પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે ભારત વિરોધી જેહાદને ભડકાવી છે

સોશિયલ મીડિયામાં ક્યારે શું ચાલી જાય એ નક્કી નહીં. જૂનાં ચરિત્ર કે દંતકથાઓ ઉખેળવામાં કે બોટલમાં બંધ ભૂતને કાઢીને ધૂણાવવામાં સોશિયલ મીડિયા પાવરધું છે ને અત્યારે એવું જ થયું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં તે ગઝવા એ હિંદ અને ખોરાસાનની વાતો કરે છે. આ વીડિયોમાં શોએબ અખ્તર સમા ટીવીની એંકર યુવતી સાથે વાત કરે છે ને તેમાં ગઝવા એ હિંદનો ઉલ્લેખ કરે છે. ગઝવા એ હિંદ એટલે ભારતને જીતવા કરાતું ધર્મયુદ્ધ અથવા તો જિહાદ. કેટલાક ઉર્દૂ વિદ્વાનોનો મત છે કે, હિંદુઓ સામેના જંગમાં જીતીને મુસ્લિમો સમગ્ર ભારતીય ઉપખંડ કબજે કરશે એવી ધર્મગ્રંથોમાં આગાહી કરાઈ છે.
શોએબ કહે છે કે, આપણા (એટલે કે મુસ્લિમોના) ધર્મગ્રંથોમાં ગઝવા એ હિંદનો ઉલ્લેખ છે જ. ગઝવા એ હિંદ માટે આપણે સૌથી પહેલાં કાશ્મીર પર કબજો કરીશું ને પછી ચારે બાજુથી કબજો કરીને ભારત પર કબજો કરી લઈશું. શોએબ કહે છે કે, મુસ્લિમ ધર્મગ્રંથોમાં લખ્યું છે કે, અટ્ટોક નદી બે વાર લોહીથી લાલ થશે ને અફઘાનિસ્તાનથી લડવૈયા અટ્ટોક સુધી પહોંચી જશે. એ પછી શમલ મશરીકમાંથી લડવૈયા બહાર આવશે ને લશ્કરો જોડાશે. ઉઝબેકિસ્તાન વગેરે સ્થળેથી પણ સૈનિકોની ટુકડીઓ આવશે. આ સૈનિકો પહેલાં કાશ્મીર જીતી લેશે ને પછી અલ્લાહની ઈચ્છાથી આગેકૂચ કરશે એવું શોએબનું કહેવું છે. શોએબના મતે, ઈસ્લામના ધર્મગ્રંથોમાં લાહોર સુધી ફેલાયેલા ખોશસાનનો પણ ઉલ્લેખ છે.
શોએબ અખ્તરનો આ વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. શોએબ ભલે પાકિસ્તાની હોય પણ ભારતમાં પણ તેનો મોટો ચાહક વર્ગ છે કેમ કે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી શોએબે પાકિસ્તાનના બીજા ક્રિકેટરોની જેમ હલકટાઈ બતાવવાના બદલે તટસ્થ વલણ અપનાવ્યું છે. શોએબ ભારતીય ક્રિકેટરોને સમયાંતરે વખાણતો રહે છે ને પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટીકા પણ કરતો રહે છે તેથી ક્રિકેટ ચાહકો તેને પસંદ કરે છે. શોએબ યુ ટ્યુબ ચેનલ પણ ચલાવે છે ને તેના પર એ નિયમિત રીતે ક્રિકેટનું એનાલિસિસ કર્યા કરે છે. તેમાં એ ક્યારેક બકવાસ કરી નાંખે છે પણ એકંદરે તેનું વલણ ક્રિકેટ ચાહકોને ગમે એવું છે તેથી ભારતમાં પણ તેની યુ ટ્યુબ ચેનલ જોનારા લોકોની સંખ્યા બહુ મોટી છે.
શોએબના આ બકવાસને કારણે ભારતીય ક્રિકેટ ચાહકોને સ્વાભાવિક રીતે જ આઘાત લાગે કેમ કે કાશ્મીરના મુદ્દે કોઈ પણ પ્રકારનો બકવાસ ભારતીયો ચલાવી લેતા નથી. ભારતીય ક્રિકેટ ટીમની ટીકા કરો કે તેને વિશે એલફેલ બોલો તો એક વાર ચલાવી લે પણ કાશ્મીર મુદ્દે ભારતીયો તરત છંછેડાઈ જાય છે. તેમાં પણ શોએબે તો સીધી હિંદુ વર્સિસ મુસ્લિમોની જ વાત કરી દીધી છે. પાકિસ્તાન નહીં પણ મુસ્લિમો હિંદુઓને હરાવીને ભારત જ નહીં પણ ભારતીય ઉપખંડ કબજે કરી લેશે એવો બકવાસ કર્યો છે તેથી ભારતીયોનો આક્રોશ ફાટી નિકળે એ સ્વાભાવિક છે. સોશિયલ મીડિયા પર ભારતીયો શોએબ પર ખાર કાઢી રહ્યા છે.
શોએબના બકવાસની આમ તો કોઈ કિંમત નથી પણ તેની વાત કરતાં પહેલાં શોએબે જેની વાત કરી છે એ ગઝવા એ હિંદ અને ખોરાસાન શું છે એ સમજી લઈએ. ગઝવા એ હિંદની વાત આગળ કરી જ છે તેથી ફરી નથી કરતા પણ આ શબ્દોનો દુરૂપયોગ મુસ્લિમ યુવકોને આતંકવાદના રસ્તે ચડાવવા માટે કરાયો છે. ભારત અને પાકિસ્તાન અલગ થયાં પછી કાશ્મીર મુદ્દે બંને વચ્ચે ડખો થયો. પાકિસ્તાનનો ડોળો કાશ્મીર પર હતો પણ ભારત સામે તેનું કશું ન ચાલ્યું તેથી પાકિસ્તાને આતંકવાદ સહિતના રસ્તે કાશ્મીર પડાવવાના કારસા શરૂ કર્યા.
આતંકવાદને ભડકાવવા માટે પાકિસ્તાને ઈસ્લામનો દુરૂપયોગ કર્યો ને કાશ્મીરને જીતવું એ જિહાદ છે એવી વાતો કરીને કાશ્મીરી તથા પાકિસ્તાની યુવકોને ભડકાવીને તેમને આતંકવાદના રવાડે ચડાવ્યા. અનેક લોકોની જિંદગી તબાહ કરી યુવાનોને આતંકવાદી બનાવવા માટે મોહમ્મદ પયંગબર સાહેબની હદીશના નામે જૂઠાણાં ચલાવાયાં ને તેમાં એક ગઝવા એ હિંદ પણ છે. આતંકવાદી સંગઠનો એવો કુપ્રચાર કર્યા કરે છે કે, ઈસ્લામનાં ધર્મગ્રંથોમાં કાશ્મીર પર આક્રમણને પવિત્ર ગણાવાયું છે ને કાફિરો સામે લડતાં શહીદ થયેલા સીધા જન્નતમાં જશે. આ વાત બકવાસ છે પણ તેનો એટલો કુપ્રચાર ચાલ્યો કે, કેટલાંક લોકો એવું જ માનવા લાગ્યાં છે કે ઈસ્લામના ધર્મગ્રંથોમાં ગઝવા એ હિંદનો ઉલ્લેખ છે. શોએબ અખ્તર પણ આવા અજ્ઞાની લોકોમાં એક છે. શોએબ ધર્મનો જાણકાર નથી ને સાંભળેલી વાતોના આધારે ગઝવા એ હિંદ જેવી વાતોના બકવાસે ચડી ગયો છે.
ગઝવા એ હિંદ જેવી જ વાત ખોરાસાનની છે. ખોરાસાન પણ ઈસ્લામના નામે આતંકવાદ ફેલાવનારા લોકોએ ઊભું કરેલું તૂત છે. અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ જેવાં આતંકવાદી સંગઠનો લાંબા સમયથી ખોરાસાનની ને એવી બધી વાતો કરી કરીને મુસ્લિમોને ભડકાવ્યા કરે છે. ભૂતકાળમાં આઈએસ દ્વારા વારંવાર દાવો કરાયો છે કે, આઈએસ ભારતમાં ફરી મુસ્લિમ શાસન લાવશે. આઈએસનું વાજિંત્રમનાતા મેગેઝિન ’દાબિક’માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં આઈએસના આમીર હાફિઝ સઇદ ખાને એવી ફેંકાફેંક કરી હતી કે, ઈસ્લામિક સ્ટેટ ભારતમાં ઘૂસીને “ગાયની પૂજા કરતા હિંદીઓને મારશે’ અને “એક સમયે મુસ્લિમો દ્વારા શાસિત’ ભારત પર ફરીથી કબજો કરશે.
મુલ્લા સઇદ ઓરાકઝઇ તરીકે પણ ઓળખાતો હાફિઝ આતંકવાદી સંગઠન તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનનો ભૂતપૂર્વ કમાન્ડર છે. ઈસ્લામિક સ્ટેટ ભારતીય ઉપખંડમાં “ખોરાસાન’ નામે રાષ્ટ્ર ઊભું કરવા માગે છે. “ખોરાસાન’ મુસ્લિમ કટ્ટરવાદીઓએ વહેતો મૂકેલો તુક્કો છે. હાલના ઇરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ભારત અને ચીનને “ખોરાસાન’નો નકશો ઇસ્લામિક સ્ટેટે 2014માં જાહેર કરેલો. ભારતના ઉત્તર પશ્ર્ચિમ ભાગને “ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન’ જાહેર કરાયો હતો. આ ભાગમાં ગુજરાતના કેટલાક વિસ્તારને પણ આવરી લેવાયા હતો. આ નકશામાં ખોરાસાનને ’ઈસ્લામિક સ્ટેટ’ અથવા તો “સ્ટેટ ઓફ ખિલાફત’ જાહેર કરાયું હતું. ઈસ્લામિક સ્ટેટે એવી પણ ફેંકી હતી કે મધ્ય એશિયા પર કબજો જમાવી લઈને આ આખા વિસ્તાર પર ઈસ્લામિક ઝંડો લહેરાવવામાં આવશે. અને તેને ખોરાસાન નામ આપવામાં આવશે. ખોરાસાનનો ઉલ્લેખ ઈસ્લામના ધર્મગ્રથોમાં છે એવી ફેંકાફેંક પણ ચાલ્યા કરે છે.
આપણે ત્યાં જે રીતે છેલ્લા કેટલાક સમયથી હિંદુત્વના નામે ગમે તેવી વારતા ને વાતોનો દોર ચાલુ થયો છે એ રીતે ઈસ્લામમાં તો લાંબા સમયથી આ બધું ચાલે છે. ઈસ્લામમાં તો ધર્મના ઠેકેદારો આતંકવાદના પોષક છે તેથી લોકોને ફોસલાવવા માટે ધર્મના નામે આવી કેટલીય વાતો એ લોકો રમતી કર્યા જ કરે છે. ખોરાસાન પણ આવો જ તુક્કો છે ને શોએબ અખ્તર જેવા બેવકૂફો સમજ્યા વિના આવી વાતોને જાહેર કરી બેવકૂફીનું પ્રદર્શન કર્યા કરે છે. ભારતમાં જમાત એ હિંદ સહિતનાં ઘણાં ઈસ્લામના વિદ્વાનોનાં બનેલા સંગઠનો ગઝવા એ હિંદ ને ખોરાસાનની વાતોને તુક્કા ગણાવી ચૂક્યાં છે. આ કારણે ભારતમાં મુસ્લિમોને આ બધી વાતો અસર પણ કરતી નથી. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી આકાઓ આ બધી વાતો કરીને ભારતના મુસ્લિમોને ભડકાવવા ઉધામા કર્યા કરે છે પણ તેની અસર થતી નથી. ગયા વરસે જ મૂસા ઝાકિર નામના આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીએ વીડિયો બહાર પાડીને ગઝવા એ હિંદના નામે બકવાસ કરેલા.
ઝાકિરે તેના વીડિયોમાં ભારતના મુસલમાનોને સ્પાઈનલેસ (કરોડરજ્જુ વિનાના) અને શરમ વિનાના ગણાવ્યા હતા. મૂસાએ ભારતીય મુસ્લિમોને બાયલાગીરી છોડીને હથિયાર ઠાવવા અને ભારતમાં ઈસ્લામનું શાસન સ્થાપવા હાકલ કરી હતી. મૂસાએ મુસ્લિમોને ભડકાવવા માટે બિજનૌરમાં એક મુસ્લિમ મહિલા પર બળાત્કાર થયો ને ગૌરક્ષકો મુસ્લિમો પર હુમલા કરે છે એ વાતો કરીને કહેલું કે, એક મુસ્લિમ મહિલા પર બળાત્કાર થાય છે ને ભારતના બાયલા મુસ્લિમો બેસી રહે છે. તેમણે સંગઠન બનાવવું જોઈએ ને આ અત્યાચારીઓને સીધા કરવા જોઈએ. ગૌરક્ષકો મુસ્લિમો પર હુમલા કરે છે તે જોઈને મારું લોહી ઉકળી ઊઠે છે પણ ભારતના મુસ્લિમોને કંઈ થતું નથી, એવું પણ મૂસાએ કહ્યું હતું. મૂસાએ પયગંબર સાહેબનું નામ પણ વટાવી ખાધું છે ને ભારતીય મુસ્લિમોને હથિયારો ઉઠાવીને જંગ-એ-બદર માટે હાકલ કરી હતી. પયગંબર સાહેબે જંગ-એ-બદર દ્વારા મક્કા અને કાબા પર કબજો કરીને બેઠેલા કબીલાઈઓને હરાવેલા ને મુસ્લિમ ઈતિહાસમાં આ જંગ ઐતિહાસિક મનાય છે.
મૂસાએ હિંદ પર આક્રમણ એટલે કે ગઝવા એ હિંદ કરીને ઈસ્લામ શાસન સ્થાપવાથી જન્નત મળશે એવું પયગંબર સાહેબ કહીને ગયા છે એવું સાવ ટાઢા પહોરનું ગપ્પું પણ હાંક્યું હતું. ભારતના મુસ્લિમોએ આ વાતોને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી હતી. ભારતમાં આ વાતો ચાલતી નથી પણ પાકિસ્તાનમાં તો ધર્મના ઠેકેદારોની દુકાન જ આવી બધી વાતો પર ચાલે છે તેથી એ લોકો આ બધું કર્યા કરે છે. જ્યાં સુધી ભારત પર મુસ્લિમોના કબજાનો સવાલ છે, એ સપનું પાકિસ્તાનીઓ વરસો જુએ છે. હજુ ભલે જોયા કરતા, આપણને કોઈ ફરક પડતો નથી.