પાકિસ્તાન અને ચીન સંપીને ભારતની સામે યુદ્ધ કરવાનો પેંતરો ઘડી રહ્યા છે

પાકિસ્તાન અને ચીન સંપીને ભારત સાથે યુદ્ધ કરી શકે છે એવી આશંકા અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચીન સાથેની લદાખ સરહદે પાછો ભડકો થઈ ગયો છે ને થોડો સમય શાંત રહ્યા પછી ચીને પાછી જાત બતાવી છે. ચીનાઓએ શનિ-રવિના વીક એન્ડમાં રાતના અંધારાનો લાભ લઈને પૂર્વ લદાખમાં ચીનના સૈનિકોએ ભારતની સરહદમાં તહેનાત આપણા જવાનોને હટાવીને ઘૂસી આવવા કોશિશ કરી હતી, પણ આપણા સૈનિકો સાબદા હતા તેથી ચીના ફાવ્યા નહીં એવું આપણી સરકારે સત્તાવાર રીતે કહ્યું છે. ચીનાઓ સાથેની આ અથડામણમાં કોઈ જાનહાનિ થઈ કે નહીં તેનો સરકારે ખુલાસો કર્યો નથી પણ કશું કહેવાયું નથી એટલે કોઈ જાનહાનિ થઈ નથી એમ માની લઈએ.

આપણી સરકારે એ પણ ચોખવટ કરી છે કે, 15 જૂને ચીન સાથેની અથડામણ પછી થયેલી સમજૂતીનો ભંગ કરીને ચીને ઘૂસણખોરી કરવાનો અને સરહદે જે સ્થિતિ છે એ બદલવાની કોશિશ કરી છે. ચીનના સૈનિકોએ લશ્કરી હિલચાલ કરી છે એવું ચોખ્ખા શબ્દોમાં આપણી સરકારે કહ્યું છે. મતલબ કે લદાખ સરહદે ચીનનું ને આપણું લશ્કર જ્યાં છે ત્યાંથી અંદર ઘૂસી આવવાની ચીને મથામણ કરી છે. આ અથડામણ પછી ગૂંચ ઉકેલવા માટે ચુશુલમાં બ્રિગેડ કમાન્ડર કક્ષાના અધિકારીઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. ચુશુલ લદાખ વિસ્તારના લેહ જિલ્લામાં આવેલું એક ગામ છે કે જ્યાં ભારતીય લશ્કરનું થાણું છે.

બીજી તરફ ચીને દાવો કર્યો છે કે, તેના લશ્કરે વાસ્તવિક અંકુશ રેખા ઓળંગવાનો પ્રયત્ન કર્યો જ નથી કે કોઈ સમજૂતીનો ભંગ કર્યો નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સત્તાવાર રીતે આ નિવેદન આપ્યું છે. ચીન જૂઠું બોલવામાં માહિર છે ને તેનો પુરાવો એ છે કે, પોતાને નિર્દોષ ગણાવ્યા પછી ચીને એવું પણ કહ્યું છે કે, સરહદની સ્થિતિ અંગે બંને દેશો એકબીજાના સંપર્કમાં છે ને મંત્રણા ચાલી રહી છે. સવાલ એ છે કે ચીને કશું કર્યું નથી ને સરહદે સાવ શાંતિ છે તો પછી ભારતના લશ્કરી અધિકારીઓ સાથે સંવાદની કે મંત્રણાની જરૂર શું છે? મંત્રણા ચાલી રહી છે તેનો અર્થ એ કે, કશુંક થયું છે. શું થયું છે એ આપણી સરકારે પહેલા જ કહી દીધું છે. ચીન પોતાના સૈનિકોની હરકતો પર પડદો નાખવા મથે છે એ જ ચીનની લુચ્ચાઈનો મોટો પુરાવો છે. જો કે આ વખતે દેશ પાસે એવા વડાપ્રધાન છે કે ચીનની કોઈ લુચ્ચાઈ ચાલે એમ નથી. વડાાપ્રધા મોોદ જાપાન અને અમેરિકાને સાાથ રાખીને ચીનને કાયમ યાદ રહે એવો પાઠ ભણાવવા તત્ત્પર છે.

ભારત અને ચીન વચ્ચે અઢી મહિના પહેલાં એટલે કે 15 જૂને આ જ વિસ્તારમાં મોટી અથડામણ થયેલી. ચીના ભારતની સરહદમાં ઘૂસવા કોશિશ કરી રહ્યા હતા. તેમને સમજાવવા ગયેલા આપણા સૈનિકો પર કાયરોની જેમ પાછળથી હુમલો કરીને ચીને આપણા 20 સૈનિકોની હત્યા કરી હતી. આપણે શાંતિથી કામ લીધું તેમાં મોટો ભડકો થતો રહી ગયેલો. એ પછી લદાખ સરહદે શાંતિ હતી ને હવે ચીનાઓની હરકતોના કારણે અઢી મહિના પછી શાંતિ પાછી ડહોળાઈ છે. 15 જૂને આપણે ચીન પર ભરોસો મૂક્યો તેમાં વીસ જવાનોની શહાદતની આકરી કિંમત ચૂકવી હતી. એ પછી આપણે સાબદા થઈ ગયા તેથી ચીન કશું કરી શક્યું નથી પણ આ ઘટના એ વાતના પુરાવો છે કે, કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી, ગમે તે કરો એ સીધી ન જ થાય.

આપણે શાંતિ જળવાય એટલા માટે ગમે તેટલી મથામણ કરીએ પણ ચીન સુધરવાનું નથી ને પોતાની જાત પર આવ્યા વિના રહેવાનું નથી. ચીનનો ડોળો આપણા વિસ્તારો પર છે. આપણા વિસ્તારો ચીન હડપ કરવા માગે છે ને તેના માટેનાં આ બધાં વાનાં છે, તેના બધા ઉધામા છે. ચીનની માનસિકતા આપણા જ નહીં પણ બધા પાડોશીઓના વિસ્તારો બથાવીને કબજે કરવાની છે ને આપણી સાથે પણ એ આ હલકી માનસિકતાનું પ્રદર્શન કર્યા જ કરે છે. શનિ-રવિએ કરેલી હરકતો તેનો તાજો પુરાવો છે.

આ અથડામણે બીજી પણ એક વાત સ્પષ્ટ કરી છે કે, ચીનને કોઈ નૈતિકતા કે સિદ્ધાંતો નડતા નથી. લદાખ વિસ્તારમાં ગલવાન વેલીમાં પંદર જૂને અથડામણ થઈ એ પહેલાં કેટલાય દિવસથી ભારત અને ચીનના લશ્કર સામસામે આવી જ ગયેલાં હતાં. આપણે બધું બરાબર હોવાની વાતો કર્યા કરતા હતા ને પછી અચાનક જ બંને લશ્કર વચ્ચે જામી ગઈ તેમાં આપણા વીસ જવાનો શહીદ થઈ ગયા. ચીનની નાલાયકીની ચરમસીમા એ કહેવાય કે, આપણા વીસ-વીસ સૈનિકો શહીદ થયા છતાં ચીને દોષનો ટોપલો આપણા ઉપર જ ઢોળ્યો હતો.

ભારતના સૈનિકો ચીનની સરહદમાં ઘૂસેલા ને ચીન પર હુમલો કર્યો તેનો જવાબ ચીને આપ્યો તેના કારણે આ બધું થયું એવું સાવ જૂઠાણું ચીને ચલાવ્યું. આ ઓછું હોય એમ ચીને આપણને ધમકી આપી હતી કે, ભારત પોતાના સૈનિકોની શહાદતનો જવાબ આપવા કોઈ પણ પગલું લેશે તો પછી જોવા જેવી થશે. ચીને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સૈનિકો પણ ખડકવા માંડ્યા હતા. આપણે શાંતિને ખાતર ગમ ખાઈ ગયા ને વીસ જવાનોની શહાદતને ભૂલાવીને આપણે વાટાઘાટો કરીને ચીન સાથે સમજૂતી કરી કે, સરહદે જે સ્થિતિ છે એ જાળવી રખાશે ને કોઈ પ્રકારની ઉશ્કેરણી બંને લશ્કર નહીં કરે. ચીન સૈદ્ધાંતિક રીતે એ વાત પર સહમત થયું હતું ને માત્ર અઢી મહિનામાં તો આ સમજૂતીની ઐસીતૈસી કરીને તેણે ફરી આપણી સરહદમાં ઘૂસીને ફરી આપણા વિસ્તાર પર કબજો કરવાના ઉધામા પાછા શરૂ કરી દીધા. તેનો અર્થ એ થાય કે, ચીન પર જરાય ભરોસો થાય તેમ નથી. તેની સાથે ગમે તેટલી મંત્રણા કરો, ગમે એવી સમજૂતી કરો પણ એ પોતાની જાત બતાવ્યા વિના રહેશે નહીં.

ચીનની આ હરકત પછી મોદી સરકાર શું કરશે એ ખબર નથી પણ મોદી સરકાર ચીન પર ભરોસો કરવાના બદલે હવે વધારે વાસ્તવવાદી બને ને ચીનના ખતરનાક ઈરાદા સમજે એ જરૂરી છે. ભારત-ચીન વચ્ચે સરહદે વરસોથી ચકમક ઝર્યા કરે છે પણ બંનેનાં લશ્કર લોહિયાળ જંગ ખેલે કે ચીન આપણા પર હુમલો કરી નાખે એવું નહોતું બનતું. થોડીક બોલાચાલી ને ઉગ્રતા પછી બધું ટાઢું પડી જતું. ૧૫ જૂને વાત આપણા સૈનિકોને મારી નાખવા સુધી પહોંચી ગઈ ને બંને દેશોના લશ્કરના ઝઘડામાં લોહી રેડાયું હોય એવું ૪૫ વર્ષ પછી બન્યું. આ ઘટનાના અઢી મહિનામાં પાછી ચીને એવી જ હરકત કરી છે એ જોતાં ભારતે ચીન સામે આક્રમક બનવું પડે, ઈંટનો જવાબ પથ્થરથી આપતાં શીખવું પડે.

મોદી સરકારે ભારતીય લશ્કરને છૂટો દોર આપવો જોઈએ. આપણે ચીન પર આક્રમણ કરી નાખીએ એવું કશું કરવાની જરૂર નથી પણ ચીના આપણે ત્યાં ઘૂસવાની કોશિશ કરે ત્યારે જીવતો પાછો ના જાય એવી સ્થિતિ તો સર્જી જ શકીએ. કોઈ પણ દેશ આપણા દેશની સરહદમાં ઘૂસવાની કોશિશ કરે તો તેના બદલામા તેને મોત મળે એ સ્થિતિ સર્જવા લશ્કરને કહી દેવું પડે. એ આપણો અધિકાર છે ને આપણા લશ્કરને એ કામ સારી રીતે કરતાં આવડે જ છે. સવાલ રાજકીય ઈચ્છાશક્તિનો છે ને મોદી સરકારે એ તાકાત બતાવવી પડે. લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ને એવું બધું શાંતિમાં હોય એ દેશ સાથે કરાય, ચીનને શાંતિમાં રસ જ નથી ત્યારે તેની સાથે એ પ્રકારનો વ્યવહાર કર્યે મેળ નહીં પડે.