પાક હસ્તકના કાશ્મીરને પાછું લીધા વિના વડાપ્રધાન મોદી જંપે એમ નથી

પાકિસ્તાન ભલે ચીનાઓના ખોળે બેઠું હોય પણ ચીન યુદ્ધમાં કદી પાકિસ્તાન જેવા બદનામ દેશને સાથ આપશે નહિ. એક તરફ ચીન સાથેની લદાખ સરહદે પાછો ભડકો થયો છે ને ચીના પાછા આપણા સરહદમાં ઘૂસવાના ઉધામે ચડ્યા છે. બીજી બાજુ આપણા લશ્કરી જવાનો સાબદા છે તેથી ચીનાઓ ફાવ્યા નથી, પણ સરહદે તણાવ થઈ ગયો છે તેમાં બેમત નથી. આપણા લશ્કરી વડા જનરલ નરવણે લશ્કરી જવાનોને પાનો ચડાવવા લદાખ આંટો મારી આવ્યા. તેમણે પણ કબૂલ્યું કે, સરહદે તણાવ છે ને ચીન સખણું રહેતું નથી એ જોતાં આ તણાવ જલદી ઓછો થવાનો નથી. ચીનની આ હરકતો નવી નથી. ચીનને પોતાના કોઈ પાડોશી જોડે મનમેળ નથી ને બધાને એ પજવ્યા કરે છે. આપણને પણ એ વરસોથી પજવે છે, પણ છેલ્લા કેટલાક સમયથી ચીન વધારે આક્રમક બન્યું છે. આપણા પ્રદેશો પર દાવા કર્યા કરે છે ને તેને હડપવાનો હડકવા પણ તેને ઉપડ્યો છે તેના કારણે સ્થિતિ બગડી છે. પાકિસ્તાન તો પહેલેથી આપણને હેરાન કરે જ છે ને હવે બે દુષ્ટદેશો સાથે ભેગા થયા છે તેથી સરહદ સતત સળગતી જ રહે છે.

ચીનની હરકતોના કારણે આપણે ત્યાં આ સ્થિતિનો નિવેડો લાવવા શું કરવું એ મુદ્દે ચર્ચા ચાલ્યા જ કરે છે, પણ કમનસીબે એ ચર્ચામાં મુખ્ય મુદ્દો ચૂકી જવાય છે. આ મુદ્દો ચીન અને પાકિસ્તાન હવે એક થઈ ગયાં છે તેનો છે. બંને એક થઈ ગયાં તેના કારણે બદલાયેલી સ્થિતિ વિશે કોઈ બોલતું નથી. સદ્નસીબે આપણા ટીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે સમયસર એ મુદ્દો ઉખેળ્યો છે ને તેના સંદર્ભમાં આપણી સલામતી અંગેની વ્યૂહરચના બનાવવા પર ભાર મૂક્યો છે. જનરલ રાવતે સધિયારો આપ્યો છે કે, ચીન-પાકિસ્તાન ભેગાં મળીને ભારત સામે જે બેવડો ખતરો ઊભો કરી રહ્યાં છે તેને પહોંચી વળવા ભારત સક્ષમ છે તેથી ચિંતા કરવાની જરૂર નથી. ભારતની કોઈને પણ પહોંચી વળવાની તાકાત અંગે શંકા જ નથી તેથી જનરલની વાત સાચી છે પણ જનરલે જે બેવડા ખતરાની વાત કરી છે તેને પણ સમજવાની જરૂર છે. જનરલના કહેવા પ્રમાણે, પાકિસ્તાન અત્યારે ચીનના ખોળામાં બેઠેલું છે ને બંને લશ્કરી, આર્થિક ને રાજદ્વારી રીતે પણ એક જ છે. બંને એકબીજાને માફક આવે ને હિતો સચવાય એ રીતે વર્તી રહ્યાં છે.

જનરલે એ પછી જે વાત કરી છે એ વધારે મહત્ત્વની છે. તેમના કહેવા પ્રમાણે, ચીન-પાકિસ્તાન પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં સાથે મળીને જ કામ કરી રહ્યાં છે તેથી આપણે જોરદાર તૈયારી કરવી પડે એમ છે. ચીન-પાકિસ્તાન સાથે મળીને આપણી સામે ઉત્તર ને પશ્ચિમ એમ બંને મોરચે સંયુક્ત ખતરો ઊભો કરી રહ્યાં છે તેથી હવે પછી આપણા સંરક્ષણના આયોજનમાં આપણે તેનો સમાવેશ કરવો જ પડશે. આપણી પશ્ચિમ સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. પાકિસ્તાન સાથેની અંકુશરેખા પણ આ મોરચે જ આવે છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર એ રાજ્યો પશ્ચિમ મોરચે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલાં છે. ઉત્તર મોરચે નેપાળ, ભૂતાન, તિબેટ, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશો સાથેની સરહદ છે પણ તેમાં મુખ્ય ચીન છે. ભારતીય વડાપ્રધાન મોદી કોઈ પણ રીતે પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પાછું લેવા ચાહે છે.

જનરલ રાવતની વાતનો અર્થ સ્પષ્ટ છે કે, અત્યાર લગી આપણે પશ્ચિમ સરહદે ને ઉત્તર સરહદે અલગ અલગ દુશ્મનો સામે લડતા હતા પણ હવે એવું નથી. હવે આપણે એક જ દુશ્મન સામે લડવાનું છે ને આ દુશ્મન વધારે તાકાતવર છે તેથી હવે ગાફેલ રહેવું આપણને પરવડે તેમ નથી. આ વાત સાવ સાચી છે કેમ કે પાકિસ્તાન સામે અલગ રીતે લડો ને ચીનની મદદથી તાકતવર બનેલા પાકિસ્તાન સામે લડો તેના કારણે બહુ મોટો ફરક પડી જ જાય. પાકિસ્તાનને આપણે રમતાં રમતાં મસળી શકીએ પણ ચીન વિશે એવું ના કહેવાય ને કોઈ એવા ભ્રમમાં હોય તો તેના કરતાં વધારે મૂરખ બીજું કોઈ ના કહેવાય.

પાકિસ્તાનની લશ્કરી તાકાત આપણી સરખામણીમાં કંઈ ના કહેવાય. આપણી સામે લશ્કરી રીતે પાકિસ્તાન મગતરું છે પણ ચીન તેની પાછળ ઊભું હોય એ સંજોગોમાં આખું ચિત્ર બદલાઈ જાય. ચીન પાસે અત્યાધુનિક હથિયારો છે, અત્યાધુનિક સર્વેલન્સ ટેકનોલોજી છે, અત્યાધુનિક ફાઈટર જેટ છે. એ પોતે ભારત સામે સીધું મેદાનમાં ના આવે પણ પાકિસ્તાનને આ બધું આપે તો પાકિસ્તાનની તાકાત ચોક્કસ વધે. પાકિસ્તાન પાસે માણસોની કમી નથી. કાશ્મીરના નામે ને જિહાદના નામે ભારત સામે ભિડાવી દેવા પાકિસ્તાન પાસે મૂરખાઓની આખી ફૌજ છે. કદી ખૂટે નહીં એટલા માણસો છે ને તેમને ચીનનાં હથિયારો પકડાવી દેવાય એટલે પાકિસ્તાન આપણને પરેશાન તો કરી જ શકે. પીઓકેમાંથી આ આતંકવાદીઓનાં ધાડાં ભારતમાં મોકલીને એ આપણે ત્યાં અશાંતિ તો ઊભી કરી જ શકે.

જનરલ રાવતની એ વાત પણ સાચી છે કે ભારતે બહુ જલદી તેનો ઉકેલ શોધવો પડે. જનરલ રાવતે ‘ક્વેડ’ના રૂપમાં તેનો ઉપાય બતાવ્યો છે. ‘ક્વેડ’ એ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સ એ ચાર દેશોનું બનેલું ગ્રુપ છે. ‘ક્વેડ’ એ ક્વોડિલેટરલ સિક્યુરિટી ડાયલોગનું ટૂંકું રૂપ છે. તેનો અર્થ થાય છે, ચારપક્ષીય સુરક્ષા સંવાદ. ચાર દેશો આ સંવાદમાં જોડાયેલા છે તેથી તેને આ નામ અપાયું છે. ભારત ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયાનાં સીધાં આર્થિક તથા લશ્કરી હિતો હિંદ-પેસિફિક મહાસાગર વિસ્તારમાં છે. ચીન પણ આ વિસ્તારમાં છે ને ચીનને બધે પોતાનો પગદંડો જમાવવાની ખંજવાળ છે તેથી ભારત, ઓસ્ટ્રેલિયા ને જાપાન ત્રણેય દેશોની એ મેથી માર્યા કરે છે.

‘ક્વેડ’નો વિચાર હમણાં જ ખરાબ તબિયતના કારણે જાપાનનું વડા પ્રધાનપદ છોડનારા શિન્ઝો આબેન આવેલો. જાપાનને ભારત અને ઓસ્ટ્રેલિયા બંને સાથે સારા સંબંધો છે તેથી બંનેએ આ વિચારને વધાવી લીધો. ચીનની વધતી દાદાગીરીથી બંને પરેશાન હતાં. આ દાદાગીરી રોકવામાં ત્રણેય દેશ સાથે થાય તો તાકાત વધે એ સ્વાભાવિક છે. જાપાન તો અમેરિકાની આંગળી પકડીને જ ચાલે છે તેથી અમેરિકા તેમાં આવવાનું હતું જ.

અમેરિકા દુનિયાનું ફોજદાર છે ને તેનાં હિતો તો આખી દુનિયામાં છે. ચીન દુનિયાનો દાદો બને તેની સામે પણ અમેરિકાને વાંધો છે કેમ કે તેનો ગરાસ લૂંટાય છે તેથી અમેરિકાને ચીન સામે જે પણ મોરચો ખૂલે તેમાં જોડાવામાં રસ છે. અમેરિકા દુનિયાનો સૌથી તાકાતવર દેશ છે ને તેની હજુય ધાક છે. આવો દાદો દેશ આપણી પડખે ઊભો રહેતો હોય તો ચીન પણ થોડું દાબમાં રહે એ કારણે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયાએ અમેરિકાને લીલા તોરણે પોંખીને ‘ક્વેડ’માં લઈ લીધું છે.

‘ક્વેડ’ આર્થિક હિતો જાળવવાના બહાને રચાયું છે. ચારેય દેશ એકબીજાને વેપારમાં મદદ મળે એટલે પોતપોતાનાં વ્યૂહાત્મક બંદરોનો ઉપયોગ કરવા દે એવી ગોઠવણ ‘ક્વેડ’ હેઠળ થઈ છે. આર્થિક હિતો જાળવનારા દેશો એકબીજાનાં બીજાં હિતો પણ સાચવતા હોય છે તેથી આ ત્રણેય દેશો હિંદ અને પેસિફિક મહાસાગરમાં ભારતની પડખે રહેશે તેમાં શંકા નથી. ભારત માટે એ રીતે ‘ક્વેડ’ અત્યંત ફાયદાકારક છે તેમાં શંકા નથી.

‘ક્વેડ’ આપણને દરિયાઈ સરહદમાં ચીન સામે ઊભા રહેવા મજબૂત પીઠબળ આપે પણ ચીન-પાકિસ્તાન સામે આપણે માત્ર દરિયામાં લડવાનું નથી. બલકે મુખ્ય લડાઈ તો દરિયાની બહાર જમીન સરહદે જ છે એ જોતાં ત્યાં શું કરવું એ વિચારવું વધારે જરૂરી છે. જાપાન, ઓસ્ટ્રેલિયા ને અમેરિકા પણ હિંદ-પેસિફિક મહાસાગરમાં આપણને કંઈ ના થવા દે એમ માની લઈએ પણ અહીં ઉત્તર ને પશ્ર્ચિમ મોરચે પાકિસ્તાન-ચીન અટકચાળાં કરે ત્યારે એ દેશ આપણી પડખે આવીને ઊભા રહેવાના નથી. એ લડાઈ આપણે જ લડવી પડે ને આપણે એ લડાઈ કઈ રીતે લડવી એ વિશે વિચારવું જરૂરી બની ગયું છે.

ભારતે આ લડાઈ લડવા પોતાની લશ્કરી તાકાત વધારવી પડે ને લશ્કરી વ્યૂહરચનામાં પણ ફેરફાર કરવો પડે. આ વ્યૂહરચનામાં સૌથી મહત્ત્વનો પ્રદેશ પીઓકે છે. ચીન પાકિસ્તાનની વહારે ચડીને ધીરે ધીરે પીઓકેમાં અડિંગો જમાવતું જાય છે. અત્યારે ચીનનાં લશ્કરી થાણાં પીઓકેમાં નથી પણ ભવિષ્યમાં તેનાં લશ્કરી થાણાં પણ ત્યાં બનવા માંડે એવું બને. પાકિસ્તાન તો ચીન સામે આળોટી જ ગયું છે એટલે ચીન જે કંઈ કરે એ બધું તેને કબૂલ છે. આ સ્થિતિ પેદા થાય એ પહેલાં ભારતે જાગવું પડે ને પીઓકે પર કબજો કરવો પડે. ભારત પાસે પીઓકેનો કબજો હોય તો ચીન અને પાકિસ્તાન વચ્ચેનો સીધો સંપર્ક જ ખતમ થઈ જાય. અત્યારે પીઓકે મારફતે ચીન-પાકિસ્તાનનું ઈલુ-ઈલુ ચાલે છે એ બંધ થઈ જાય. ચીનનો પગપેસારો પણ અટકી જાય ને આપણી પાસે ચીન તથા પાકિસ્તાન બંનેને હંફાવવા માટે મોટું મેદાન પણ મળી જાય.