પાકિસ્તાન ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવે છે પણ હવે વિશ્વાસ કોણ મૂકે ?

આપણા પાકિસ્તાન સાથેના સંબંધો આઝાદ થયાં ત્યારથી તણાવપૂર્ણ હતા જ ને નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરી નાખી ત્યાર પછી આ સંબંધો વધારે તણાવપૂર્ણ બની ગયા છે. પાકિસ્તાને કલમ 370 નાબૂદ કરવા સામે બહુ ઉત્પાત કરેલો ને કાશ્મીર એનું હોય એવો ડોળ પણ કરેલો. ભારતને ભિડાવવા માટે કોઈ કસર નહોતી છોડી. બંને દેશો વચ્ચેના વ્યાપારમાં પણ ઓટ આવી ગયેલી ને રાજદ્વારી સંબંધો પણ બગડેલા છે. ભારત અને પાકિસ્તાન બંનેનાં એકબીજાના દેશમાં હાઈ કમિશન છે પણ કલમ 370 નાબૂદ થયા પછી પાકિસ્તાને પોતાના હાઈ કમિશ્નરને નવી દિલ્હીથી પાછા બોલાવી લીધેલા ને ભારતીય હાઈ કમિશ્નરને ઈસ્લામાબાદથી તગેડી મૂકેલા. પાકિસ્તાન એ પછી પણ ભારત સામે ઝેર ઠાલવ્યા કરે છે ને ભારતની નિંદાના બહાનાં ઊભાં કરીને ખાર કાઢ્યા કરે છે.
આ માહોલમાં પાકિસ્તાન ભારત સાથેના સંબંધો સુધારવાની ને મિત્રતાપૂર્ણ સંબંધો રાખવાની વાતો કરે એ અચરજ જ કહેવાય ને પાકિસ્તાન છેલ્લા અઠવાડિયાથી આવી અચરજભરી વાતો કરી રહ્યું છે. આ વાતોની શરૂઆત પાકિસ્તાનના વડ઼ા પ્રધાન ઈમરાનખાને ભારતને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે પહેલ કરવાની અપીલ કરીને કરેલી. ઈમરાને કહેલું કે, ભારતે કાશ્મીર મુદ્દાનો નિવેડો લાવવાના પ્રયત્નો શરૂ કરીને પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાની દિશામાં પહેલ કરવી જોઈએ કેમ કે બંને દેશોના સંબંધો સુધારવા આડે કાશ્મીર મુદ્દો જ આવે છે.
ઈમરાનની આ વાતે આશ્ચર્ય સર્જેલું ને આ આશ્ચર્ય શમે એ પહેલાં પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર બાજવાએ પણ એવી જ વાત કરી નાખેલી. બાજવાએ કહેલું કે, ભારત-પાકિસ્તાન ભૂતકાળને દફનાવીને આગળ વધે એ સમય આવી ગયો છે. પોતાની વાતનો ખોટો અર્થ ન કઢાય એટલે બાજવાએ ચોખવટ પણ કરેલી કે, કાશ્મીર મુદ્દાના ઉકેલ વિના કોઈ પણ શાંતિ મંત્રણા ના ટકે તેથી સૌથી પહેલાં એ મુદ્દાનો નિવેડો લાવવો જોઈએ.
ઈમરાન અને બાજવાની વાતોના કારણે લોકોને અચરજ થયેલું કે, બકરી રામ ક્યાંથી બોલી? આ સવાલનો જવાબ મળ્યો નથી ત્યાં પાકિસ્તાને મંગળવારે ફરી એવું જ અચરજ સર્જીને હેટ્રિક કરી નાખી. પાકિસ્તાન દર 23 માર્ચે પાકિસ્તાન દિવસની ઉજવણી કરે છે. પાકિસ્તાનમાં તો આ ઉજવણી થાય જ છે પણ આખી દુનિયામાં જ્યાં પણ પાકિસ્તાનની દૂતાવાસ છે ત્યાં પણ આ ઉજવણી થાય છે. નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની ઓફિસ છે તેથી મંગળવારે દિલ્હીમાં પણ પાકિસ્તાન દિવસ ઉજવાયો.
પાકિસ્તાન દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ એવો છે કે, 23 માર્ચ, 1940ના રોજ લાહોરમાં યોજાયેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાનની રચનાનો માર્ગ મોકળો કરતો ઠરાવ પસાર કરાયો હતો. લાહોર અધિવેશનમાં પાકિસ્તાન શબ્દ નહોતો વપરાયો પણ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોને અલગ કરીને અલગ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાના વિચારને સમર્થન આપતો ઠરાવ પસાર કરાયો હતો. અત્યારના પાકિસ્તાન તથા બાંગ્લાદેશ એ બે દેશોમાં અત્યારે જે પણ વિસ્તારો આવેલા છે એ વિસ્તારો મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો હતા. આ વિસ્તારોના નામજોગ ઠરાવ કરીને મુસ્લિમ લીગના અધિવેશને પાકિસ્તાનની રચનાની માગણીની દિશામાં નક્કર કદમ ઉઠાવેલું. મુસ્લિમ લીગના નેતા અંગ્રેજોના પીઠ્ઠુ હતા તેથી અંગ્રેજોની સ્ક્રીપ્ટ પ્રમાણે એ ઠરાવ થયેલો એ જોતાં આ ઠરાવના કારણે પાકિસ્તાનની રચનાનો માર્ગ મોકળો થઈ ગયો હતો એમ કહી શકાય. આ કારણસર 23 માર્ચનો દિવસ પાકિસ્તાન દિવસ તરીકે ઉજવાય છે.
અત્યારે ભારતમાં પાકિસ્તાના હાઈ કમિશ્નર નથી ને આફતાબ હસન ખાન નામના તેમના ડેપ્યુટી હાઈ કમિશનના કર્તાહર્તા છે. ખાને પાકિસ્તાનનો ઝંડો ફરકાવીને એલાન કર્યું કે, પાકિસ્તાન દુનિયાના બધા દેશો સાથે દોસ્તી ઈચ્છે છે ને તેમાં ભારત પણ આવી ગયું. ખાનના કહેવા પ્રમાણે, ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપવી હોય તો બંને દેશ વચ્ચે જમ્મુ અને કાશ્મીર સહિતના જે પણ ડખા છે તેનો ઉકેલ શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા લાવવો જોઈએ. ખાને એવી સૂફિયાણી વાતો પણ કરી છે કે, દક્ષિણ એશિયાનાં હિતોને સાચવવાં હોય તો આ વિસ્તારમાં શાંતિ હોય એ જરૂરી છે. ખાને પાકિસ્તાનના વડા પ્રધાન ને રાષ્ટ્રપતિના સંદેશા પણ વાંચી સંભળાવ્યા ને તેમાં પણ આ બધી ડાહી ડાહી વાતો કરેલી છે.
પાકિસ્તાન આ બધી ડાહી ડાહી વાતો કરે છે તેના મૂળમાં આપણે કરેલી પહેલ છે. ચીન સામે બહુ હોકારાપડકારા કર્યા પછી નરેન્દ્ર મોદી સરકારે ચીન સાથેની સરહદે શાંતિ જાળવવા માટે સમજૂતી કરી નાખી એ જ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવા પણ પહેલ કરીને લશ્કરી સ્તરે મંત્રણા શરૂ કરેલી. આ મંત્રણામાં બંને દેશોના લશ્કરના ઓપરેશનલ ડાયરેક્ટર જનરલ હાજર રહેલા. આ બેઠકમાં બંને દેશો યુધ્ધવિરામ સ્વીકારીને 2003માં જે સ્થિતિ હતી તે જાળવે અને ભૂતકાળમાં બંને દેશો વચ્ચે જે સમજૂતીઓ થયેલી તેને ફરી અમલમાં લાવે એવું નક્કી થયું છે. ભારતીય લશ્કરના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહ અને પાકિસ્તાની ડીજીએમઓઓ હોટલાઈનના માધ્યમથી કરેલી વાતચીતમાં સીઝફાયરનું ઉલ્લંઘન, યુદ્ધવિરામ, કાશ્મીર ડખો સહિત અનેક મુદ્દે થયેલી સમજૂતીની ચર્ચા કરી હતી. બંને દેશોએ યુદ્ધવિરામનું કડક રીતે પાલન કરવાની તૈયારી બતાવી અને 25 ફેબ્રુઆરીની મધરાતથી અંકુશરેખાની આસપાસના તમામ વિસ્તારોમાં તેનું પાલન પણ શરૂ થઈ ગયું છે.
આ બેઠકમાં ભારત-પાકિસ્તાન દેશો વચ્ચે હોટલાઈન સ્થાપીને તેની મદદથી બંને દેશો વચ્ચે નિયમિત રીતે વાતચીત થાય, સીઝફાયર ઉલ્લંઘન, ફાયરિંગ, ઘૂસણખોરી સહિતના મુદ્દા વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે ને ફરીથી નિયમિતપણે ફ્લેગ મીટિંગ શરૂ કરવામાં આવે એવું પણ નક્કી થયું છે. બંને દેશો વચ્ચે જે ગેરમાન્યતાઓ પ્રવર્તી છે તેને દૂર કરવામાં આવશે એવી ડાહી ડાહી વાતો પણ આ બેઠકમાં કરાઈ છે.
અત્યારે જે કંઈ થયું છે એ લશ્કરી અધિકારીઓના સ્તરે થયું છે પણ હવે સરકારી સ્તરે પણ પાકિસ્તાન સાથેના સંબધો સુધારવાની મથામણ મોદી સરકાર કરવાની છે. 30 માર્ચે તજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં હાર્ટ ઓફ એશિયા-ઈસ્તંબુલ પ્રોસેસ નામે બેઠક છે. આ બેઠકમાં ભારત-પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ હાજર રહેવાના છે. એ વખતે બંને વિદેશ મંત્રી મળે ને મંત્રણાનો તખ્તો તૈયાર થાય એવું બને. હવે આપણે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે આટલું બધું કરતા હોઈએ ત્યારે પાકિસ્તાન ડાહી ડાહી વાતો તો કરી જ શકે ને? પાકિસ્તાન છેલ્લા એક અઠવાડિયાથી એ જ કરી રહ્યું છે.
જો કે આ ડાહી ડાહી વાતોનો અર્થ નથી. તેનું કારણ એ કે, માત્ર વાતો કરવાથી સંબંધો સારા નથી બની જતા ને દોસ્તી થઈ જતી નથી. તેને માટે દિલથી પ્રયત્ન કરવા પડે, લુચ્ચાઈઓ છોડવી પડે ને નાલાયકીઓ બંધ કરવી પડે. પાકિસ્તાન આમાનું કશું કરી શકે તેમ નથી તેથી આપણ પાકિસ્તાન સાથેના સંબધો સુધરી શકે એમ નથી. પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવવાનું બંધ કરવા તૈયાર નથી એ સંજોગોમાં તેની પાસેથી કશું સારું કરવાની અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય.
પાકિસ્તાન આપણો પાડોશી દેશ છે ને આપણે ઈચ્છીએ તો પણ તેની માનસિકતાને બદલી શકવાના નથી. પાકિસ્તાન સળીઓ કર્યા કરે છે ને હલકટાઈઓ કર્યા કરે છે તેથી આપણને તેની સાથે બનતું નથી એ હકીકત છે ને પાકિસ્તાન પોતાની જાતે તૈયાર થાય એ શક્યતા ઓછી છે. પાકિસ્તાન વાતો કર્યા કરે છે પણ સુધરતું નથી ને અંતે જાત પર આવીને ઊભું રહી જ જાય છે એ જોતાં પાકિસ્તાન જ્યાં સુધી પોતે સુધરીને વર્તવા ના માંડે ત્યાં લગી કોઈ પણ વાતનો અર્થ નથી.
બીજું એ કે, પાકિસ્તાન કાશ્મીરનું પૂંછડું મૂકવા તો તૈયાર નથી જ. ઈમરાન, બાજવા ને ખાન ત્રણેયે જે વાત કરી તેમાં કાશ્મીર સમસ્યાનો નિવેડો લાવવાની વાત તો છે જ. ને મુખ્ય સવાલ એ જ છે કે, કાશ્મીર સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે? ભારત માટે તો કાશ્મીર સમસ્યાનો એક જ ઉકેલ છે. પાકિસ્તાન પોતે પચાવેલી પાડેલો કાશ્મીરનો ત્રીજા ભાગનો પ્રદેશ છોડી દે ને ભારતને આપી દે એ જ આપણા માટે તો કાશ્મીર સમસ્યાનો ઉકેલ છે ને પાકિસ્તાન તેને માટે તૈયાર થાય તેમ નથી. પાકિસ્તાને નાગાઈ કરીને કાશ્મીર પચાવી પાડ્યું છે. પાકિસ્તાની લશ્કર પીઓકેમાંથી હટી જાય તો કાશ્મીર સમસ્યાનો ઉકેલ તો કાલે આવી જાય પણ એ શક્ય નથી ને ભારત કાશ્મીર છોડી શકે તેમ નથી એ જોતાં કાશ્મીર મુદ્દો ઉકેલાવાની શક્યતા જ નથી.પાકિસ્તાનનો ભૂતકાળ હરામીપણાનો છે ને ગમે તે કરો એ પોતાની હરકતો છોડવાનું નથી. કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી. તમે ગમે તે કરો પણ એ સુધરવાના નથી એ આપણને પણ ખબર છે ને છતાં આપણે પ્રયત્ન કર્યા કરીએ છીએ. મોદી સરકારે ભૂતકાળમાં પણ એ પ્રયત્ન કર્યા ને અત્યારે પણ કરે છે, તેમાં કશું ખોટું નથી પણ તેનું ફળ મળવાની બહુ આશા નથી.