પૂ. શ્રી મોરારીબાપુના વ્યાસાસને તુલસી શ્યામમાં શ્રી રામકથાની પુર્ણાહુતિ કરાઇ

  • તુલસીશ્યામ ટ્રસ્ટના શ્રી પ્રતાપભાઇ વરૂ અને ટ્રસ્ટીઓ તથા સમગ્ર બાબરીયાવાડ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઇ

રાજુલા,
પૂજ્ય મોરારીબાપુએ બાબરિયાધારનાં પ્રસિદ્ધ તીર્થધામમાં ભગવાન તુલસીશ્યામનાં સાનિધ્યમાં માં રુક્મિણી સન્મુખ ગવાતી રામકથાનું આજે સમાપન થયું.કથાના પ્રારંભે અલૌકિક- આધ્યાત્મિક- અજબ વાઇબ્રેશનથી સભર એવાં પરમ રમ્ય વાતાવરણમાં માં રુક્મિણીની ગોદમાં, આ સ્થાનમાં સમાધિસ્થ દિવ્ય ચેતનાઓને પ્રણામ પાઠવીને પૂજ્ય બાપુએ વૈશ્વિક વ્યાસ વાટિકાના તમામ ફ્લાવર્સ અને અન્ય સહુને વંદન કર્યાં.કથાના ક્રમમાં ભૂસંડી રામાયણના આધારે રામાયણના બાકીના પ્રસંગોનું સંક્ષેપમાં વર્ણન કરીને પૂજ્ય બાપુએ રામ કથાને વિરામ આપ્યો.પંચવટીમાં ભગવાન રામ, લક્ષ્મણજીને ઉપદેશ આપે છે. એ સંદર્ભમાં પૂજ્ય બાપુએ જણાવ્યું કે પોતાનાથી નાના હોય, એને ઉપદેશ અને આદેશ આપી શકાય. પરંતુ સમવયસ્કને ઉપદેશ કે આદેશ ન અપાય, સંદેશ અપાય.અયોધ્યા છોડી વનવાસમાં જતાં પહેલાં ભગવાન રામજી, લક્ષ્મણજીને અયોધ્યામાં જ રોકાઇને માતા-પિતા તેમજ પ્રજાની સેવા કરવા જણાવ્યું. ત્યારે લક્ષ્મણજી તેમને કહે છે કે- “ભગવાન, હું તો આપનું બાળક છું. મારા માત-તાત અને સર્વસ્વ આપ છો. આપ જો મારી પાસે હો, તો અનંતકોટી બ્રહ્માંડને પણ હું ઉપાડી શકું છું. પણ આપ દૂર હો, તો એક તણખલું પણ ન ઉપાડી શકું. પૂજ્ય બાપુએ કહ્યું કે અહીં ભગવાનનાં સામિપ્યનું સુંદર મહિમાગાન છે.ચિત્રકૂટના પ્રસંગને યાદ કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે જ્યારે ભરતજી ચતુરંગિણી સેના સાથે ભગવાન રામને મળવા ચિત્રકૂટ જાય છે , ત્યારે એનાં આગમનના સમાચારથી રામજીને નવ પ્રકારની ચિંતા થાય છે. ભગવાન રામનાં હૃદયનું દુ:ખ જોઈને લક્ષ્મણજી ઉગ્ર બને છે.અને ભરતની નિયત પર શંકા કરતા, આક્રોશ વ્યક્ત કરે છે. ભરત અને શત્રુઘ્નને મારી નાખવા સુધીની વાત બોલી નાખે છે. ઠાકોરજીથી ભરત વિરુદ્ધ બોલાતા વાક્યો સહન થતા નથી. પરંતુ તેઓ લક્ષ્મણજીને ઠપકો ય આપી શકતા નથી. પણ એટલું જ કહે છે કે – લક્ષ્મણ, તું બહુ સારું બોલ્યો. રાજમદ ભલભલાને વિચલિત કરી નાખે છે. પણ ભરતને કદી રાજમદ હોઈ ન શકે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પદ મળી જાય, તો પણ ભરતને રાજમદ ન જ આવે. ભરત જેવો ભલો આદમી બીજો કોઈ જોયો નથી કે સાંભળ્યો નથી.” રામ કહે છે કે – “જે કંઈક ઘટના ઘટી છે એમાં – હે લક્ષ્મણ! હું પણ દોષી છું, તું પણ દોષી છે, પિતા દોષી છે, માતા કૈકઇ દોષી છે અને ગુરુદેવ વશિષ્ઠ પણ દોષી છે! રામ કથાકાર જગતગુરુ રામભદ્રાચાર્યનાં ચિંતનનું સ્મરણ કરતાં પૂજ્ય બાપુએ કહ્યું કે-“પ્રગાઢ અંધારું ક્યારેક સૂરજને ઢાંકી દે છે. લક્ષ્મણ રૂપી સૂરજ ગેરસમજ રૂપી અંધકારથી ઢંકાઈ ગયો છે. રામ કહે છે કે તે પોતે ગગનસદૃશ છે. પરંતુ ક્યારેક ગાઢ વાદળ, મૂળ આકાશને દેખાવા દેતું નથી.
રામને દુ:ખ છે કે પોતે લક્ષ્મણજીને બોલતા નહીં અટકાવીને ભરત જેવા સંતની નિંદા સાંભળવાનો અપરાધ કર્યો છે તેથી પોતે દોષી છે. રામસુખ સામે કામસુખને પ્રાધાન્ય આપનારા પિતા દશરથ પણ અપરાધી છે. ક્ષમા જ જે માતાનો સ્વભાવ છે, એવી માતા કૈકઇ પણ દોષિત છે. ગુરૂ વશિષ્ઠ- કે જે મેરુ પર્વત જેવા છે- તે પણ આજે મચ્છર જેવા તુચ્છ સંજોગોની ફૂંકથી ઉડી ગયા.નહિતર તેઓ શું કૈકઇને આવો અનર્થ કરતા રોકી ન શક્યા હોત?રામ કહે છે કે બધા જ ભૂલ કરી શકે, પણ ભરત કદી ભૂલ ન કરી શકે.
પૂજ્ય બાપુએ બાકીની રામકથાની કેટલી પ્રમુખ ઘટનાઓનો ઉલ્લેખ કરીને અંતે રામને રાજતીલક સાથે રામરાજ્યની સ્થાપનાથી ઉત્તરકાંડની સમાપ્તિ કરી. પૂજ્ય બાપુએ કહ્યું કે “શંકરની ભક્તિ કરે પણ રામનો દ્રોહ કરે, અથવા રામની ભક્તિ અને શંકરનો દ્રોહ કરે તેની દુર્ગતિ થાય છે. હરિ અને હરનો આ સેતુબંધ છે.”
કથાના વિરામના દિવસે “માનસ- વૃંદા” નો ઉપસંહાર કરતા બાપુએ કહ્યું કે- “માનસ સ્વયમ વૃંદા છે. તુલસીનો છોડ ઉગાડવા માટે ધરતી જોઈએ.માનસ રૂપી તુલસીની ભૂમી ભગવાન શંકરનું હૃદય છે. તુલસીનું બીજું સ્થાન છે અયોધ્યાની ભૂમિ. રામચરિતમાનસના સાતેય કાંડને જો આ આ સંદર્ભમાં જોઈએ તો- બાલકાંડ તુલસીની ભૂમિ છે. અયોધ્યાકાંડ મૂળ છે. તુલસીનાં મૂળ સુકોમળ, સૂક્ષ્મ અને માસૂમ હોય છે, એવો જ અયોધ્યાકાંડ છે. અરણ્યકાંડ થડ છે, જેની મુખ્ય દાંડી માં અનસુયા છે. કિષ્કિંધાકાંડ તુલસીનાં થડ આસપાસની નાની-નાની ડાળીઓ છે. સુંદરકાંડ તુલસીનાં પર્ણ છે-પત્ર છે. સુંદરકાંડમાં રામજીનો સંદેશ સીતાજી પાસે અને સીતાજીનો સંદેશ રામ પાસે હનુમાનજી લઈ જાય છે. લંકાકાંડ તુલસીનાં માંજર છે. કારણ કે રાવણના નિર્વાણ પછી પણ પ્રત્યેક કલ્પમાં માંજરમાંથી પૂન: તુલસી પ્રગટે છે. અને અંતે, તુલસીનાં કોમળ પર્ણ – પત્ર શાલિગ્રામને અર્પણ થાય છે, એ ઉત્તરકાંડ છે.
રામચરિતમાનસ જંગમ તુલસી છે, જેના પર રામરૂપી ભ્રમર ગુંજન કરે છે.
બાપુએ કહ્યું કે તલગાજરડી આંખોથી જોઉં છું, ત્યારે માનસનાં સાતે સોપાન મને તુલસી જણાય છે.એક શ્રોતાની જિજ્ઞાસા હતી કે- ’કથાનું શ્રવણ વધતું જાય છે પરંતુ કથાની સમજ ઘટતી જાય છે.’
તેનાં સમાધાનમાં પૂજ્ય બાપુએ કહ્યું કે “એક સમય આવે છે, જ્યારે શ્રવણ બંધ થઈ જાય અને અનહત-અનાહત નાદ રહી જાય. શ્રવણ બંધ થાય, સમજ બંધ થાય, કેવળ નાદ રહે! પછી તો નાદ પણ બંધ થઈ જશે અને કેવળ વ્યાસપીઠનું દર્શન રહેશે. માટે દુ:ખ ન અનુભવો. રામકથાની એ પણ એક ઉપલબ્ધિ છે.શ્રવણ ભક્તિમાં એક સમય એવો આવે છે, જ્યારે શ્રોતાને લાગે છે કે તે સ્વયં બોલે છે. અહીં એક અદ્વૈત સધાય છે.આખરે એવું થાય છે કે- ’ન સમજ ન શ્રવણ, ન દ્રશ્ય. શ્રોતા પણ બોલતો નથી, મહાદેવ જ બોલે છે. ગરલ કંઠ-ભગવાન શિવ-નાં અમૃત-વચનો સંભળાવા લાગે, એ શ્રોતવ્યની પૂર્ણતા છે. વક્તાઓની પણ આવી જ અનુભૂતિ હોય છે.”
આ સાથે જ હરિનામ સંકીર્તન સાથે બાપુએ નવ દિવસીય રામ કથા” માનસ-વૃંદા”ને વિરામ આપ્યો.