પૈસાદાર લોકો પોતાની સુરક્ષાનો ખર્ચ પોતે જ ઉઠાવે: સુપ્રિમ કોર્ટ

અંબાણી બંધુઓની ઝેડ પ્લસ સિક્યોરિટી હટાવી લેવાની માંગ સુપ્રિમે ફગાવી

સરકારે આવા લોકો ઉપરના જોખમ અને તેની સુરક્ષાની વ્યવસ્થાની સમયાંતરે સમીક્ષા કરતા રહેવું જોઈએ, સરકારે ગરીબોની સુરક્ષાનો ખ્યાલ રાખો જોઇએ

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી અને એના ભાઇ અનિલ અંબાણીને સરકાર દ્વારા અપાયેલી ઝેડ સિક્યોરિટીને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી હતી. જો કે કોર્ટે મુંબઇ હાઇકોર્ટના એ અભિપ્રાયને બહાલ રાખ્યો હતો કે શ્રીમંતોએ પોતાની સિક્યોરિટીનો ખર્ચ પોતે ઉપાડી લેવો જોઇએ.
૨૦૧૩માં મનમોહન સિંઘની સરકારે અંબાણી ભાઇઓને ઝેટ પ્લસ સિક્યોરિટી આપી ત્યારે એ નિર્ણયને મુંબઇ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજદારની દલીલ એવી હતી કે આ ભાઇઓ પોતાની સિક્યોરિટીનો ખર્ચ પોતે ઉપાડી શકે એટલા સમૃદ્ધ છે. હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જો કે હાઇકોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દેશના અર્થતંત્રમાં માતબર પ્રદાન કરતા આ ભાઇઓના જાનને જોખમ હોય તો એ મુદ્દાને હળવાશથી લઇ શકાય નહીં. કોને કેટલી અને કેવી સિક્યોરિટી આપવી એ નક્કી કરવાનું કામ સરકાનું છે, કોર્ટનું નથી.
અંબાણી પરિવાર તરફથી કોર્ટમાં હાજર રહેલા ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે મારા અસીલો અને તેમના પરિવાર પર જાનનું જોખમ હોવાથી સિક્યોરિટી લેવી પડી છે. પરંતુ આ સિક્યોરિટીનો ખર્ચ અંબાણી પરિવાર પોતે ઉપાડે છે, પ્રજાના પૈસા આ સિક્યોરિટી લીધી નથી. એ દલીલ સ્વીકારતાં હાઇકોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જે વ્યક્તિ પોતાની સિક્યોરિટીનો ખર્ચ આપવા તૈયાર હોય એને સરકાર આવી સિક્યોરિટી આપી શકે છે. જેમના જીવ પર જોખમ છે એમને સરકાર પાસે સિક્યોરિટી માગવાનો અધિકાર છે.
૨૦૧૩માં મનમોહન સરકારે મૂકેશ અંબાણીને ઝેટ પ્લસ સિક્યોરિટી આપી ત્યારે એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકાર પાસે આ મુદ્દે જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહૃાું હતું કે આવા શ્રીમંતો પોતાના પૈસે સિક્યોરિટી લઇ શકે છે. આમ આદમી જ્યારે પોતાને અસુરક્ષિત માનતો હોય ત્યારે આવા શ્રીમંતોને પ્રજાના પૈસે સિક્યોરિટી શા માટે આપવી જોઇએ.