પૃથ્વી ગોળ છે એમ સુશાંતના કેસમાં આખરે હતા ત્યાં ને ત્યાં જેવી દશા છે

સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં અંતે બોમ્બે હાઈ કોર્ટમાંથી રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા. સુશાંતના કેસમાં બહુ ધમાધમી પછી ગયા મહિને સુશાંતની છેલ્લી ગર્લફ્રેન્ડ એવી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ થઈ હતી. સુશાંતના કેસની તપાસ સીબીઆઈ કરે છે પણ સુશાંતના મોત સાથે ડ્રગ્સનો મામલો પણ જોડાયેલો હોવાથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) પણ તપાસમાં જોડાઈ છે. એનસીબીએ પહેલાં રિયાના ભાઈ શોવિકને ઉઠાવીને અંદર નાખેલો ને અઠવાડિયા પછી રિયાને જેલભેગી કરી નાંખેલી. એ વખતે એવી વાતો ચાલેલી કે, હવે રિયાનું બોર્ડ પતી ગયું ને તેને બહાર નિકળવાનાં ફાંફાં થઈ જવાનાં. તેના બદલે માંડ મહિના દિવસ જેલમાં રહીને રિયા બહાર આવી ગઈ.

રિયાનો ભાઈ શોવિક ને તેના બીજા ગોઠિયાઓની જામીન અરજીનો હાઈ કોર્ટે ડૂચો કરી નાખ્યો છે પણ રિયાની સાથે સુશાંતસિંહ રાજપૂતને ત્યાં કામ કરતા દિપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાન્ડાને જામીન મળ્યા છે. રિયાએ પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે ને કોર્ટની મંજૂરી વિના વિદેશ નહીં જઈ શકે. એ સિવાય દસ દિન સુધી રોજ પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવા જવું પડશે એવી બધી શરતો હાઈ કોર્ટે મૂકી છે પણ આ શરતો સામાન્ય છે. લગભગ દરેક કેસમાં આ પ્રકારની શરતો સાથે જ જામીન મળતા હોય છે તેથી આ શરતો મહત્ત્વની નથી, પણ હાઈ કોર્ટે જામીન આપતી વખતે કરેલું અવલોકન ચોક્કસ મહત્વનું છે.

એનસીબીએ રિયાની ધરપકડ કરી ત્યારે એવો આરોપ મૂકેલો કે, રીયા ડ્રગ્સ સીન્ડિકેટની સક્રિય સભ્ય છે અને તેના બોયફ્રેન્ડ સુશાંતસિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદવાનાં નાણાં આપતી હતી. હાઈ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, રિયા ડ્રગ્સ સીન્ડિકેટની સક્રિય સભ્ય હતી એ વાત મોં-માથા વિનાની છે કેમ કે રિયાએ પોતાને મળેલું ડ્રગ્સ રૂપિયા કમાવવા કે બીજા કોઈ ફાયદા માટે બીજા કોઈને વેચ્યું નથી. રિયાનો કોઈ ગુનાઈત રેકોર્ડ નથી તેથી જામીન મળશે ત્યારે એ કોઈ બીજો ગુનો નહીં કરે એવું માનવાને પૂરતાં કારણ છે એવું પણ કોર્ટનું અવલોકન છે.

આ તો હાઈ કોર્ટે કરેલા અવલોકનનો ટૂંકમાં સાર કહ્યો પણ હાઈ કોર્ટે એનસીબીએ રીયા સામે જે આરોપો મૂક્યા છે એ બધાનાં રીતસર છોતરાં કાઢી નાખ્યાં છે. એનસીબીનો દાવો હતો કે, રીયા પહેલાં એવી રેકર્ડ વગાડતી હતી કે પોતે કદી ડ્રગ્સ લીધું નથી. પછી તેણે કબૂલી લીધું કે પોતે ક્યારેક ક્યારેક ડ્રગ્સ લેતી હતી ને સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરતી પણ હતી. એનસીબીનો દાવો છે કે, રીયા સુશાંતને ડ્રગ્સ આપતી હતી એ હકીકત છે ને તેના જડબેસલાક પુરાવા અમારી પાસે છે. એનસીબી જેને જડબેસલાક પુરાવા ગણાવતી હતી એ રિયાના ફોનની વૉટ્સઍપ ચેટ હતી.

આ ચેટમાં સુશાંત માટે ડ્રગ્સ લેવા થયેલી નાણાકીય લેવડદેવડની વાતો હતી. એનસીબીએ તેના આધારે રિયાના ભાઈ શોવિક તથા રિયાના બીજા સાથીઓને ફિટ કરેલા. એનસીબીએ દાવો કરેલો કે, રીયાના ભાઈ શોવિક અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા મારીજુઆના ખરીદતા હતા એવા મજબૂત પુરાવા છે ને તેનાં નાણાં રીયા આપતી હતી એવા પણ પુરાવા છે. લોકડાઉન દરમિયાન માર્ચથી જૂનના ચાર મહિના દરમિયાન સુશાંતના નોકર દિપેશ સાવંતે રિયા અને શોવિકના કહેવાથી 165 ગ્રામ મારીજુઆના લઈને સુશાંતને પહોંચાડેલું, જ્યારે સુશાંત સાથે સંકળાયેલા મનાતા બે ડ્રગ્સ સપ્લાયર પાસેથી એનસીબીએ ૫૯ ગ્રામ મારીજુઆના ઝડપ્યું હોવાનો દાવો પણ કરાયેલો.

હાઈ કોર્ટે સૌથી પહેલાં તો એ જ સવાલ કર્યો છે કે, રીયા કે સુશાંતને ત્યાંથી ડ્રગ્સ મળ્યું જ નથી ત્યારે રિયાને કઈ રીતે ડ્રગ્સની સીન્ડિકેટ સાથે જોડી શકાય? કોઈ વ્યક્તિને અપાયેલં નાણાં ડ્રગ્સ ખરીદવામાં વપરાયાં તેના કારણે નાણાં આપનારી વ્યક્તિ ડ્રગ્સની આદતને પોષે છે કે ડ્રગ્સ માટે નાણાં આપે છે એ વાત પણ હાઈ કોર્ટના ગળે ઊતરી નથી. એનસીબીએ એવી વાહિયાત દલીલ પણ કરેલી કે, સેલિબ્રિટીઝ કે રોલ મોડલ્સ અપરાધમાં પકડાય ત્યારે તેમના તરફ આકરા થવું જોઈએ કે જેથી યુવાપેઢી માટે દાખલો બેસે અને તેમને આ ગોરખધંધા કરવા માટે પ્રોત્સાહન મળે. હાઈ કોર્ટે આ દલીલને પણ હાસ્યાસ્પદ ગણાવીને કહ્યું છે કે કાયદા આગળ બધા સરખા છે તેથી મહેરબાની કરીને આવા ભેદભાવ ઊભા ના કરશો. હાઈ કોર્ટે બીજી પણ ઘણી વાતો કરી છે ને એ બધી વાતો કરી ના શકાય, પણ વાત એટલી જ છે કે હાઈ કોર્ટે એનસીબીની રિયાને ફિટ કરવા કરાયેલી દલીલોને બકવાસ અને વાહિયાત ગણાવી છે.

સુશાંતના કેસમાં એક અઠવાડિયાના ગાળામાં જ આ બીજો મોટો વળાંક આવ્યો છે. પાંચેક દિવસ પહેલાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)એ રિપોર્ટ આપેલો કે, સુશાંતે આપઘાત જ કરેલો ને તેની હત્યા થયેલી એ વાતોમાં કોઈ દમ નથી. સુશાંતના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે સૌથી પહેલાં એવું જ બહાર આવેલું કે, સુશાંતે આપઘાત કરી લીધો છે. મુંબઈની કૂપર હૉસ્પિટલે કરેલા પોસ્ટમોર્ટમમાં સુશાંતે આપઘાત કર્યો હોવાનું તારણ નિકળેલું પણ કેટલાક લોકોએ સુશાંત આપઘાત કરે જ નહીં એ વાતનું પૂછડું પકડી લીધું. કેટલીક ટીવી ચેનલો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં કેટલાંક લોકો ને રાજકારણીઓએ મુંબઈ પોલીસને ભાંડીને આ વાતને એવી ચગાવી કે સુશાંતની ખરેખર હત્યા થઈ હતી ને તેની પાછળ બહુ મોટું કાવતરું છે. આ બધી વાતો પાછળ રાજકીય સ્વાર્થ પણ હતો તેથી છેવટે સીબીઆઈને તપાસ સોંપાયેલી ને સીબીઆઈએ એઈમ્સની મદદ લીધી હતી.

મુંબઈ પોલીસ અને હૉસ્પિટલે ગોટાળા કર્યા છે એવા આક્ષેપો વચ્ચે એઈમ્સની ટીમે મુંબઈ જઈને જુદા જુદા રિપોર્ટ તપાસેલા, સુશાંતન મોતના આપઘાતના સીનને રિક્રિયેટ પણ કરેલો, ફોટા જોયેલા ને ફોરેન્સિક સેમ્પલ પણ લીધેલાં. આ બધી મહેનત પછી એઈમ્સની ટીમ એ જ તારણ પર પહોંચી છે કે જે તારણ મુંબઈની હૉસ્પિટલે આપી દીધેલું. એઈમ્સની ટીમે જાહેર કર્યું કે, સુશાંતે આપઘાત જ કરેલો ને તેની હત્યા નહોતી થઈ. એઈમ્સના મેડિકલ બોર્ડે આ તારણો માટે નક્કર કારણ આપ્યાં છે. સુશાંતના મોતનાં કારણ શોધવા માટે બનાવાયેલા એઈમ્સના મેડિકલ બોર્ડના ચેરમેન ડૉ. સુધીર ગુપ્તા હતા અનેક ચકચારી કેસોમાં કામ કરી ચૂક્યા છે. ડૉ. ગુપ્તાએ તમામ સવાલોના મુદ્દાસર જવાબ આપીને કહ્યું છે કે, સુશાંતની હત્યા નહોતી કરાઈ પણ તેણે આપઘાત જ કરેલો.

આ વાત તાજી છે ત્યાં હવે રિયાના કેસમાં એનસીબીની તપાસનાં છોતરાં કાઢી નખાયાં છે. સીબીઆઈને ન્યાય કરવા ખાતર કહેવું જોઈએ કે, સીબીઆઈએ સુશાંતની હત્યા થયેલી એવું કદી નહોતું કહ્યું. સુશાંતના મૃત્યુના કેસમાં તમામ એંગલથી તપાસ કરાશે એવું કહેલું ને તેમાં કશું ખોટું નથી. સીબીઆઈ એ રીતે ઓછા વાંકમાં છે એ કબૂલવું પડે.

જો કે, મૂળ મુદ્દો સુશાંતના કેસમાં ચાલેલી ઝીંકાઝીંકનો છે. એઈમ્સના રિપોર્ટ અને હાઈ કોર્ટનાં તારણોને સાથેે રાખીને જોઈએ તો સમજાય કે, સાડા ત્રણ મહિના લગી આ કેસમાં રીતસર ઘૂપ્પલ ચાલ્યું ને આખા દેશને રીતસર ગાંડો કરાયો. તેના કારણે કોને ફાયદો થયો એ લોકો જાણે છે તેથી આપણે તેના વિશે વાત નથી કરવી પણ કાંડે સાબિત કર્યું કે, આ દેશમાં મીડિયા અને સત્તામાં બેઠેલા લોકોનું ચાલે તો ગમે તેને ગળે ગાળિયો ફિટ કરીને શૂળીએ ચડાવી દે. સાથે એક આશ્ર્વાસન એ પણ છે કે, આ દેશમાં ન્યાયતંત્ર સાબૂત છે ને એઈમ્સ જેવી સંસ્થાઓ છે કે જે હજુ સત્યને વળગી રહેવામાં માને છે તેથી સાવ નિરાશ થવા જેવું નથી.

એઈમ્સના રિપોર્ટ અને હવે બોમ્બે હાઈ કોર્ટે રિયાને જામીન આપ્યા એ પછી સુશાંત કેસ ત્યાં જ આવીને ઊભો રહી ગયો છે કે જ્યાં સાડા ત્રણ મહિના પહેલાં હતો. સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓની તપાસ ને આટલી ધમાધમી પછી ક્યાં ગ્યા તા ક્યાંય નહીં ને શું લાવ્યા કાંઈ નહીં જેવી હાલત થઈને ઊભી રહી ગઈ છે. જે લોકોએ પોતાના અંગત સ્વાર્થ ખાતર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સની ને એ બધી વાતો ચલાવી એ બધા ચાટ પડી ગયા છે. રિયા અંગે હાઈ કોર્ટે જે અવલોકન કર્યાં એ જોતા તેની સામેનો કેસ સાવ નબળો છે એ કહેવાની જરૂર નથી. આજે નહીં તો કાલે એ મુક્ત થઈ જશે એવું લાગે છે.

રિયાનો ભાઈ શોવિક ને તેના બીજા ગોઠિયા હજુ છૂટ્યા નથી, પણ એ લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો નથી. મીડિયાએ જેમનાં નામ સામે કાદવ ઉછાળ્યો એ બધાની પૂછપરછથી વાત આગળ વધી નથી. આ સંજોગોમાં સુશાંતના નામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વરવા ચહેરાને ખુલ્લો પાડવાનો જે ફુગ્ગો ફૂલાવાયેલો તેની હવા નિકળવા માંડી છે. વાંકદેખા લોકોએ તો એઈમ્સના રિપોર્ટ સામે પણ સવાલ ઉઠાવ્યા છે ને બોમ્બે હાઈ કોર્ટે આપેલા રિયાના જામીન સામે પણ સવાલો કરશે, પણ તેના કારણે કશું સાબિત થતું નથી.