પેટાચૂંટણી માથે છે ત્યારે જ એકાએક સોમા ડાહ્યા પટેલ વાયરલ કેમ થયા ?

ગુજરાતમાં મંગળવારે વિધાનસભાની આઠ બેઠકો માટે મતદાન છે ને એ પહેલાં રવિવારે કૉંગ્રેસે ભાજપને ભિડાવવા માટે એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો બહાર પાડ્યો તેમાં ગુજરાતના રાજકારણમાં થોડી ગરમી આવી ગઈ છે. ગાંધીનગરના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે કરેલા આ સ્ટિંગ ઓપરેશનમાં પાંચેક મહિના પહેલાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને રામ રામ કરનારા સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલ કબૂલે છે કે, ભાજપે નાણાં આપેલાં તેમાં પોતે રાજીનામું આપેલું. સોમાભાઈએ ભાજપે પોતાને કેટલા ગણી આપ્યા તેનો ફોડ નથી પાડ્યો પણ બીજાંને મળ્યા એટલા આપણને પણ મળેલા એવું મલકાતાં મલકાતાં કહે છે. સોમાભાઈના કહેવા પ્રમાણે, રાજીનામું આપનારા આઠ ધારાસભ્યોમાંથી કેટલાકે રોકડા ગણી લીધેલા જ્યારે કેટલાકે પેટાચૂંટણી આવે ત્યારે ભાજપ પોતાને જ ટિકિટ આપીને ફરી ઊભા રાખશે એવું વચન લઈને કૉંગ્રેસ છોડેલી.

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ક્યો કૉંગ્રેસી ધારાસભ્ય ખરીદાયો તેની વાતો ચૂંટણી જાહેર થઈ ત્યારથી ચાલે છે. કોઈ ધારાસભ્ય દીઠ વીસ કરોડનો આંકડો મૂકે છે તો કોઈને વળી બાવન કરોડ રૂપિયા અપાયા હોવાની વાતો પણ ચાલી છે. સોમાભાઈનું કહેવું છે કે, આ બધી વાતોમાં દમ નથી ને કોઈને દસ કરોડ રૂપિયાથી વધારે મળ્યા નથી. ભાજપ પાસે ઢગલો રૂપિયા છે ને અંબાણી-અદાણી બધા ભાજપના ખિસ્સામાં છે તેથી ભાજપને રૂપિયાની જરાય ખોટ નથી પણ આ બધી વાતો ચાલે છે એમ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે કોથળે કોથળા ભરીને રૂપિયા આપ્યા હોવાની વાત ખોટી હોવાનું સોમાભાઈનું કહેવું છે. સોમાલાલને મજાકમાં હવે બધા સોમા ડાહ્યા પટેલ કહે છે. તેઓ દોઢ ડાહ્યા થયા એટલે !

વીડિયોમાં સોમાભાઈ રંગમાં દેખાય છે એટલે બીજી ઘણી વાતો કરે છે ને તેમાંથી મોટા ભાગની વાતોનો સાર એ જ છે કે, ભાજપે રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે નાણાંકોથળી છૂટી જ મૂકી દીધેલી. સોમાભાઈ ભાજપના કેટલાક નેતાનાં નામ પણ લે છે, પણ આ વીડિયોની વિશ્વસનીયતા કેટલી એ સવાલ ઊભો છે તેથી તેમનાં નામ લેવાં ઉચિત નથી. સોમાભાઈએ કરેલી આખી પારાયણ માંડવી શક્ય નથી, પણ આ વીડિયોના કારણે ગુજરાતમાં રાજકીય ધમાધમી શરૂ થઈ ગઈ છે. એક બાજુ કૉંગ્રેસ આ વીડિયોના બહાને ભાજપે લોકશાહીની પત્તર ખાંડી નાખી છે એવા આક્ષેપો કરવા મચી પડી છે તો બીજી બાજુ ભાજપવાળા ચોખવટો કરવામાં પડ્યા છે.

કૉંગ્રેસે છોડીને આવનારા આઠ ધારાસભ્યોમાંથી ભાજપે ત્રણને કોરાણે મૂકેલા જ્યારે પાંચ પક્ષપલટુને ફરી ટિકિટ આપેલી. આમ પાંચેયની હાલત અત્યારે સૌથી ખરાબ છે કેમ કે મત એ લોકોએ લેવાના છે. પક્ષપલટો તો કરતાં કરી નાખ્યો પણ પોતે રોકડા ગણીને વેચાયા નહોતા એવું સાબિત તેમણે કરવાનું છે તેથી તેમની હાલત ખરાબ છે. સોશિયલ મીડિયાના જમાનામાં સોમાભાઈનો વીડિયો તો ધડાધડ વાઈરલ થઈ રહ્યો છે ને તેના કારણે આપણી વાટ ન લાગી જાય તેની ચિંતામાં એ લોકો દોડતા થઈ ગયા છે. કૉંગ્રેસ મતદાનના દોઢ દાડા પહેલાં જ આ વીડિયો બહાર પાડ્યો તેમાં તેમની હાલત વધારે બગડી છે કેમ કે હવે છેલ્લી ઘડીએ કોની કોની સામે ચોખવટ કરવા જવું ? આ પાંચેય પક્ષપલટુ માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે તેથી જે રસ્તો સૂઝે એ રસ્તે તેમણે ખુલાસા કરવા માંડ્યા છે. મીડિયા, સોશિયલ મીડિયા એમ બધે આ પાંચેય પક્ષપલટુ ફાંફાં મારી રહ્યા છે.

આ વીડિયોની પેટાચૂંટણી પર શું અસર થશે તે ખબર નથી, પણ આ સ્ટિંગ ઓપરેશને આપણા રાજકારણ અને વધારે તો રાજકારણીઓનું સ્તર કેટલું નીચું લાવી દીધું છે એ સાબિત કર્યું છે. કોંગ્રેસે જેના બોલ પર ધમાધમી શરૂ કરી છે એ સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલ આમ તો છાપેલું કાટલું છે ને પક્ષપલટાના ઉસ્તાદ છે. એ કોળી સમાજમાંથી આવે છે ને સુરેન્દ્રનગર જિલ્લામાં કોળીઓનો દબદબો છે તેથી જ્ઞાતિવાદના જોરે ચૂંટાઈ આવે છે, પણ ચૂંટાયા પછી જે પક્ષમાંથી ચૂંટાયા હોય એ પક્ષ સાથે વફાદારી રાખવાનું કે તેને વળગી રહેવાનું એ શીખ્યા જ નથી. 1989માં એ પહેલી વાર સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત્યા પછી એ લોકસભા ને ધારાસભાની ચૂંટણી જીત્યા કરે છે. વચ્ચે વચ્ચે હાર્યા પણ છે પણ જીત્યા વધારે છે તેથી ટકી રહ્યા છે પણ તેમનો ટાંટિયો ક્યાંય ટકતો નથી. એક પક્ષમાંથી બીજા પક્ષમાં ને બીજા પક્ષમાંથી ત્રીજે એમ કૂદકા માર્યા જ કરે છે.

સોમાલાલે શરૂઆત ભાજપથી કરેલી ને વરસો સુધી ભાજપની ટિકિટ પર લોકસભામાં ચૂંટાતા હતા. શંકરસિંહે બળવો કર્યો એ વખતે એ વાઘેલાની હારે હતા તેમાં ભડકેલા ભાજપના કાર્યકરોએ 1996ની લોકસભા ચૂંટણીમાં સૂત્ર વહેતું કરેલું કે, નવ્વાણું ગાંડા ચાલશે પણ સોમો ગાંડો નહીં ચાલે. ભાજપના કાર્યકરોએ જ સોમાલાલનો વરઘોડો ઘરભેગો કર્યો પછી એ વાઘેલાના બીજા બળવા વખતે વાઘેલા સાથે ગયેલા. એ પછી તેમણે વારંવાર પક્ષપલટા કર્યા છે ને કદીક ભાજપમા તો કદીક કૉંગ્રેસમાં એમ આંટાફેરા કર્યા કરે છે. 2014માં મોદી લહેરમાં લોકસભાની ચૂંટણીમાં હાર્યા પછી એ લિંબડી બેઠક પરથી જીતીને ધારાસભ્ય બનેલા ને આ વરસે રાજ્યસભાની ચૂંટણી પહેલાં પાછી કૉંગ્રેસને છોડી દીધી. અત્યારે એ ક્યા પક્ષમાં છે તેની તેમને જ ખબર.

સોમા ગાંડા પટેલની વિશ્વસનીયતા એ રીતે સાવ તળિયે છે ને તેમની વાત પર કેટલો ભરોસો કરવો એ સવાલ છે, પણ ગુજરાતમાં ભાજપ રાજ્યસભાની ચૂંટણી જીતવા છેલ્લા કેટલાય વખતથી જે કંઈ કરે છે એ જોતાં સોમા ગાંડા પટેલની વાત નહીં માનવા કારણ પણ નથી. સોમા ગાંડા પટેલ જે ચૂંટણીની વાત કરે છે તેમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે ભાજપે ત્રણ ને કૉંગ્રેસે બે ઉમેદવારો ઊભા રાખેલા. ભાજપ પાસે ત્રણ બેઠકો જીતવા માટે પૂરતા ધારાસભ્યો નહોતા. એ વખતે જે સ્થિતિ હતી એ જોતાં ભાજપ ને કૉંગ્રેસ બેઉ સરખાં બળિયાં હતાં. બંને બબ્બે બેઠકો જીતે તેમ હતાં પણ ભાજપે કૉંગ્રેસના ધારાસભ્યો પાસે રાજીનામાં અપાવવાનું શરૂ કરીને એક પછી એક વિકેટ ખેરવીને સ્થિતિ એ કરી નાખી કે, ભરતસિંહનો વરઘોડો ઘરે આવે. ભાજપે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોને ખેરવીને ત્રણ બેઠકો જીતીને બાજી મારી લીધી હતી. ભાજપના અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન વાજતેગાજતે જીતીને રાજ્યસભામાં પહોંચી ગયા, જ્યારે કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ જીત્યા છે ને ભરતસિંહ સોલંકીનો વરઘોડો લીલા તોરણે પાછો આવ્યો હતો.

ભાજપનું નિશાન તો કૉંગ્રેસેના બીજા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ હતા. ભાજપનું ચાલ્યું હોત તો તેણે કૉંગ્રેસના અડધોઅડધ ધારાસભ્યોને તોડીને શક્તિસિંહને પણ ઘરભેગા કરી દીધા હોત પણ ભાજપનો પનો ત્યા સુધી પહોંચે એમ હતો નહીં તેથી શક્તિસિંહ જીતી ગયેલા. શક્તિસિંહ કોંગ્રેસ હાઈકમાન્ડના લાડકા છે તેના કારણે પણ એ બચી ગયેલા. કૉંગ્રેસે પોતાના પહેલા ઉમેદવાર તરીકે શક્તિસિંહને નક્કી કરેલા ને પાંત્રીસ ધારાસભ્યોને ફસ્ટ પ્રેફરન્સનો મત શક્તિસિંહને આપવા વ્હીપ આપેલો તેમાં શક્તિસિંહ વધેરાતા રહી ગયા હતા.

કૉંગ્રેસે એ વખતે પણ ભાજપ સામે ધારાસભ્યોને ખરીદવાના આક્ષેપ કરેલા. આ આક્ષેપોના સમર્થનમાં કોઈ પુરાવા નહોતા પણ જે હતું એ નજર સામે હતું. ગુજરાતમાં ભાજપનો દબદબો છે ને તેની સામે ઝીંક ઝિલીને જીતેલા કૉંગ્રેસેના ધારાસભ્યો ગાંડા તો નથી જ કે, કોઈ ફાયદો ન હોય ને રાજીનામું ધરી દે. એ લોકો પ્રજાના હિતમાં ને એવી બધી સૂફિયાણી વાતો ભલે કરતા પણ લોકોને તો ખબર જ હતી કે, કોના હિતમાં એ લોકો કૉંગ્રેસ છોડી રહ્યા છે. સામે લોકો ભાજપને પણ ઓળખે છે કેમ કે ભાજપે પહેલાં પણ આ ખેલ કરેલો. 2017 માં અહમદ પટેલને રાજ્યસભામાં જતા રોકવા ભારે ધમપછાડા કરેલા ને શંકરસિંહ વાઘેલાને હાથો બનાવીને કોંગ્રેસના થોકબંધ ધારાસભ્યોને તોડેલા. અહમદ પટેલ વધારે શાણા સાબિત થયા તેના કારણે ભાજપની ઈજ્જતનો ફાલુદો થયો હતો, પણ ભાજપે પૂરી તાકાત તો લગાવેલી. ટૂંકમાં આ વાત નવી નથી. ભાજપે તો આ રીતે પહેલાં કર્ણાટક ને પછી મધ્ય પ્રદેશમાં સત્તા કબજે કરી છે. એ ભાજપની તાકાત છે.

જો કે, અત્યારે સવાલ આ વીડિયોની શું અસર થશે તેનો છે. કૉંગ્રેસ આશા રાખે છે કે, ભાજપના ઉમેદવારો બિકાઉ છે એવી ખબર પડશે તો લોકો તેના પર થૂ થૂ કરશે પણ આ આશા વધારે પડતી છે. આપણે ત્યાં લોકોને આવી બધી વાતોથી ફરક પડતો નથી. રાજકારણીઓની જેમ લોકોમાં પણ નીતિમત્તા જેવું બહુ રહ્યું નથી. ઊલટાનું લોકો તો આ રીતે સોદાબાજી કરનારા નેતાઓને શાણા સમજે છે ને ફરી ચૂંટે છે. રાજકારણીઓ સાવ બેફામ બન્યા છે તેનું કારણ એ જ છે.