પૂ.મોરારીબાપુ તરફથી નવાં વર્ષની ભેટ : વૃંદાવનમાં થશે કથાગાન

  • માનસ જગદંબાનું ગાન કર્યા પછી પહાડોની રાણી મસુરીમાં માનસ વાલ્મીકીય 

રાજુલા,પૂરાણ પ્રસિદ્ધ સિદ્ધક્ષેત્ર ગિરનાર પર્વત ઉપર 849 મી રામકથા “માનસ જગંદબા” નું ગાન કર્યા પછી પહાડોની રાણી મસૂરી પર 850 મી કથા “માનસ વાલ્મીકીય” થી વ્યાસપીઠ સુક્ષ્મમાંથી પૂન: વિશાળ બની. પ્રશાસનનાં તમામ નીતિ નિયમોનાં ચૂસ્ત પાલન સાથે તલગાજરડી વ્યાસપીઠ હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની લીલા ભૂમિ વૃંદાવનનાં પરમ પાવન સ્થાન- રમણરેતીમાં 19 નવેમ્બરથી 851 મી રામકથાનો શુભારંભ કરશે.ઉલ્લેખનીય છે કે આ કથા નવાન્હ નહીં, પણ 11 દિવસીય હશે.પૂજ્ય સ્વામી કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં 19 નવેમ્બરથી 29 નવેમબર સુધી યોજાનારી આ રામકથામાં ઉત્તર પ્રદેશ સરકારના કોવિડ-19 સંબંધિત દિશા-નિર્દેશોનું સખ્તાઇથી પાલન કરવામાં આવશે. શ્રોતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં, સીમિત સંખ્યામાં જ શ્રોતાઓને કથામાં સામેલ થવાની મંજૂરી રહેશે. કથામાં સમાવિષ્ટ થનાર શ્રોતાઓને યજમાન શ્રી તરફથી સૂચિત કરી દેવામાં આવશે. કોઇએ આ અંગે વ્યક્તિગત પૂછપરછ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રી ઉદાસીન કાર્ષ્ણિ આશ્રમ, શ્રી રમણરેતી ધામ, મહાવન (ગોખુલ), મથુરાથી રામકથાનું સીધું પ્રસારણ કરવામાં આવશે, જેથી દેશ અને દુનિયાના 170 રાષ્ટ્રમાં વસતા શ્રોતાઓ આસ્થા ટીવી કે યુ ટ્યૂબ નાં માધ્યમથી શ્રવણ લાભ લઇ શકશે.