પેન્શન કચેરીનો ક્લાર્ક પોલીસકર્મીની વિધવા પાસે લાંચ માંગતા ઝડપાયો

પોલીસકર્મીની વિધવા પાસેથી ૬૦ હજારની લાંચ માંગતા પેન્શન ચુકવણી કચેરીનો પેટા હિસાબનીશ એસીબીની જાળમાં ફસાયો છે. લાંચીયા કર્મચારી વિવેક કેવડીયાને કાયમી નોકરી માટે ૬ મહિના બાકી હતા. તે છેલ્લા સાડા ચાર વર્ષથી નોકરી કરતો હતો અને માસિક પગાર ૧૯૫૦૦ છે. માંડવી તાલુકામાં રહેતી ૫૫ વર્ષીય વિધવાના પતિ સુરત પોલીસમાં એએસઆઈ હતા. જેમનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થયું હતું. મહિલા છેલ્લા ૧૦ વર્ષથી પેન્શન લેતી હતી. છેલ્લા ૩ વર્ષમાં તેમને પેન્શનમાં વધારો મળી શકે તેમ હોય પેન્શન કચેરીના પેટા હિસાબનીશે મહિલાને કોલ કરી ઓફિસે બોલાવી હતી. ઓફિસમાં લાંચીયા કર્મચારીએ તેમને છેલ્લા ૩ વર્ષનું મળવાપાત્ર વધારાનું પેન્શન રૂ.૨.૬૦ લાખ આપવા ૬૦ હજારની લાંચ માંગી હતી. આથી વિધવાએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે સુરત એસીબીના સ્ટાફે બપોરે સુરત જીલ્લા સેવા સદન-૨માં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી પેન્શન ચુકવણી કચેરીના છટકું ગોઠવ્યું હતું. જેમાં ઓફિસમાંથી લાંચીયો પેટા હિસાબનીશ વિવેક જયંતી કેવડીયા (૩૦) (રહે, શ્રીનિધી રેસીડન્સી, સુદૃામા ચોક, મોટાવરાછા, મૂળ રહે, ભાવનગર) ૬૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાય ગયો હતો. કેટલાક વિભાગોમાં જે નિવૃત કર્મીઓને પેન્શનમાં વધારો થયો હોવાની ખબર નથી તેમને આ લાંચિયો કર્મી કોલ કરીને ઓફિસે બોલાવતો અને લોકોને સહાયના નામે રૂપિયા અપાવવાની વાત કરતો હતો અને તેના બદલામાં અમુક રકમ પોતાના ખિસ્સામાં નાખતો હતો. વિધવાએ એસીબીમાં ફરિયાદ કરતા પેટા આ લાંચિયા હિસાબનીશનો ભાંડો ફુટી ગયો હતો.