અમરેલી,સતત બે દિવસથી ડીઆરઆઇ અને ગુજરાત એટીએસ દ્વારા રાજુલાના પીપાવાવ પોર્ટ ઉપર ચાલી રહેલા ઓપરેશન દરમિયાન એક કન્ટેનરમાંથી રૂપિયા 450 કરોડનું હેરોઇન ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે બે દિવસ પહેલા પીપાવાવ પોર્ટના કોન્ટ્રાસ લોજીસ્ટીકમાં પાંચેક મહિનાથી પડેલા કન્ટેનરમાં ડ્રગ્સ હોવાથી બાતમી મળતા ડીઆરઆઇ અને ગુજરાત એટીએસએ સંયુકત રેડ કરી હતી અને ચારથી પાંચ મહીના પહેલા ઉતરેલા કન્ટેનરની ચકાસણી કરી ભારતમાં ડ્રગ્સ ઠાલવવાની નવી ટેકનીકનો પર્દાફાશ કર્યો છે પોર્ટ ઉપર વિદેશથી આવેલા 10 હજાર કીલો વજનનાં કન્ટેનરમાં રહેલા 100 બેગ પૈકી 4 બેગ શંકાસ્પદ જણાતા એફએસએલની મદદથી એ સુતળીના ચાર બેગ જેમનો વજન 395 કીલો હતો તેને ચકાસતા તેની ઉપર હેરોઇનની હાજરી મળી આવી હતી યાર્ન એટલે કે (સુતળી) ઉપર હેરોઇન લગાવી ઘુસાડયું હતુ આ 450 કરોડની કિમતના 80થી 90 કીલો હેરોઇનને સીઝ કરવામાં આવ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે તા.22-4-2022 ના અવધ ટાઇમ્સના અંકમાં અમરેલી જિલ્લામાં પણ દરિયા કાંઠો હોય અને ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહયુ હોય તે મામલે અમરેલીના એસપીશ્રી હિમકરસિંહનો સંપર્ક કરી જાણ કરતા તેમણે પોલીસ સતર્ક હોવાનું જણાવી અને લેન્ડીંગ પોઇન્ટો ઉપર પણ પોલીસની બાજ નજર હોવાનું જણાવ્યુ હતુ.રેઢા લેન્ડીંગ પોઇન્ટો ઉપર પોલીસ, કોસ્ટગાર્ડનું ધ્યાન હતુ પરંતુ સતાવાર રીતે જે વસ્તુઓ દેશમાં આવતી હોય તેમાં ડ્રગ્સ ઘુસાડવાની નવી ટેકનીક અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટ ઉપર મોકલેલા ડ્રગ્સના જથ્થામાં અજમાવાઇ હતી પરંતુ સદનસીબે ડીઆરઆઇ અને એટીએસએ આ સીન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે.