પુલવામા હુમલાની હકીકત ફરી છતી થતા ભાજપ ફરી કોંગ્રેસ પર ખિન્ન છે

આખા દેશને હચમચાવી નાંખનારા લગભગ દોઢેક વર્ષ પહેલાં થયેલા પુલવામા હુમલાને મુદ્દે પાછી ધમાધમી શરૂ થઈ છે. પુલવામા હુમલાની વરસી પર રાહુલ ગાંધી સહિતના કૉંગ્રેસી નેતાઓએ આ હુમલો મોદી સરકારનો જ કારસો હોવાનો આડકતરો આક્ષેપ કરેલો. એ વખતે પણ આ મુદ્દે જોરદાર ધમાલ થયેલી પણ કોરોનાની લ્હાયમાં બધું ભૂલાઈ ગયેલું. હવે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રધાન ફવાદ ચૌધરીએ પાકિસ્તાનની સંસદમાં પુલવામા હુમલો પાકિસ્તાને કરાવેલો એવું કબૂલતાં ફરી પાછી ધમાલ શરૂ થઈ છે. ચૌધરીએ લવારો કર્યો છે કે, હમને હિંદુસ્તાન કો ઘૂસ કે મારા હૈ.

ચૌધરીના બકવાસની વાત પછી કરીશું પણ પહેલાં ચૌધરીએ કરેલા લવારાના મૂળમાં બીજા એક પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકે કરેલું નિવેદન છે. પાકિસ્તાને ઈન્ડિયન એરફોર્સના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડ્યો એ વખતની ઘટનાને સાદિકે યાદ કરી છે. સાદિકે કહ્યું છે કે, ભારત અભિનંદનને છોડાવવા માટે હુમલો કરી દેશે એ વિચારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીના ટાંટિયા ધ્રૂજવા માંડેલા. પાકિસ્તાનમાં આ મુદ્દે હોહા થઈ ને સંસદમાં વિપક્ષોએ ઈમરાન સરકારના માથે માછલાં ધોવા માંડ્યાં એટલે ચૌધરીએ ડંફાશ મારી કે, પાકિસ્તાને ભારતને ઘરમાં ઘૂસીને માર્યું છે એ ઈમરાન ખાન સરકારની મોટી સફળતા છે.

ચૌધરીએ જે વાત કરી છે એ મોટી છે ને પહેલી વાર પાકિસ્તાનની સરકારે સંસદમાં કબૂલ્યું છે કે, ભારતમાં થયેલો આતંકવાદી હુમલો તેણે કરાવ્યો હતો. ભારતમાં ઘરમાં ઘૂસીને મારવાની પાકિસ્તાનની હૈસિયત નથી એટલે તો દગાબાજીથી આતંકવાદીઓની મદદથી પાકિસ્તાન પરોક્ષ યુદ્ધ લડે છે. પાકિસ્તાનના પીઠ્ઠુ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના ઈશારે જ આતંકવાદ ફેલાવે છે પણ આ આતંકવાદીઓ પોતાના પાલતુ છે એવું ખુલ્લેઆમ સ્વીકારાવાની પાકિસ્તાનની તાકાત નથી. ભારત વરસોથી કહ્યા કરે છે કે ભારતમાં થતા આતંકવાદી હુમલાઓ પાછળ પાકિસ્તાન છે પણ પાકિસ્તાન નામક્કર જતું હતું. ચૌધરીએ ફાંકો મારવાના ઉત્સાહમાં વટાણા વેરી દીધા તેથી મોદી સરકારે આ મુદ્દે પાકિસ્તાનને ઘેરવાનો કાર્યક્રમ પૂરજોશમાં શરૂ કરી દીધો છે.

સાથે સાથે કૉંગ્રેસ સાથેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પણ ભાજપના નેતા મેદાનમાં આવી ગયા છે. કૉંગ્રેસે આ હુમલાનો મોદી સરકારનો કારસો ગણાવેલો ને એ માટે કૉંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ. ભાજપની વાત સાવ સાચી છે કેમ કે પુલવામા હુમલાને મુદ્દે કૉંગ્રેસે રીતસર હલકટાઈ જ બતાવેલી. પુલવામામાં 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે પાકિસ્તાનના પ્યાદા જેવાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં સીઆરપીએફના 39 જવાનો શહીદ થઈ ગયેલા. વેલેન્ટાઈન ડેના દિવસે આપણા જવાનો પર થયેલો આ હુમલો ભારતીય લશ્કર પર થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. આપણી સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનોનો કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો ત્યારે આતંકવાદીઓ તેમને ઉડાવી દેવા માટે ટાંપીને બેઠા હતા.

પુલવામા પાસેના અવંતીપુરા ગામ પાસે આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલી કાર મૂકી રાખેલી. આપણા જવાનોએ દૂરથી આ કાર જોઈ પણ તેમાં તેમને કશું શંકાસ્પદ ન લાગ્યું એટલે આખો કાફલો આગળ વધ્યો. આ કાફલામાં વીસેક વાહનો હતાં ને હજાર જેટલા જવાનો હતા. આપણા જવાનોનાં વાહનો કાર પાસે આવ્યાં કે તરત જ કારમાં છુપાઈને બેઠેલા આતંકવાદીએ કારને જવાનોની બસમાં ઘૂસાડીને આત્મઘાતી હુમલો કરી દીધો. કારમાં વિસ્ફોટકો ઠાંસી ઠાંસીને ભરેલા હતા એટલે ભયંકર ધડાકો થયો ને બસ તથા કાર બંનેના ફૂરચેફૂરચા ઊડી ગયા. બસમાં બેઠેલા આપણા કેટલાય જવાનોના શરીરોના પણ ફૂરચેફૂરચા ઉડી ગયા. આ હુમલા વિશે કંઈ સમજણ પડે એ પહેલાં છૂપાઈને બેઠેલા આતંકવાદીઓએ બેફામ ગોળીબાર શરૂ કરીને ગ્રેનેડ ઝીંકવા માંડ્યા. આપણા જવાનો વિસ્ફોટકોના આત્મઘાતી હુમલા માટે તૈયાર નહોતા ત્યાં વળી ગોળીબાર શરૂ થયો ને ગ્રેનેડ ઝીંકાવા માંડ્યા તેથી જવાનોને મોરચો સંભાળવામાં વાર લાગી ને ત્યાં સુધીમાં બહુ મોટુ નુકસાન થઈ ગયું હતું.

સીઆરપીએફની જે બસ સાથે કાર અથડાઈ તેમાં ૫૫ જવાન હતા તેમાંથી ૩૯ જવાનો શહીદ થઈ ગયા હતા. એક જવાન પછી મરાયો ને એ રીતે આપણા ચાલીસ જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં રહીને ભારતમાં આતંકવાદ ફેલાવવા મથ્યા કરતા આતંકવાદી સરદાર મૌલાના મસૂદના સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. જૈશ-એ-મોહમ્મદે હુમલો કરનારા આતંકવાદીનું નામ અને તસવીર પણ બહાર પાડી હતી. આ આતંકવાદીનું નામ આદિલ અહમદ ઉર્ફે વકાર હોવાનો દાવો આ સંગઠને કર્યો હતો. ભારતે આ હુમલાના બાર દિવસ પછી 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. બાલાકોટના આતંકવાદી કેમ્પોનો આપણા એરફોર્સે ખુરદો બોલાવીને સપાટ મેદાન કરી નાંખેલું ને લગભગ 350 આતંકવાદીઓની લોથ ઢાળી દીધી હતી.

લોકસભાની 2019ની ચૂંટણીના ત્રણેક મહિના પહેલાં જ પુલવામા હુમલો ને તેના જવાબમાં સર્જિકલ સ્ટ્રાઈક થઈ તેથી ભારતીયો મોદી સાહેબ પર ઓળઘોળ થઈ ગયેલા. ભાજપને લોકસભામાં ફરી સ્પષ્ટ બહુમતી મળી તેમાં સર્જિકલ સ્ટ્રાઈકના કારણે ઉભી થયેલી મોદીની મર્દાના ઈમેજનું યોગદાન મોટું હતું. એ વખતે લોકસભાની ચૂંટણી હતી તેથી કોંગ્રેસે કોઈ વાંધો નહોતો લીધો પણ મોદી જીતી ગયા પછી કોંગ્રેસને પેટમાં દુ:ખાવો શરૂ થયો. સર્જિકલ સ્ટ્રાઈકના જોરે મોદી પાછા પાંચ વર્ષ માટે ગાદી પર બેસી ગયા તેની હતાશામાં કૉંગ્રેસે પુલવામા એટેક સામે જ સવાલો ઉઠાવવા માંડેલા. આ વરસના ફેબ્રુઆરીમાં પુલવામા હુમલાની પહેલી વરસી વખતે રાહુલ ગાંધીએ પુલવામા હુમલાના કારણે સૌથી વધારે ફાયદો કોને થયો એવો મમરો મૂકીને ત્રણ સવાલ કરેલા. આ સવાલ દ્વારા રાહુલે આડકતરી રીતે મોદી સરકારે જ આ ત્રાગડો રચેલો એવો આક્ષેપ મૂકીને આ મુદ્દે વાહિયાત રાજકારણ શરૂ કર્યું.

કૉંગ્રેસમાં રાહુલ ગાંધી માઈ-બાપ છે ને એ કંઈ પણ કહે એટલે બુદ્ધિ ચલાવ્યા વિના મચી પડવું એ સિદ્ધાંતમાં કૉંગ્રેસીઓ માને છે તેથી રાહુલે તબલાં પર થાપ મારી એ સાતે જ તેમના તંબૂરિયા ને મંજીરિયા ભગતો ને કોરસવાળા બધા ચાલુ થઈ ગયેલા. રાહુલના પ્રથમ કક્ષાના ચમચાઓમાં એક બી.કે. હરિપ્રસાદે તો મોદી અને ઈમરાનખાન સરકાર વચ્ચે મેચ ફિક્સિંગ થયેલું છે એવી વાહિયાત વાત પણ કરેલી. કૉંગ્રેસના બીજા નેતાઓએ પણ રાહુલની ચાપલૂસી કરવા માટે યથા મતિ ને યથા શક્તિ નિવેદનો ફટકારેલાં. આ બધાં નિવેદનોનો સાર એ હતો કે, મોદી સરકારે લોકસભાની ચૂંટણીમાં પોતાને ફાયદો કરાવવા માટે જ પુલવામા હુમલાનો કારસો કરીને આપણા 39 જવાનોને શહીદ કરી નાખેલા. પાકિસ્તાનના પ્રધાને જે કંઈ કહ્યું એ તો હમણાં બહાર આવ્યું. માનો કે ફવાદે આ બકવાસ ન કર્યો હોત તો પણ કૉંગ્રેસે કરેલી હરકત શરમજનક હતી તેમાં શંકા નથી.

કોંગ્રેસે સૌથી પહેલાં તો આતંકવાદને મુદ્દે રાજકારણ રમીને હલકી માનસિકતા બતાવેલી. આતંકવાદનો મુદ્દો દેશ સામેનો સૌથી મોટો પડકાર છે ને તેની સામે આખા દેશે એક થઈને લડવાનું હોય. તેનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરવાનો ના હોય. સૌથી મોટી હલકટાઈ તો આ હુમલા માટે દુશ્મનને દોષિત ગણવાના બદલે પોતાની જ સરકારને દોષિત ગણવાની કહેવાય. કૉંગ્રેસના શાસનમાં સંખ્યાબંધ આતંકવાદી હુમલા થયેલા. આ હુમલાઓમાં ઘણા હુમલા એવા હતા કે જે કોણે કરાવ્યા તેના પુરાવા જ નહોતા. પાકિસ્તાનમાં રહેલાં આતંકવાદી સંગઠનોએ પણ તેની જવાબદારી ન સ્વીકારી હોય એવું બનતું. એ વખતે પણ કોઈએ કૉંગ્રેસ સામે કે તેની સરકાર સામે શંકા નહોતી કરી. કૉંગ્રેસે એ શંકા કરીને બધી મર્યાદા વટાવી દીધી હતી. શરમજનક વાત એ કહેવાય કે કૉંગ્રેસના નેતાઓ કોઈ પણ પ્રકારના પુરાવા વિના આ લવારા કરતા હતા. આતંકવાદી હુમલાને રોકવામા મોદી સરકારની નિષ્ફળતા માટે તમે તેની ટીકા કરો એ હજુ ચાલે પણ કોઈ પણ બકવાસ વિના તેણે હુમલો કરાવ્યો એવી વાત કઈ રીતે કરી શકાય એ જ સમજની બહાર છે.

કૉંગ્રેસના નેતાઓનું વર્તન એ રીતે અક્ષમ્ય હતું ને તેમણે એ માટે માફી માગવી જ જોઈએ. ફવાદ ચૌધરીએ બકવાસ કર્યા હોય તો પણ આ દેશની સરકાર પર પુરાવા વિના આક્ષેપો કરવા બદલ કૉંગ્રેસે માફી માગવી જોઈએ. રાહુલે જે સવાલ ઉઠાવેલા તેની પણ વાત કરી લઈએ. પુલવામા હુમલાને કારણે ભાજપને સૌથી વધારે ફાયદો થયેલો કેમ કે ભાજપની મોદી સરકારે આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. કૉંગ્રેસે તેના શાસનમાં એવી મર્દાનગી બતાવી હોત તો તેને પણ તેનો ફાયદો મળ્યો હોત. કોંગ્રેસના શાસનમાં પણ સંખ્યાબંધ આતંકવાદી હુમલા થયેલા. બલ્કે પુલવામા હુમલા કરતાં પણ વધારે ભીષણ આતંકવાદી હુમલા થયા હતા. કૉંગ્રેસ પાસે એ વખતે પાકિસ્તાનને પાકિસ્તાનમાં ઘૂસીને મારવાની તક હતી જ પણ કૉંગ્રેસ એવી મર્દાનગી ન બતાવી શકી એ ભાજપનો વાંક નથી.