પાંચ રાજ્યોનો મેસેજ એ છે કે દેશના રાજકારણની તાસીર બદલાઈ ગઈ છે

પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ જોઈ બદલાઈ ગયેલા રાજકારણના સંકેત મળી રહ્યા છે. પંજાબમાં કોંગ્રેસે કેપ્ટન અમરિંદરને સ્થાને દલિત મુખ્ય પ્રધાન બેસાડીને દલિતોના 35 ટકા વોટ અંકે કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મતદાતાઓ પર તેની કોઈ અસર થઈ નહોતી. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે જાતિવાદી રાજકારણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને સફળતા મળી નહોતી. ચાર રાજ્યમાં વિજયની સાથે ભાજપ પાસેથી દેશના નાગરિકોની અપેક્ષાઓ પણ વધી છે અને સાથે જ ભાજપની જવાબદારીમાં પણ વધારો થયો છે. ભાજપ પાસેથી દેશના નાગરિકો વિકાસની અપેક્ષા રાખે છે. હિંદુઓ ભાજપ પાસેથી આટલાં વર્ષો સહેલા અન્યાયમાંથી મુક્તિની અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ લઘુમતી સમાજ ભાજપ પાસેથી ધર્મના આધારે તેમની સાથે ભેદભાવ કરીને પ્રતાડિત ન કરવામાં આવે એવી અપેક્ષા રાખી રહ્યો છે. મણિપુર અને ગોવામાં લઘુમતી સમાજના લોકોએ પણ ભાજપને મતદાન કર્યું છે.
પાંચ રાજ્યમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપે (ભારતીય જનતા પાર્ટી) સત્તામાં પુનરાગમન કર્યું છે. જ્યારે પંજાબમાં આપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ પરિણામોનો પહેલો અને સ્પષ્ટ સંકેત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને ભાજપની ચૂંટણી મશીનરીનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. બીજું, 2014ની લોકસભામાં વિજય બાદ મોદીના નેતૃત્વમાં રાજકારણમાં જે સુધારાની પ્રક્રિયા શરૂ થઈ છે તે હજી ચાલી રહી છે. ભાજપ હવે ફક્ત “હિન્દી બેલ્ટની પાર્ટી’ રહી નથી, મણિપુરથી લઈને ગોવા સુધી તેણે પોતાનું પ્રભુત્વ વારંવાર પુરવાર કર્યું છે. ભાજપની વિચારધારા સામે વિપક્ષ મજબૂત આઈડિયા રજૂ કરી શક્યો નથી. આમ ભાજપ જે રીતે દેશનું રાજકારણ બદલી રહ્યો છે તેનો વિપક્ષ પાસે કોઈ જવાબ નથી. પાર્ટીની પાસે વ્યાપક સામાજિક સમર્થન અને જનાધાર છે. ખાસ કરીને મહિલાઓ અને પછાત જાતિઓનું તેમને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. તે હવે ફક્ત સવર્ણ એટલે કે “બ્રાહ્મણ-બનિયા’ની પાર્ટી રહી નથી.
મમતા બેનરજી, કે. ચંદ્રશેખર રાવ, એમ. કે. સ્ટાલિન અને કોંગ્રેસ 2024 પહેલાં જે વિપક્ષોનો મંચ તૈયાર કરવાના અભિયાનમાં જોડાયાં હતાં તેમાં હવે કોંગ્રેસનું મહત્ત્વ ઘટી શકે છે. જોકે, દેશની બધી જ પ્રાદેશિક પાર્ટીઓ 2024 પહેલાં મોદીને રોકવા માટે ચોક્કસ મહાગઠબંધન બનાવી શકે છે અને તેમાં અરવિંદ કેજરીવાલનું મહત્ત્વ વધી શકે છે. ઉત્તર પ્રદેશમાં બહુમત સાથે સત્તામાં પુનરાગમનને પગલે યોગી આદિત્યનાથનું કદ હવે પાર્ટીમાં વધશે. થોડા સમય પહેલાં તેમને મુખ્ય પ્રધાનપદેથી હટાવવાની જે ઝુંબેશ ચાલી હતી તેને મોટો ફટકો પડ્યો છે અને આ ઝુંબેશ સાથે સંકળાયેલા લોકોના પરાજય જનતા યોગીની સાથે હોવાનો સંકેત આપે છે. બીજી તરફ કેટલાક લોકો તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મોદીના ઉત્તરાધિકારી તરીકે ગણી રહ્યા છે, તેમને હવે બળ મળશે. પાંચ રાજ્યમાંથી ફક્ત પંજાબમાં ભાજપના ચૂંટણીના આઈડિયાને ફગાવીને આમ આદમી પાર્ટી (આપ)ના આઈડિયાને મંજૂર રાખ્યો છે. આમ આદમીના એજેન્ડામાં શિક્ષણ, આરોગ્ય, વીજળી-પાણી જેવી મૂળભૂત સુવિધાને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીએ દિલ્હીના ગવર્નન્સ મોડેલને એવી રીતે રજૂ કર્યું છે કે કમસે કમ પંજાબના લોકોને આ મોડેલ પસંદ આવ્યું છે અને હવે આને પગલે રાષ્ટ્રીય રાજકારણમાં આપનું મહત્ત્વ વધશે. રાજ્યસભામાં પણ તેમના સભ્યો વધતાં રાષ્ટ્રીય રાજકારણમાં તેમનું વજન વધી શકે છે. આગામી વર્ષે આવી રહેલી ગુજરાત, હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં વધુ તાકાત સાથે ઝંપલાવશે અને ભાજપ માટે સમસ્યા ઊભી કરી શકશે. લોકો હવે વારંવાર કોંગ્રેસને નકારી રહ્યા છે. શું ખરેખર ગાંધી પરિવારે રાજકારણ (કોંગ્રેસનું નેતૃત્વ) છોડી દેવું જોઈએ એવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં આ મુદ્દો પાર્ટીમાં ઊભો થાય એવું લાગી રહ્યું છે. બીજું, કોંગ્રેસ અને અખિલેશ યાદવ જેવા નેતાઓ પોતાની પાર્ટીની ખરડાયેલી છબીથી મુક્તિ મેળવી શકતા નથી. આ વખતે અખિલેશ યાદવ થોડી વધુ બેઠકો મેળવવામાં ચોક્કસ સફળ થયા હોય, પરંતુ બહુમત મેળવવા માટે હજી તેમણે ઘણી મહેનત કરવી પડશે.
આ બધા કરતાં મોટો સંદેશ પાંચ રાજ્યની ચૂંટણીમાંથી એ મળી રહ્યો છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં અત્યારના તબક્કે ભાજપનું પલ્લું ભારે છે અને મોદી ત્રીજી વખત દેશના વડા પ્રધાન બની શકે છે. પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો કુલ 690 વિધાનસભાની બેઠકમાંથી કોંગ્રેસ ફક્ત પંચાવન બેઠક જીતી શકી છે. ઉત્તર પ્રદેશની 403માંથી ફક્ત બે બેઠક કોંગ્રેસને મળી. પંજાબમાં આપ સામે તેમનું પત્તું સાફ થઈ ગયું. ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા આ ત્રણેય રાજ્યમાંથી પણ એવા કોઈ સમાચાર નથી આવ્યા કે કોંગ્રેસને રાહત મળી શકે. આ બધાની વચ્ચે જી-23ના મુખ્ય સભ્ય ગુલામ નબી આઝાદે કહ્યું છે કે હવે પાર્ટીને આવી રીતે મરતી જોઈ શકતા નથી. જી-23ના અન્ય એક સભ્ય શશી થરૂરે કહ્યું છે કે પાર્ટીએ સફળતા જોઈતી હોય તો ફેરફાર આવશ્યક છે. અહીં ઉલ્લેખનીય છે કે જી-23 એ ગ્રુપ છે જેણે ઓગસ્ટ, 2020માં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને સંગઠનાત્મક સુધારો કરવા માટે પત્ર લખ્યો હતો અને આ સુધારા કરવા માટે ચૂંટણી કરાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ કોરોનાને કારણે બધું રહી ગયું હતું.
અત્યારે આ જી-23 પ્રિયંકાને સુકાન સોંપવાની વાત કરે એવી શક્યતા છે. જોકે, પાર્ટીમાં કેટલાક લોકો એવા પણ છે, જેઓ ગાંધી પરિવાર સિવાયની વ્યક્તિને કોંગ્રેસનું નેતૃત્વ મળે તેની તરફેણ કરી રહ્યા છે અને તેને માટે સંગઠનાત્મક ચૂંટણી કરવાની તરફેણમાં છે. જોકે, તેમની આ બધી કવાયતનો કોઈ અર્થ સરે છે કે નહીં તે જોવાનું રહેશે. દેશમાં પહેલી વખત એવું બન્યું છે કે એક પ્રાદેશિક પક્ષે બે રાજ્યમાં સરકાર બનાવી છે. આવી કરામત કરનારો પહેલો પક્ષ આમ આદમી પાર્ટી (આપ) બન્યો છે. જે રીતે નરેન્દ્ર મોદીની પ્રતિભા જ ભાજપ માટે તારણહાર છે, તેવી જ રીતે આપ માટે કેજરીવાલની છબી તારણહાર બની છે. પંજાબમાં કોંગ્રેસના આંતરિક કલહથી કંટાળેલી જનતાએ રાજ્યનાં બધાં જ પીઢ માથાંને નકારી કાઢ્યાં હતાં. કેજરીવાલમાં તેમને ભવિષ્ય દેખાયું છે અને તેમને સાથ આપ્યો છે. બીજી તરફ ગોવા અને ઉત્તરાખંડમાં પણ આપની હાજરી નોંધાઈ રહી છે અને ભવિષ્યમાં કોંગ્રેસના વિકલ્પ તરીકે રજૂ થવાની તેમની આવડત ચોક્કસ આપની પ્રગતિનું કારણ બની શકે.
માયાવતીના નેતૃત્વ હેઠળની બહુજન સમાજ પાર્ટી (બીએસપી) માટે ઉત્તર પ્રદેશનાં પરિણામો ચોંકાવનારાં હોવાનું કહેવાઈ રહ્યું છે. એક સમયે યુપીમાં સત્તા પર રહેલી બીએસપી આ ચૂંટણીમાં ફક્ત એક બેઠક પર હાજરી નોંધાવી શકી છે. બીજી તરફ આ પરિણામો બાદ માયાવતીએ ફરી એક વખત હુંકાર કર્યો છે કે ભાજપને ફક્ત બીએસપી રોકી શકે છે. રાજકીય વર્તુળોમાં જોકે એમ કહેવાઈ રહ્યું છે કે આ ચૂંટણીમાં અખિલેશનું જોર વધતું જોઈને અંદરખાને ભાજપ અને બીએસપીમાં સમજૂતી થઈ હતી અને બીએસપીએ તેના વોટ ભાજપને ટ્રાન્સફર કર્યા હોવાથી જ ભાજપ યુપીમાં સત્તા ફરી મેળવી શક્યો છે. ઓછામાં ઓછી 50 બેઠકો એવી છે, જ્યાં બીએસપીના વોટ મળતાં ભાજપ વિજય મેળવી શક્યો છે.