પાલિકાના સફાઇ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરો:37 સભ્યોની માંગણી

અમરેલી,
અમરેલી નગરપાલીકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સફાઇની કામગીરી સુદ્રઢ અને નિયમીત થાય તે માટે કોન્ટ્રકટરો પાસે આ કામગીરી કરાવવામાં આવે છે. જેમાં મોટા ભાગના વિસ્તારોમાંથી સફાઇની કામીગીર નહી થતી હોવાની રહેવાસીઓ તેમજ નગરપાલીકાના સભ્યો દ્વારા અવાર નવાર કરવામાં આવી રહી છે. તેમજ કોઇ પણ કર્મચારી સરકારી કોઇ પણ પ્રકારના કોન્ટ્રાકટ રાખી શકતા ન હોવા છતા પણ કેટલાક કર્મચારીઓ દ્વારા આવા કોન્ટ્રાકટ રાખવામાં આવી રહયા છે સાથો સાથ 300 જેટલી સાયકલો સપ્લાય કરવામાં આવી છે તેવો હરીઓમ કન્ટ્રકશન દ્વારા ચીફ ઓફીસરની ખોટી સહી કરીને રાજ્ય સરકારના શહેરી વિકાસ સતા મંડળને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યુ છે. અને આ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટમાં મુકવા માટે નગરપાલીકાની આરોગ્ય સમિતિના ચેરમેન સહિત 37 સભ્યોએ નગરપાલીકાના ચીફ ઓફીસરને ધગધગતો પત્ર પાઠવ્યો છે. તેમ અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન શ્રી પી.પી.સોજીત્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ.
પત્રકાર પરિષદમાં જણાવતા પી.પી.સોજીત્રાએ જણાવ્યુ હતુ કે શહેરના વોર્ડ નં. 1,2,3,4,5 તેમજ 11 મળીને કુલ 6 વોર્ડમાં સફાઇની કામગીરી કરાવવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. પરંતુ હરીઓમ કન્ટ્રકશન એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે શહેરમાં કચરાના ઢગલા તેમજ જાહેર માર્ગો ઉપર ગંદકીના થર જોવા મળી રહયા છે અને નગરજનોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભી થવાની સંભાવના હોવાને ધ્યાને લઇને નગરપાલીકાના 37 સભ્યોએ ચીફ ઓફીસરને આ એજન્સીને બ્લેકલીસ્ટમાં મુકવી તેમજ ડિસેમ્બર તથા જાન્યુઆરી માસમાં વોર્ડ સફાઇ તથા સ્પોર્ટ સફાઇના કોઇ પણ પ્રકારના બીલ રજુ કરવામાં આવે તો તે ચુકવવા નહી.
આ ઉપરાંત આ એજન્સીને કચરો ઉપાડવા માટે ટ્રેકટર લોરી સાથે પાંચ, ઘન કચરો એકત્ર કરવા માટે ચાર રીક્ષા એજન્સીને નગરપાલીકા દ્વારા આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ એજન્સી દ્વારા નગરપાલીકાને ઉપરોક્ત વાહનો સુપ્રત કરવામાં આવ્યા નથી. તેમજ આ એજન્સી પાસેથી જ્યારે વાહનનો કબ્જો લેવામાં આવે ત્યારે એજન્સીના ખર્ચે મરામત કરાવી અને વાહનો લેવા તેવી રજુઆત સભ્ય દ્વારા ચીફ ઓફીસરને કરવામાં આવી છે.
આમ અમરેલી નગરપાલીકામાં સફાઇના મુદે હવે ધમાસણ મચવાનું લોકોમાં ચર્ચાઇ રહયુ છે. આ અંગે શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીત્રાએ અમરેલી જીલ્લા કલેકટર, કમિશ્નર ભાવનગર, ચેરમેન શ્રી ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર, શહેરી વિકાસ મંત્રી ગાંધીનગરને પત્ર પાઠવી વિસ્તૃત જાણ કરવામાં આવી છે.ઉપરોક્ત પત્રકાર પરિષદમાં નગરપાલીકાના સભ્ય પંકજભાઇ રોકડ, જયશ્રીબેન ડાબસરા, હીરેનભાઇ સોજીત્રા, નટુભાઇ સોજીત્રા, પ્રકાશભાઇ કાબરીયા તેમજ સમાજના અગ્રણી સંજયભાઇ રામાણી ઉપસ્થિત રહયા હતા.