પાકિસ્તાનના પેશાવરમાં મદરેસા પાસે ભયંકર વિસ્ફોટ, ૭ના મોત

  • આ વિસ્ફોટમાં ૧૯ બાળક સહિત ૭૦થી વધુ લોકો ઘાયલ થયા

 

પાકિસ્તાનમાં પેશાવરની દિર કોલોનીમાં મંગળવારે એક મદરેસામાં આઇઇડી બ્લાસ્ટ થયો છે. એમાં સાત લોકોનાં મોત થયાં છે. ૧૯ બાળક સહિત ૭૦ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. તેમાંથી અમુક લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે જે વખતે બ્લાસ્ટ થયો એ વખતે મદરેસામાં કુરાનનો પાઠ કરાવવામાં આવતો હતો.

સિનિયર પોલીસ ઓફિસર વકાર અઝીમે જણાવ્યું હતું કે કોઈ એક વ્યક્તિ બેગ લઈને મદરેસાની અંદર આવી હતી. ઘાયલોને પેશાવરની લેડી રીડીંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેશાવર એસએસપી મન્સૂર અમને કહૃાું હતું કે બ્લાસ્ટ વિશે તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, બ્લાસ્ટ રહેણાક વિસ્તારમાં થયો છે તેથી રેસ્ક્યૂમાં થોડી તકલીફ આવી રહી છે.

પાકિસ્તાનના પેશાવરમાં ૧૬ ડિસેમ્બર ૨૦૧૪માં સવારે અંદાજે ૧૦.૩૦ વાગે એક આર્મી સ્કૂલમાં બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં ૧૩૨ બાળકનાં મોત થયાં હતાં. સાત તાલીબાની આતંકી સ્કૂલના પાછળના દરવાજામાંથી ઘૂસ્યા હતા. તેમના હાથોમાં ઓટોમેટિક વેપન્સ હતાં. તેઓ સીધા સ્કૂલના ઓડિટોરિયમ તરફ આગળ વધ્યા હતા. ત્યાં બાળકો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આતંકીઓએ એક એક ક્લાસરૂમમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો. ગણતરીની મિનિટોમાં સ્કૂલોમાં લાશો છવાઈ ગઈ હતી.

બાળકોની સામે જ આતંકીઓએ સ્કૂલના પ્રિન્સિપાલ તાહિરા કાઝીને પણ ગોળી મારી દીધી હતી. આ શ્ય જોવા માટે બાળકોને મજબૂર કરવામાં આવ્યાં હતાં. આતંકીઓએ અમુક બાળકોને લાઈનમાં ઊભાં રાખીને ગોળી મારી હતી, જ્યારે અમુક છુપાયેલાં બાળકોને ત્યાં સુધી ગોળીઓ મારી હતી જ્યાં સુધી તેમના શરીરના ટુકડેટુકડા ન થઈ ગયા. આ હુમલાના ૪૦ મિનિટ પછી પાકિસ્તાન આર્મીએ સ્કૂલનો મોરચો સંભાળ્યો હતો. અંદાજે ૬ કલાક ચાલેલા ઓપરેશન પછી આર્મીએ સાતેય આતંકીઓને ઠાર કરી દીધા હતા.