પૂરના પાણીમાં મગરો ખેતરોમાં ઘૂસી આવતા ખેડૂતોમાં ભયનો માહોલ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવાને કારણે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી ૩૫ ફૂટે પહોંચીને ફરી ઘટીને ૩૧ ફૂટ થઇ છે. જોકે નર્મદા નદીમાં પૂરને પગલે મગરો હવે ખેતરોમાં ઘૂસી આવ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના નાનાસાંજા ગામના ખેતરમાં પૂરના પાણીમાં મગર ખેંચાઇ આવ્યો છે. જેને પગલે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહૃાો છે. ગુજરાતમાંથી પસાર થતી નર્મદા નદીમાં અંદાજે ૮૦૦ જેટલા મગરો વસવાટ કરે છે.
નર્મદામાં આવેલા ઘોડાપૂરને પગલે નદીના પાણી ઝઘડિયા પંથકના ખેતરોમાં ફરી વળ્યા છે. જેથી નર્મદાના પાણીમાં હવે મગરો પણ ખેંચાઇને આવી રહૃાા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના નાનાસાંજા ગામમાં એક મગર દૃેખાયો હતો. જેને ખેડૂતોએ કેમેરામાં કેદ કર્યો હતો. જોકે નર્મદા નદીના મગરો હવે ખેતરોમાં ઘૂસી આવતા ખેતરો પોતાના ખેતરમાં જતા પણ ડરી રહૃાા છે અને આ મગરો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે તેવી પણ દહેશત સેવાઇ રહી છે.
નર્મદા નદીના રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે અનુકુળ આશ્રયસ્થાન બન્યા
નર્મદા નદીમાં મગરની સંખ્યામાં દિન-પ્રતિદિન સતત વધી જ રહી છે. જેને કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકો ભયના ઓથાર નીચે જીવી રહૃાા છે. નર્મદા ડેમ સતત ઓવરફલો થતાં મોટી સંખ્યામાં મગરો નર્મદા નદીમાં ખેંચાઇ આવ્યા છે. નર્મદા નદીના રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે અનુકુળ આશ્રયસ્થાન બની ગયા છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગરોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહૃાો છે.