પીએમ મોદીએ નવાઝ શરીફના માતાના નિધન પર ચિઠ્ઠી લખી સંવેદના વ્યકત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના માતાના નિધન પર ચિઠ્ઠી લખીને સંવેદના વ્યકત કરી હતી. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટસના મતે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇકમિશને આ પત્ર નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝને સોંપ્યો હતો. આપને જણાવી દઇએ કે આ વર્ષે ૨૨ નવેમ્બરના રોજ નવાઝ શરીફની માતા બેગમ શમીમ અખ્તર નું નિધન થયું હતું.
કહેવાય છે કે પીએમ મોદીએ ૨૦૧૫માં રાવલિંપડીમાં નવાઝ શરીફના માતાની મુલાકાત કરી હતી. પીએમે લખ્યું હતું કે તેઓ તેમની સાદગીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. શોક સંદેશા સાથે જોડાયેલા બે પત્ર સામે આવ્યા છે, જે ૧૧ ડિસેમ્બર અને ૨૭ નવેમ્બરના રોજ લખાયો હતો. ૨૭ નવેમ્બરના રોજ લખેલો પત્ર પીએમ મોદીનો છે જે નવાઝ શરીફના નામે હતો.
જ્યારે ૧૧ ડિસેમ્બરના રોજ લખેલો પત્ર ભારતીય રાજદૂત ગૌરવ આહલુવાલિયા એ મરિયમ નવાઝના નામે લખ્યો હતો. આપને જણાવી દઇએ કે નવાઝ શરીફના માતાનું નિધન ૨૨ નવેમ્બરના રોજ લંડનમાં થયું હતું. આ દરમ્યાન શરીફ ખાનદાનના લોકો સિવાય તમામ વ્યક્તિઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પરંતુ ખુદ નવાઝ શરીફ પોતાની માતાના જનાજામાં સામેલ થઇ શકયા નહોતા.