પાસવાન ભલેને કોઈ હાઈસ્ટાર ખેલાડી ન હતા પણ સારા રાજકારણી તો હતા

બિહાર વિધાનસભાની ચૂંટણીનો જંગ ધીરે ધીરે જામતો જાય છે ત્યારે જ આ ચૂંટણીમાં એક મહત્ત્વનું પરિબળ એવા રામવિલાસ પાસવાન ગુરૂવારે રાત્રે ગુજરી ગયા. પાસવાનને હૃદયની બીમારી હતી અને લાંબા સમયથી બીમાર હતા. હજુ ગયા અઠવાડિયે જ તેમની હૃદયની સર્જરી કરાઈ હતી પણ તેના કારણે બહુ ફરક નહોતો પડ્યો. ડોક્ટરો તેમની બીજી સર્જરી કરવા માગતા હતા પણ એ પહેલાં જ હૃદયે જવાબ દઈ દીધો અને પાસવાન ગુજરી ગયા. આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય પછી તેનાં વખાણ કરવામાં લોક પાછું વળીને નથી જોતા. હયાત હોય ત્યારે એના દુઃખમાં ભાગ લેનારા ભાગ્યે જ કોઈ હોય છે. પાસવાનના કિસ્સામાં પણ એવું થઈ રહ્યું છે ને શ્રદ્ધાંજલિઓનો ધોધ વહી રહ્યો છે. કોઈ પાસવાનને મહાન નેતા કહી રહ્યું છે તો કોઈ દલિતોના મસિહા ગણાવી રહ્યું છે. કોઈ તેમને સામાજિક ન્યાય માટેના લડવૈયા કહી રહ્યું છે તો કોઈ તેમને મહાન સમાજવાદી નેતા ગણાવી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાની સમજ ને મતિ અનુસાર પાસવાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ શ્રદ્ધાંજલિમાંથી કેટલી સાચા હૃદયથી હશે એ ખબર નથી પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય રાજકારણમાં પાસવાન જેવું નોખું વ્યક્તિત્વ ધરાવતા નેતા બહુ ઓછા આવ્યા છે. ભારતીય રાજકારણમાં પાસવાન જેટલું લાંબું ટકનારા નેતા પણ બહુ ઓછા આવ્યા છે. પાસવાન ૧૯૬૯માં પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે તેમની વય માત્ર ૨૩ વર્ષની હતી ને અત્યારે ૭૩ વર્ષની વયે ગુજરી ગયા. પાસવાન એ રીતે પૂરા પાંચ દાયકા ને એક વર્ષ લટકાનું મળીને કુલ ૫૧ વર્ષ સક્રિય રાજકારણમાં રહ્યા. આ એકાવન વર્ષમાં શરૂઆતનાં વરસોને બાદ કરતાં બાકીનાં વરસો પાસવાન સતત સત્તામાં રહ્યા. છેલ્લા ત્રણ દાયકામાં તો પાસવાન કેન્દ્રીય પ્રધાનમંડળની બહાર હોય એવું બહુ ઓછાં વરસોમાં બન્યું છે.

લોકસભાની ૧૯૮૯ની ચૂંટણીમાં બોફોર્સ કૌભાંડના કારણે હાર થઈ ત્યારથી કોંગ્રેસની બુંદ બેસી ને કોંગ્રેસના એકચક્રી શાસનના દિવસો પૂરા થયા. કોંગ્રેસે ૧૯૮૪ પછી કદી સ્પષ્ટ બહુમતી ના મેળવી ને ભારતમાં કોંગ્રેસના વડા પ્રધાન હોય તો પણ એ બીજાના ટેકાથી સત્તા પર હોય એવા દિવસો આવી ગયા. ૧૯૮૯ની ચૂંટણી પછી નરસિંહરાવ ને મનમોહન સિંહ એ બે કોંગ્રેસી વડા પ્રધાન આવ્યા. એ બંને પાસે સ્પષ્ટ બહુમતી નહોતી ને બીજા પક્ષોની કાંખઘોડી પર એ ટકેલા હતા. નરેન્દ્ર મોદીએ ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવી ત્યાં લગી દેશમાં મોરચા સરકારોનો યુગ હતો ને તેનો મહત્તમ લાભ પાસવાને લીધો એમ કહીએ તો ચાલે.

વિશ્ર્વનાથ પ્રતાપસિંહથી નરેન્દ્ર મોદી સુધીના મોટા ભાગના વડા પ્રધાનોની કેબિનેટમાં પાસવાન હોય જ એ રીતે ગોઠવાઈ જવામાં પાસવાને મહારત હાંસલ કરી લીધી હતી. આ મહારતના કારણે પાસવાનને રાજકીય વિશ્ર્લેષકો મજાકમાં મૌસમ વિજ્ઞાની કહેતા. વી.પી. સિંહ પછી દેવ ગૌડા અને આઈ.કે ગુજરાલના નેતૃત્વ હેઠળની ત્રીજા મોરચાની બંને સરકારોમાં પાસવાન કેબિનેટ પ્રધાન હતા. ત્રીજા મોરચાનું અચ્યુતમ કેશવમ થઈ ગયું પછી એ સિફતથી તેમને કોરાણે મૂકીને અટલ બિહારી વાજપેયી સાથે ગોઠવાઈ ગયેલા ને વાજપેયીનાં વળતાં પાણી થયાં પછી મનમોહન સિંહની સરકાર આવી ત્યારે પાસવાન તેમની પંગતમાં ગોઠવાઈ ગયેલા. કોંગ્રેસનાં વળતાં પાણી થયાં ને મોદીનો ઉદય થયો એટલે મોદીની પંગતમાં બેસી ગયા. પાસવાને એ રીતે છેલ્લા ત્રણ દાયકામાં નરસિંહરાવ અને ચંદ્રશેખરને બાદ કરતાં બધા વડા પ્રધાનોના પ્રધાનમંડળમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે કામ કર્યું.

પાસવાનમાં રાજકીય પવન જોઈને સઢ બદલવાની ગજબની તાકાત હતી. આ કારણે પાસવાન ખરા તાકડે જ સાથીઓ બદલી નાખતા ને સત્તામાં ગોઠવાઈ જતા. ૧૯૯૦ના દાયકા પછી તેમણે આ ખેલ બહુ સિફતપૂર્વક ને ભલભલા ખેલાડી દંગ થઈ જાય એ રીતે ખેલ્યો. પાસવાને રાજકારણમાં સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીના ધારાસભ્ય તરીકે ૧૯૬૯માં એન્ટ્રી કરેલી. જવાહરલાલ નહેરૂ સામે સમાજવાદી આગેવાનોએ મોરચો માંડીને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી (પીએસપી) બનાવેલી. જયપ્રકાશ નારાયણ અને આચર્ય નરેન્દ્રદેવ તેના આગેવાન હતા. રામમનોહર લોહિયા ૧૯૫૫માં અલગ થયા ને સોશિયાલિસ્ટ પાર્ટી બનાવી. જ્યોર્જ ફર્નાન્ડિઝે ૧૯૬૯માં નોખો ચોકો રચીને સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી બનાવી હતી.

પાસવાને એ રીતે રાજકીય કારકિર્દીની શરૂઆત ફર્નાન્ડિઝના સાથી તરીકે કરી હતી. ૧૯૭૧માં પીએસપી ને પાસવાનની પાર્ટી પાછી ભેગી થઈ ગઈ ને સોશિયલિસ્ટ પાર્ટી બનાવી હતી. પાસવાનને ફર્નાન્ડિઝ કરતાં રાજનારાયણ સાથે વધારે ફાવતું તેથી રાજનારાયણ લોકદળમાં ગયા ત્યારે પાસવાન પણ તેમની સાથે ગયેલા. ૧૯૭૫માં કટોકટી લદાઈ ત્યારે બીજા વિપક્ષી નેતાઓની જેમ પાસવાનને પણ જેલમાં ધકેલી દેવાયેલા ને કટોકટી ઉઠવાઈ ત્યાં લગી જેલમાં જ રહેલા.

કટોકટી ઉઠાવાતાં ૧૯૭૭માં જેલમાંથી બહાર આવ્યા પછી વિપક્ષોની સંયુક્ત પાર્ટી જનતા પાર્ટીના સભ્ય બન્યા ને ૧૯૭૭માં હાજીપુર લોકસભા બેઠક પરથી પાંચ લાખ મતે જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવેલો. હાજીપુર પાસવાનનો ગઢ બની ગયેલો ને ૧૯૮૪માં ઈન્દિરાની હત્યાના સહાનુભૂતિના મોજા વખતે ભલભલા ધુરંધરો હારી ગયેલા ત્યારે પણ પાસવાન જીતી ગયેલા. પાસવાન છેક ૨૦૦૯ સુધી હાજીપુરમાંથી જીતતા રહેલા. ૨૦૦૯માં જનતા દળના રામસુંદર દાસે હરાવ્યા ત્યારે ૩૩ વર્ષમાં પહેલી વાર એ લોકસભાની ચૂંટણી હારેલા. પોતાની જિંદગીમાં પાસવાનની એ પહેલી હાર હતી.

ભારતમાં વિપક્ષો માટે રાજીવ ગાંધીના શાસનનો સમય કપરો હતો. પાસવાન લોકસભામાં જીતેલા પણ વિપક્ષોનું ભાવિ ધૂંધળું લાગતું હતું. વિપક્ષોના સદનસીબે રાજીવ ગાંધીએ ઘણી ભૂલો કરી તેમાં વિપક્ષોને ફરી બેઠા થવાની તક મળી ગઈ. પાસવાન સમજદાર હતા તેથી સમજી ગયા કે હવે સમાજવાદી વિચારધારાનું પૂંછડું પકડીને ચાલવું પરવડે તેમ નથી તેથી ૧૯૯૦ના દાયકાથી તેમણે જીસ કી તડ મેં લડુ ઉસ કી તડ મેં હમ એ ખેલ શરૂ કર્યો ને છેલ્લાં ૩૦ વર્ષમાંથી ૨૦ વર્ષ તો મિનિસ્ટર રહ્યા.

નીતીશ કુમાર અને જ્યોર્જ ફર્નાન્ડિઝ સહિતના સમાજવાદી નેતાઓની જેમ પાસવાને પણ બધી શરમ, બધી આભડછેટ બાજુ પર મૂકીને સત્તાને જ વહાલી ગણી એમ કહીએ તો ચાલે. લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવ જેવા સમાજવાદના નામે ચરી ખાનાર ને જયપ્રકાશ નારાયણ તથા રામમનોહર લોહિયાનું નામ વટાવીનારા નેતાઓ સત્તામાં બેસી ગયા ને પોતાના જેવા વરસોથી તળિયાં તપાવનારા બાજુ પર રહી ગયા એ વસવસો પણ તેના માટે કારણભૂત હતો પણ પાસવાન કે બીજા નેતાઓએ જે કર્યું તે ખોટું નહોતું. આ કારણે પાસવાનને ઘણા તકવાદી પણ ગણાવે છે તો ઘણા તેને પાસવાનની રાજકીય સૂઝબૂઝ ગણાવી વખાણ પણ કરે છે. તુંડે તુંડે મતિર્ભિન્ના પણ પાસવાન ટક્યા તેનું કારણ એ ફેરફાર હતો. બાકી એ ક્યાનારય પતી ગયા હોત. સમાજવાદી વિચારધારાના ભ્રમમાંથી બહાર આવ્યા ને સત્તા તરફ વળવાની શરૂઆત કરી તેમાં પાસવાનનું રાજકીય અસ્તિત્વ ટક્યું એમ કહીએ તો ચાલે.

પાસવાને તેમના તકવાદ કે રાજકીય સૂઝબૂઝના જે ચમકારા બતાવ્યા એવા ચમકારા બીજા કોઈ નેતાએ બતાવ્યા નથી. થોડાંક ઉદાહરણ પર નજર નાખશો તો સમજાશે કે પાસવાન કેમ મૌસમ વિજ્ઞાની ગણાતા હતા. પાસવાન ત્રીજા મોરચાની સરકારમાં પ્રધાન હતા પણ ત્રીજા મોરચાનાં વળતાં પાણી થશે એવું લાગ્યું કે તરત એ વાજપેયી સાથે જોડાઈ ગયા ને છ વર્ષ પ્રધાન રહ્યા. ૨૦૦૪માં ભાજપને છોડીને કોંગ્રેસ સાથે જોડાયા ને બીજાં પાંચ વર્ષ પ્રધાન રહ્યા. ૨૦૦૯ની લોકસભા ચૂંટણી પહેલાં લાલુપ્રસાદ સાથે જોડાણ કરીને કોંગ્રેસને કોરાણે મૂકી દીધેલી. કોંગ્રેસે તેનો બદલો પાસવાનને હાજીપુરમાં હરાવીને લીધો. પાસવાને રાજકીય પવનને સમજવામાં થાપ ખાધી હોય એવું પહેલી વાર બન્યું પણ પાસવાને બહુ જલદી એ સ્વીકારીને ૨૦૧૦માં નીતીશની પંગતમાં બેસીને પોતાની પાર્ટીની સત્તામાં વાપસી કરાવી દીધી. જેડીયુ-ભાજપનું જોડાણ હતું તેથી એ એનડીએમાં આવી ગયા ને મોદી વડા પ્રધાન બન્યા એટલે પાછા પ્રધાન બની ગયા.

પાસવાનને ઘણા દલિતોના મસિહા નેતા ગણાવે છે પણ પાસવાનનું રાજકારણ દલિતો પૂરતું મર્યાદિત કદી ના રહ્યું. માયાવતી કે કાંશીરામની જેમ તેમના પર કદી એ સિક્કો ના વાગ્યો. પાસવાન હંમેશાં મુખ્ય પ્રવાહમાં જ રહ્યા ને કદી કોઈ ચોક્કસ જ્ઞાતિ કે બીજા દાયરામાં ના બંધાયા. જો કે મુલાયમસિંહ ને લાલુપ્રસાદ જેવા સમાજવાદી નેતાઓની જેમ તેમણે પણ સમાજવાદની વાતો કરીને વંશવાદને ચોક્કસ પોષ્યો. તેમના ભાઈઓ પશુપતિનાશ પારસ, રામચંદ્ર પાસવાનને પાસવાને સાંસદ બનાવેલા. તેમનો રાજકીય વારસો પણ તેમણે દીકરા ચિરાગ પાસવાનને સોંપ્યો છે ને અત્યારે એ જ એલજેપીનો કર્તાહર્તા છે. પાસવાનનો ભત્રીજો પ્રિન્સ પાસવાન પણ સાંસદ છે. અત્યારે એલજેપીના છ સાંસદમાંથી ત્રણ સાંસદ તો પાસવન પરિવારમાંથી જ છે. જો કે સામે એ પણ છે કે, પાસવાન વરસો લગી કેન્દ્રમાં પ્રધાન રહ્યા છતાં કોઈ કૌભાંડ કે ગોબાચારીમાં તેમનું નામ નથી આવ્યું. લાલુ કે મુલાયમની જેમ એ ભ્રષ્ટાચારમાં નથી ખરડાયા એ કબૂલવું પડે. પાસવાનની વિદાયથી દેશના રાજકારણને કોઈ મોટી ખોટ ભલે નથી પડવાની કેમ કે તેમનું વિશિષ્ટ કોઈ યોગદાન નહોતું પણ એક સારો રાજકારણી ચોક્કસ ઓછો થયો.