વિરૂદ્ધ મતદાન નહી કરવાનો નિર્ણય લીધો હતો.
પોતાના રાજ્યના રાજ્યપાલ દેશના બીજા નંબરના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા પર ચૂંટાતા હોય તો રાજકીય મતભેદોના કારણે ભલે તેમની તરફેણમાં મતદાન ના કરી શકાય પણ તેમની વિરૂદ્ધ મતદાન નહીં કરવાનો મમતાનો નિર્ણય ગૌરવપૂર્ણ ગણાય. મમતાના મતદાન નહીં કરવાના નિર્ણયના કારણે જ આલ્વા હારી ગયાં હોય તો આલ્વાનો બળાપો હજુ વાજબી હતો પણ મમતાના નિર્ણયથી કોઈ ફરક પડ્યો નથી એ જોતાં આ ટીકા વાહિયાત છે.
આલ્વાએ આ પ્રકારની ટીકા કરવાના બદલે કૉંગ્રેસના પડખે ઊભા રહેવા વિપક્ષો કેમ તૈયાર નથી એ વિચારવાની જરૂર છે. આ ચૂંટણીમાં ભાજપ એકલા હાથે ધનખડને જીતાડી શકે તેમ હતો કેમ કે ભાજપના પોતાના ૩૯૪ સાંસદ છે જ્યારે ધનખડને જીતવા માટે ૩૯૧ મત જોઈએ. ટૂંકમાં ભાજપના સાંસદોની સંખ્યા બહુમતીના આંકડા કરતાં વધુ હતી એ જોતાં ભાજપ એકલો જ જગદીપ ધનખડને જિતાડવા માટે સક્ષમ હતો.
ભાજપના સાથી પક્ષોના બનેલા એનડીએના કુલ ૪૪૧ સાંસદ છે અને ૫ નોમિનેટેડનો પણ સાથ હતો તેથી ધનખડના પક્ષમાં ૪૪૬ વોટ હતા. આ સમીકરણો જોતાં ધનખડની જીત પાકી હતી પણ મહત્વનો મુદ્દો ભાજપ વિરોધી પક્ષોએ પણ ધનખડન કેમ મત આપ્યા તેનો છે.
ભાજપને જેડીયુ સહિતના સાથી પક્ષો ઉપરાંત ઓડિશાના બીજેડી, આંધ્ર પ્રદેશની વાયએસઆ કૉંગ્રેસ, ઉત્તર પ્રદેશની બસપા, આંધ્ર અને તેલંગાણાની ટીડીપી, પંજાબના અકાલી દળ અને શિવસેનાના શિંદે ગ્રુપનું પણ સમર્થન પહેલાંથી મળેલું હતું. આ બધા પક્ષો ભાજપ વિરોધી હોવા છતાં કૉંગ્રેસના ઉમેદવારને બદલે ભાજપ તરફ ઢળ્યા કેમ કે કૉંગ્રેસ તેમના માટે કશું કરતી નથી. કૉંગ્રેસ તેમને કોઈ રીતે મદદરૂપ નથી જ્યારે ભાજપ કમ સે કમ પોતાનાં રાજ્યો માટે વધારે ભંડોળ અપાવવામાં તો મદદ કરી જ શકે છે.
આલ્વા વિપક્ષી એકતાના નામે આ પક્ષો પોતાને મત આપે એવી અપેક્ષા રાખે છે પણ જે તે રાજ્યમાં લડવાની વાત આવે ત્યારે એ વિપક્ષી એકતા યાદ નથી આવતી. કૉંગ્રેસ આ પક્ષો સામે પૂરી તાકાતથી લડે છે, તેમને હરાવવા મથે છે. આ સંજોગોમાં આ પક્ષો માટે તો ભાજપ અને કૉંગ્રેસ બંને સરખાં જ છે. તો પછી કેન્દ્રમાં સત્તાધારી એવા ભાજપને મત આપીને ફાયદો લેવાનો વિકલ્પ શું કામ પસંદ ન કરવો?