પીપાવાવ ભાવનગર રેલ્વે સેક્શનમાં ઇન્સપેક્શન

પીપાવાવ,
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે ભાવનગર મંડળના પીપાવાવ-ભાવનગર સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ હાથ ધર્યું હતું. તેમણે પીપાવાવ ખાતે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. નિરીક્ષણમાં, તેમણે આ સેક્શનમાં આવતા રેલવે ક્રોસિંગ્સ, મોટા અને નાના પુલ, ટ્રેકમેન ટીમ, પોઇન્ટ અને ક્રોસિંગ્સ, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ, ટ્રેક વળાંકો જેવા તકનીકી પાસાઓનું નજીકથી નિરીક્ષણ કર્યું. શ્રી કંસલે લીલીયા મોટા, ધોલા, સોનગઢ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું.
આ દરમિયાન શ્રી કંસલ, ધોળા સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતા ગુડ વર્ક અને રાજભાષા એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. ધોલા અને સોનગઢ ખાતે રેલવે કોલોની પણ જોઇ હતી અને ત્યાં રહેતા રેલવે કામદારોના પરિવારજનો સાથે ચર્ચા કરી હતી. અહીં તેમણે હેલ્થ યુનિટ, ઓનલાઇન ટ્રેનિંગ સેન્ટરની પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, 120 કિમી પ્રતિ કલાક ની ઝડપે મંડળના ધોલા અને સોનગઢ સ્ટેશનો વચ્ચે સ્પીડ ટ્રાયલ પણ કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા સોનગઢ સ્ટેશન પર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું. ભાવનગર પરા ખાતે રેલવે સંગ્રહાલયના વિસ્તરણનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન શ્રી કંસલ રેલવે સલાહકાર સમિતિના સભ્યો, માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયન, એસોસિએશનો, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રતિષ્ઠિત નાગરિકોને મળ્યા અને મેમોરેન્ડમ સ્વીકાર્યું. તેમણે શ્રી નારણભાઇ કાછડિયા (માનનીય સાંસદ-અમરેલી) અને શ્રીમતી ડો.ભારતીબેન ડી. શિયાલ (માનનીયા સાંસદ-ભાવનગર) સાથે પણ બેઠક યોજી હતી.
આ વાર્ષિક નિરીક્ષણ દરમિયાન શ્રી કંસલ સાથે મુખ્ય મથકના વિવિધ વિભાગોના અધિકારીયો, ભાવનગર ડીવિજન રેલવે મેનેજર શ્રી પ્રતીક ગોસ્વામી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમ માશૂક અહમદ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક ભાવનગર પરા દ્વારા જણાવાયું છે.