પેપરો ફૂટતા રહે છે એ નવી પેઢીના  સપનાઓ કાચની જેમ ફોડી નાંખે છે 

ભારતમાં ગુજરાતની ઓળખ પહેલા ગરબાને કારણે થતી અને હવે ગરબડ-છબરડાં અને ગોટાળાને કારણે થાય છે. વર્ષ ૨૦૧૪માં જીપીએસસીના ચીફ ઑફિસરથી લઈ તલાટી, ટેટ અને હેડ ક્લાર્કની પરીક્ષા સુધીમાં સતત ૧૩ વખત પેપર લીક થવાની ઘટના સામે આવી છતાં સરકારે કાર્યવાહીના નામે તપાસ કમિટીનું બહાનું આગળ ધરીને પોતાની જવાબદારીમાંથી પીછેહઠ જ કરી છે. ક્યારેય એ વિદ્યાર્થીઓ તરફ દૃષ્ટિગોચર નથી કરી જે પરીક્ષા સાથે આશાઓ લઈને આવ્યા હોય છે, તેમના ભવિષ્યનું શું?

ગુજરાતમાં દર વર્ષે પેપર ફૂટે છે ને વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. કોઈ વાર કોલેજનાં પેપર પરીક્ષાથી ફૂટે તો કોઈ વાર સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર ફૂટે.

સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત હોય ને કોલેજમાં પણ એક્ઝામ ન હોય તો સ્કૂલની પરીક્ષાનાં પેપર ફૂટી જાય, પણ પરીક્ષાની કોઈ મોસમ એવી જતી નથી કે પેપર ફૂટ્યાં ન હોય. બહુ ઊંડો ભૂતકાળ ન ખોતરીએ ને ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં જ ફૂટેલાં પેપરોની વાત કરીએ તો પણ એક સપ્લિમેન્ટરી ભરાઈ જ એટલો મોટા આંકડા મળી આવે. ગુજરાતમાં જ્યારે ચૂંટણીની મોસમ પુરબહારમાં ખીલી હતી ત્યારે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.બી.એ. અને બી.કોમ.નાં પેપર પરીક્ષાની આગલી રાત્રે જ ફૂટી ગયાં હતાં. ૧૦ મહિના પહેલા જ લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હતું, ૧૨ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું.

ઈ. સ. ૨૦૨૧માં જ સરકારી ભરતીની પરીક્ષામાં ત્રણ પેપર ફૂટ્યાં હતાં. જેમાં જુલાઈ માસમાં લેવાયેલી ડિજીવીસીએલમાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું. આ બાદ ઑક્ટોબરમાં ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી સબ-ઓડિટરની પરીક્ષામાં યુથ કોંગ્રેસ દ્વારા પેપર લીક થયું હોવાના આક્ષેપો કર્યાં હતા. જ્યારે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ સરકારે જ પેપર લીક થયું હોવાનું સ્વીકાર્યું હતું અને પરીક્ષા રદ કરી હતી. ૨૦૧૯માં બિન સચિવાલયનું પેપર લીક થયું હતું. ૨૦૧૮માં એલઆરડીની ભરતી પ્રક્રિયામાં પેપર લીક થયું હતું.

ગુજરાતમાં પેપર ફૂટે છે તેનાં ઘણાં કારણ છે, પણ મુખ્ય પાંચ કારણ ગણાવી શકાય. પહેલું કારણ સતત વધતી જતી બેરોજગારીના કારણે ગમે તે ભોગે સરકારી નોકરી મેળવી લેવાની માનસિકતા છે. બીજું કારણ ગુજરાતના વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતાનો અભાવ છે જેના કારણે તેમની મહેનત કરવાની તૈયારી જ નથી. ત્રીજું કારણ ગુજરાતીઓની મહેનત કરવાના બદલે પૈસા ખર્ચીને મેળવી લેવાની માનસિકતા છે. ચોથું કારણ સ્પર્ધાત્મક પરીક્ષા લેતી સરકારી એજન્સીઓનું ભ્રષ્ટ તંત્ર છે. છેલ્લું અને સૌથી મહત્ત્વનું કારણ સરકારમાં બેઠેલા લોકોમાં આ ભ્રષ્ટાચાર રોકવાની ઈચ્છાશક્તિનો અભાવ છે. તેનું કારણ કદાચ એ હોઈ શકે કે તેમના જ માણસો આ ભ્રષ્ટાચારમાં ભળેલા છે.

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી શિક્ષણનું એ હદે વ્યાપારીકરણ કરાયું છે કે શિક્ષણને ગંભીરતાથી લેવાના બદલે મજાક બનાવી દેવાયું છે. શિક્ષણનો સંબંધ જ્ઞાન સાથે છે, પણ તેને બજારૂ બનાવી દેવાયું છે. તેમાંથી કઈ રીતે કમાણી થઈ શકે તે જ વિચારાય છે. ગુજરાતમાં શિક્ષણને રૂપિયા ૨ળવા સિવાય જેમને બીજા કશામાં રસ નથી તેવા બિઝનેસમેન અને રૂપિયા માટે ગમે તે હદે જઈ શકે તેવા સરકારી તંત્રને હવાલે કરી દેવાયું છે. આ બંને પાસે સંવેદનશીલતા નથી તેના કારણે શિક્ષણનું શું થાય છે તેની તેમને પરવા નથી.

બીજી તરફ પ્રજાએ જેમને ચૂંટીને મોકલ્યા છે તેમની ફરજ છે કે એ લોકો શિક્ષણનો સ્તર જાળવે, પણ તેમને પણ પોતાનાં ઘર ભરવા સિવાય બીજા કશામાં રસ નથી. એક પેપર લીક થાય તેના કારણે શું અસર પડે એ સમજવાની તેમની તૈયારી નથી. પેપર લીકના કારણે હજારોને ઘણા કિસ્સામાં તો લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે અને તેમણે નવેસરથી મહેનત કરવી પડે છે. તેમના કરોડો કલાકોની મહેનત નકામી જાય છે. પેપર લીક થાય તેના કારણે તેમનામાં હતાશા વ્યાપી જાય છે, પણ સરકારમાં બેઠેલા લોકોને તેની પરવા જ નથી. દેશભરમાં શિક્ષણક્ષેત્રે પ્રવેશ, પરીક્ષા, પેપર અને પરિણામો અંગે ભારે અંધાધૂંધી, અસ્પષ્ટતા અને ગૂંચવાડાભરી સ્થિતિ પ્રવર્તે છે.

ગુજરાતનું યુવાધન રોજગારી પ્રાપ્ત કરવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને જ્યારે તેઓ કસોટી આપવા જાય ત્યારે જ પેપરલીકની માયાજાળ ખુલે છે. વડા પ્રધાન સ્કિલ બેઝ શિક્ષણની વાતો કરે છે પરંતુ પરીક્ષાની પદ્ધતિમાં તો ક્યાંય કૌશલ્યનો ‘ક’ પણ નથી. બીબાઢાળ પદ્ધતિથી લેવાતી પરીક્ષા અને તેની તકલાદી સુરક્ષા વ્યવસ્થાથી સમયાંતરે પેપર ફૂટ્યા જ કરે છે. સરકાર રોજગારીની નવી તકો સર્જવામાં તો નિષ્ફળ નીવડી જ છે, પરંતુ પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થામાં પણ ભારે બેદરકારી દાખવે છે. વિચારો ગુજરાતમાં નવ લાખ યુવાનો કલાર્કની પરીક્ષા આપવા આવ્યા હતા. તેમાંય ઘણા તો એમ.બી.એ. અને એમ.સી.એ. કરેલા અને ગોલ્ડમેડાલિસ્ટ હતા. કડકકડતી ઠંડીમાં રેલવે અને બસ સ્ટેશનમાં સૂઈ ગયા, માત્ર એક જ આકાંક્ષા સાથે કે તેમને કલાર્કની સરકારી નોકરી મળી જશે તો જે ક્ષેત્રમાં તેમણે ઉચ્ચ પદવી મેળવી તેનું શું? અને કેટલું હાસ્યાસ્પદ કહેવાય!

ભારતમાં કલાર્કના પદ પર સરકારી નોકરી જોઈતી હોય તો ગ્રેજ્યુએટ થવું આવશ્યક છે. એટલે ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવનાર વ્યક્તિનો સરકાર કલાર્કની કેટેગરીમાં સમાવેશ કરે છે! લાખો રૂપિયા ખર્ચીને વિદ્યાર્થીઓ ઉચ્ચ પદવી હાંસલ કરીને કલાર્ક બનવા માગે છે? અહીં કોઈ પદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આશય નથી, પરંતુ કૌશલ્ય આધારિત શિક્ષણની થતી ઉપેક્ષાની નરી વાસ્તવિકતા તરફ વિચાર કરવાની વાત છે. ગુજરાતની મોટાભાગની ખાનગી યુનિવર્સિટીઓ પાસે વિશાળ બાંધકામ સ્ટ્રક્ચર સિવાય કંઈ નથી. યુનિવર્સિટીનું મુખ્ય કામ તો સંશોધનનું છે. પરંતુ આપણા દેશની મહત્તમ યુનિવર્સિટીઓમાં સંશોધનનો કોઈ ધડો નથી. સંશોધનના નામે જે કંઈ ચાલે છે એ સૌ જાણે છે. પીએચ.ડી.ના વિષયો પણ હાસ્યાસ્પદ હોય છે. જેને સ્કિલ્ડ વર્કર કહી શકાય તેની ગુજરાતમાં ભારે કટોકટી છે. કોઈપણ મોટા ઉદ્યોગોને એ સમસ્યા નડે છે.

અમેરિકા અને યુરોપની સંખ્યાબંધ યુનિવર્સિટીઓ પહેલી નજરે સાવ ક્ષુલ્લક લાગે તેવા અભ્યાસક્રમો ચલાવે છે. પરંતુ તેમાંથી પસાર થનાર વિદ્યાર્થીમાં એ કામની સર્વશ્રેષ્ઠ યોગ્યતા વિદ્યમાન હોય છે. જેમ કે માત્ર પાઈપલાઈન, આઈબ્રો ડિઝાઈન, કિચનવેર પ્રોડક્શન, એમ નાના નાના અનેક વિષયો પરના ડિપ્લોમા અભ્યાસક્રમો ત્યાંની ખાનગી યુનિવર્સિટીઓ ચલાવે છે અને એનાથી વિદ્યાર્થીઓની વ્યક્તિગત જિંદગીમાં તો આત્મવિશ્ર્વાસ આવે જ છે, પરંતુ પછીથી એ લોકો જે કામ કરે છે એનાથી લોકો ચકિત થઈ જાય છે. આ દિશામાં વિચારવા માટેની કોઈપણ વ્યવસ્થા ભારતની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓના કુલપતિઓના દિમાગમાં નથી.

તેઓ માત્ર ફાઈલો ફેરવવાનું, દીક્ષાન્ત સમારંભો યોજવાનું અને પરીક્ષાઓની તારીખો નક્કી કરવાનું કામ કરે છે.
જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું તેમાં ગુજરાત સરકાર નક્કર કાર્યવાહી કરશે અને કરવી જ જોઈએ પરંતુ જેમની આશા અને પૈસા પરીક્ષા આપ્યા પહેલા જ પાણીમાં વહી ગયા એ યુવાધનનું શું? એક બહેન તો કાખમાં વહાલસોયા પુત્રને સાથે રાખીને પરીક્ષા આપવા આવ્યાં હતાં. સરકારની બેદરકારીને કારણે તેઓ પરીક્ષા આપી ન શક્યાં હવે પોતાના સંતાનને તેઓ કેવું દૃષ્ટાંત આપશે! ખરેખર તો પેપર નહિ ગુજરાતના યુવાધનનું કિસ્મત ફુટેલું છે, સરકાર તેમાં નક્કર કાર્યવાહી નામે થૂંકના સાંધા મારી દેશે, પરંતુ એવી ખાતરી આપશે કે ભવિષ્યમાં પેપર નહિ ફૂટે!