પાડોશીના નામે સહાય લેવાઇ : તપાસનો હુકમ કરતા ડીડીઓ

અમરેલી,
અમરેલી જિલ્લાને ધમરોળનારા તૌકતે વાવાઝોડામાં સરકાર દ્વારા કરાયેલી સહાય બાદ પણ સતત થઇ રહેલી રજુઆતો વચ્ચે અમુક કિસ્સાઓની થયેલી ફરિયાદથી ચોંકી ઉઠેલ તંત્ર દ્વારા કોઇની સહાય કોઇએ લઇ લીધી હોય તેવી ફરિયાદોને પગલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પાડોશીના નામે સહાય લેવાઇ હોવાની થયેલી લેખીત ફરિયાદને પગલે આ મામલે અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ દ્વારા તપાસનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને જાફરાબાદ તાલુકામાં ત્રણ કિસ્સામાં વાવાઝોડા સહાયમાં ખોટી રીતે સહાય મેળવાઇ હોવાની ત્રણ ફરિયાદોની ટીડીઓને તપાસ ડીડીઓ શ્રી દિનેશ ગુરવ દ્વારા સોંપી અને તપાસના અંતે ગેરરીતી જણાય તો એફઆઇઆર કરવાની પણ સુચના અપાઇ હોવાનું ડેપ્યુટી ડીડીઓ શ્રી જોષીએ જણાવ્યુ હતુ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે વાવાઝોડામાં 15 ટકાથી ઓછા નુકસાનવાળા અસરગ્રસ્તોને સહાય આપવાની કોઇ જોગવાઇઓ નથી.