પુ.મોરારી બાપુની માનસ કથામાં મુખ્ય મંત્રી શ્રી આદિત્યનાથજીની ઉપસ્થિતિ

રાજુલા,
ઉત્તરપ્રદેશનાં પરમ પવિત્ર તીર્થ સ્થાન કુશીનગર કે જ્યાં ભગવાન બુદ્ધ મહા પરિનિર્વાણ પામ્યા હતા – તલગાજરડી વૈશ્વિક વ્યાસપીઠ દ્વારા પૂજ્ય મોરારીબાપુનાં શ્રીમુખેથી “માનસ-નિર્વાણ” વિષયને કેન્દ્રમાં રાખીને કથાગાન આરંભાયું છે. કથાના આજના પાંચમા દિવસે, ઉત્તર પ્રદેશના માનનીય મુખ્ય મંત્રી શ્રી આદિત્યનાથ યોગીજીએ વ્યાસપીઠની વંદના કરી, કોરોનાના આ કપરા કાળમાં પૂજ્ય મોરારીબાપુ દ્વારા આ નિર્વાણ તીર્થમાં થયેલી કથાના આયોજન બદલ પ્રસન્નતા વ્યક્ત કરી. એમણે કહ્યું જે ધરતીને અવતાર પુરુષ ભગવાન બુદ્ધે નિર્વાણ માટે પસંદ કરી, એવી પવિત્ર ભૂમિ પર બાપુ કથાગાન કરી રહ્યા છે, ત્યારે રામનામની સાથે અહીંના જરૂરિયાતમંદ પરિવારો માટે દાનની સરવાણી વહી રહી છે.ઉલ્લેખનીય છે કે આ કથા દરમિયાન 600 શ્રોતાઓને મંડપમાં શ્રવણ માટેની અનુમતિ હતી. પૂજ્ય બાપુની કથામાં ભંડારો – પ્રસાદ માટેની વ્યવસ્થાનો પ્રેમ ભર્યો આગ્રહ રહેતો હોય છે. કોરોના સામે સાવધાની સ્વરૂપે સાર્વજનિક અન્નપૂર્ણા ભવન-પ્રસાદ ગૃહ માટે અનુમતિ ન હતી. તેથી યજમાન શ્રી અમરભાઇ તુલસ્યાણી દ્વારા કથાના નવે દિવસો દરમિયાન દરરોજ વીસ હજાર પરિવારોનાં ઘરે પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા થઇ હતી. ઉપરાંત ગરમ વસ્ત્રો તેમજ અન્ય સ્વરૂપે સામાજિક-આર્થિક સેવા માટે જે આયોજન થઇ રહયા છે, એ બદલ યોગીજીએ આનંદ વ્યક્ત કર્યો હતો. અને ઉત્તર પ્રદેશની ધર્મભૂમિ પર બાપુને આવકારતા ધન્યતા અનુભવી હતી.યોગીજીએ અહીંના પછાત, વંચિત, દલિત અને જરૂરિયાતવાળા પરિવારોને જમીનનો ટૂકડો, પ્રત્યેક પરિવારને માટે ઘર અને મા અમૃત કાર્ડજેવી યોજનાઓ દ્વારા નિ:શૂલ્ક આરોગ્ય સુવિધા પોતાની સરકારે પહોંચાડી જનસેવાનાં કાર્યો આરંભ્યા હોવાનું જણાવ્યું હતું. રામમંદિર નિર્માણ માટેની ભૂમિકા તૈયાર થઇ ચૂકી છે એ બદલ તેમણે ગૌરવ અને આનંદની લાગણી વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે ભારતની કોરોના રસીથી ભારતીય પ્રજાને કોરોના મુક્ત બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ સાકાર થવાનો પ્રારંભ થઇ ચૂક્યો છે.છતાં આપણે હજી સાવધાની રાખવાની જરૂર છે. અહીં કથાપાંડાલમાં સહુએ માસ્ક બાંધ્યા છે એ જોઇ, તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. આપણા દેશમાં અન્ય વિકસિત દેશોની તુલનાએ કોરોના પર ઝડપથી કાબુ મેળવ્યો છે. હવે રસી આવતા કોરોનાથી મુક્તિ મળવા બાબતે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિશ્વના અન્ય દેશો પણ આપણી વેક્સિન પર ભરોસો કરે છે.બ્રાઝીલના વડાપ્રધાને તો ભારતમાંથી શ્રી હનુમાનજી સંજીવની લઇને આવ્યા હોવાનું વિધાન કરીને આપણાં રાષ્ટ્રનું ગૌરવ ગાન કર્યું છે. કથાના અંતે શ્રી રામાયણજીની આરતી બાદ યોગીજીએ પૂજ્ય બાપુની સાથે જ પ્રસ્થાન કર્યું હતું.