સુરત,
સુુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં એક ઘટના એવી બની કે બે દિવસ સુધી 200થી વધુ પોલીસ કર્મચારીઓ દિવસ રાતની મહેનત પછી પણ હતા ત્યાંના ત્યાં જ રહ્યા. ઘટના હતી માત્ર અઢી વર્ષની માસૂમ બાળકીના અપહરણની. જેમાં પોલીસ બાળકીને શોધી શકી નહીં પણ ગુમ થયાના બે દિવસ પછી બાળકીની કોહવાઈ ગયેલી લાશ મળી. આ બાળકીના મૃતદેહ નજીકથી પોલીસને એક પેન અને ડાયરી મળ્યા. બસ, થઈ રહ્યું. આ પેન અને ડાયરીના આધારે પોલીસે હત્યારા-બળાત્કારી ગુનેગારને દબોચી લીધો. જેને કોર્ટે ફાંસીની સજા ફરમાવી છે.
પાંડેસરાના વડોદ ગામમાં ગોકુલધામ આવાસની સામેથી રાત્રે 9 વાગ્યે અઢી વર્ષની બાળકી ઘર નજીક રમતાં રમતાં ગુમ થઈ ગઈ. મામલો તા. 5-11-21ના રોજ પાંડેસરા પોલીસ મથક સુધી પહોંચ્યો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મદદનીશ પોલીસ કમિશનર જય પંડ્યાએ પાંડેસરા ઉપરાંત સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ મથકના મળી 200થી વધુ પોલીસ કર્મચારીઓને આ બાળકીને શોધવાના કામે લગાડી દીધા. પોલીસ ખૂણે ખૂણો ખુંદી વળી પણ ક્યાંયથી ભાળ મળી નહીં.
બનાવના બે દિવસ પછી એટલે કે તા. 7મીએ બપોરે પોણા બારેક વાગ્યે પાંડેસરા જીઆઈડીસી, આર્મો ડાઇંગ મિલની પાછળ આવેલા ઝાડી-ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો. એ સાથે જ મૃતદેહ પાસેથી એક પેન અને ડાયરી મળ્યા. જેમાં કારખાનાનો હિસાબ હતો અને ગુડ્ડુ એવું નામ લખ્યું હતું. આટલી અમથી વિગત પોલીસના હાથમાં આવી ને પોલીસની ટીમ કામે લાગી. બાળકીને લઈ જનારો યુવાન સીસી ટીવી કેમેરામાં કેદ થયો હતો તેનું નામ ગુડ્ડુ હોવાનું સ્પષ્ટ થયું. સીસી ટીવી કેમેરાના ફુટેજ સ્થાનિક લોકોને બતાવી પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ. તા. 8મીએ પાંડેસરા પોલીસે ગુડ્ડુ મધેશ યાદવને પકડી પાડ્યો હતો. જેણે દુષ્કર્મ આચર્યા બાદ મોઢું અને નાક દબાવી બાળકીની હત્યા કરી હતી.
આવા બનાવોમાં ગુનેગારો બેકાબુ ન બને, ગુનેગારોમાં ડર પેસી જાય તે માટે પોલીસે ખાસ કેસ ગણી ત્વરિતગતિએ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો. અલગ અલગ ટીમો બનાવી. એફએસએલ સાથે સંકલન સાધ્યું. પુરાવા એકત્ર કરવા માંડ્યા. આમ કરતા કરતા માત્ર સાત જ દિવસમાં આરોપી સામે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધું. જજે પણ સ્પેશિયલ કેસ તરીકે આ કેસને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી આરંભી દીધી.
એક તબક્કે તો રાત્રે અગિયાર-બાર વાગ્યા સુધી કોર્ટમાં કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. આ રીતે પોલીસ-કોર્ટના સંકલનના કારણે માત્ર 21 દિવસમાં જ કેસ ચાલી ગયો અને ચૂકાદો પણ આવી ગયો. જેમાં આરોપી ગુડ્ડુને ફાંસીની સજા ફરમાવી અને ભોગ બનનારી બાળકીના પરિવારજનોને રૂ. 20 લાખનું વળતર ચૂકવવાનો હુકમ વિદ્વાન જજ પી.એસ. કોલાએ કર્યો હતો.