પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સોમવાર બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. પ્રણવ મુખર્જીએ ટ્વિટમાં લખ્યું કે, હૉસ્પિટલ અન્ય તપાસ માટે ગયો હતો જ્યાં મારો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ગયા એક સપ્તાહમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, હું તેમને અપીલ કરું છું કે તેઓ તમામ ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઈ જાય.

નોંધનીય છે કે, પ્રણવ મુખર્જીની ઉંમર ૮૪ વર્ષ છે, એવામાં વધતી ઉંમરના કારણે પણ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા પ્રણવ મુખર્જી ૨૦૧૨થી ૨૦૧૭ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ રહૃાા છે. વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯નું સંક્રમણ દેશમાં ઘણું ઝડપથી ફેલાઈ રહૃાું છે અને અત્યાર સુધીમાં અનેક વીઆઈપી પણ તેની ઝપટમાં આવી ચૂક્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત અનેક નેતા કોરોના વાયરસના ઝપટમાં આવી ચૂક્યા છે.