પોલીસે ધરપકડ કરેલ ડો. ધીરેન ઘીવાલાનો રિપોર્ટ પણ પોઝિટિવ

  • પુછપરછ માટે લાવેલ ડોકટરનો કોવિડ ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ આવેલા આરોપી ડો. ધીરેન ઘીવાલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા : સારવાર બાદ ડોકટરનો પોલીસ ફરી કબ્જો સંભાળી કાર્યવાહી કરશે

અમરેલી,
જિલ્લા જેલના મોબાઇલ કાંડમાં બનાવટી મેડીકલ સર્ટીફીકેટ બનાવવા બદલ અને આરોપી સાથે સંપર્કમાં રહેવા બદલ અમરેલી પોલીસે ધરપકડ કરેલ રાજકોટના ડો. ધીરેન ઘીવાલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળેલ છે પુછપરછ માટે લાવેલ ડોકટરનો કોવિડ ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ આવેલા આરોપી ડો. ધીરેન ઘીવાલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર બાદ ડોકટરનો પોલીસ ફરી કબ્જો સંભાળી કાર્યવાહી કરશે.

  • શ્રી નિર્લિપ્ત રાયએ સાબરમતીમાંથી પણ પીસીઓ પકડયો હતો

અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય જ્યારે અમદાવાદ ફરજ બજાવતા હતા ત્યારે તેમણે સીટના સભ્ય તરીકે સાબરમતી જેલમાં મોબાઇલના આવા જ રેકેટમાં નામચિન શખ્સને પકડયો હતો તેનો અનુભવ પણ અમરેલીના આ કેસમાં તેમણે કામે લગાડયો હતો.

  • જેલમાં બંધી પછીના સમયે હવે ડ્રોન પહેરો દેશે : રેકોર્ડ પણ રહેશે

જેલમાં સવારે 6 થી બપોરે 12 અને બપોરે 3 થી સાંજે 6 સુધી કેદીઓ બેરેકમાંથી બહાર કમ્પાઉન્ડમાં આવતા જતા હોય છે પણ સાંજે 6 થી સવારે 6 અને બપોરે 12 થી 3 બંધી હોય છે બંધી એટલે કેદીઓએ બેરેકની બહાર નહી નીકળવાનું આ બંધીના સમયમાં હવે પોલીસ તંત્રએ જેલની ઉપર નજર રાખવા ડ્રોનથી પેટ્રોલીંગ શરૂ કર્યુ છે જેનું રેકોર્ડીગ રેકોર્ડ તરીકે સચવાયેલુ રહેશે.

  • વહીવટ વગર જેલમાં મોબાઇલ ન આવે : જેલ તંત્ર પણ તપાસના વર્તુળમાં

હાલમાં મળેલા મોબાઇલ અને તેમાં વપરાયેલા અલગ અલગ સીમકાર્ડ ઉપરથી પોલીસ એવા તારણ ઉપર પહોંચી છે કે જેલના તંત્રમાં પણ કાંઇક ગોટાળો છે નહીતર જેલમાં આવી રીતે મોબાઇલ અને આવી છુટથી વાતો થતી ન હોય જો તંત્ર સજાગ હોય તો તેમના દ્વારા જ આ કૌભાંડ પકડાયુ હોત.

  • બનાવટી સર્ટીફીકેટ ઉપર કાંતી વાળા ફરાર થઇ ગયો

અમરેલીના જાંબાઝ પોલીસ કર્મચારી સ્વ. પંકજ અમરેલીયાના હત્યા કેસમાં જેલમાં રહેલ આરોપી કાંતી વાળા રાજકોટમાં બનાવટી મેડીકલ સર્ટીફીકેટ બનાવી તેના ઉપર જામીન મેળવી અને ફરાર થઇ ગયો છે જેને પોલીસ હવે શોધી રહી છે.

  • જેલમાં સીસીટીવી દરેક ઝડતી ઉપર નજર રાખે છે છતા મોબાઇલ આવી ગયા

જેલમાં જ્યારે કેદીઓ દાખલ થાય ત્યારે તેની ઝડતી લેવામાં આવે જેનું રેકોર્ડીગ થતુ હોય છે અને જેલની અંદર જ્યારે પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જાય ત્યારે તે પણ મોબાઇલ બહાર ગાર્ડ પાસે જમા કરાવી અંદર જતા હોય છે તેમ છતા જેલમાં મોબાઇલ અને સીમકાર્ડ આવી ગયા છે જેથી જેલનો સ્ટાફ પણ આમા સામેલ હોય તે દિશામાં પોલીસની તપાસ શરૂ છે.

  • 17 મોબાઇલ નંબર 53 આઇએમઇઆઇ નંબરોની તપાસમાં થશે : કડાકા ભડાકા

જિલ્લામાં જેલમાંથી મળેલા ડયુલસીમ મોબાઇલમાં બે આઇએમઇઆઇ નંબરો ઉપરથી ત્રણ મોબાઇલ નંબરો અને તેમાંથી બીજા 6 આઇએમઇઆઇ નંબરો અને તે 6 નંબરો ઉપરથી 14 મોબાઇલ નંબરો પોલીસે શોધ્યા હતા અને તે 14 મોબાઇલ નંબર ઉપરથી 45 આઇએમઇઆઇ નંબરો પોલીસના લીસ્ટમાં આવ્યા છે આ તમામ નંબરો વાળા ફોનની લે વેચ ન કરવા અને વાત ન કરવા તંત્રએ અનુરોધ કર્યો છે.

  • જેલમાંથી મોબાઇલ ઉપર થતા બેનંબરી વહીવટનું પણ એનાલીસીસ શરૂ

અમરેલીની જિલ્લા જેલમાંથી મોબાઇલ ઉપર થયેલા તમામ પ્રકારના ધંધા તથા વહીવટોનું પોલીસ તંત્ર દ્વારા એનાલીસીસ શરૂ કરાયું છે અને તેમાં બીજા મોટા કડાકા ભડાકા થવાની પુરી શક્યતા હોવાનું પણ આધારભુત સુત્રોએ જણાવ્યુ છે.

  • મોબાઇલનું પીસીઓ ચલાવનાર આરોપીના એકાઉન્ટમાં રૂપીયા જમા થયા હતા

પોલીસ તપાસમાં એવી વિગત પણ ખુલી હતી કે જેલના કેટલાક કેદીઓના એકાઉન્ટમાં તે અંદર હોવા છતા નાણાઓ જમા થયા હતા જે ગેરકાયદેસર મોબાઇલ પીસીઓ ચલાવતા હતા અને તેમાં મીડીયેટર જેલ તંત્રના કેટલાક લોકો તથા બહારના લોકો પણ સંડોવાયેલા હોય આ તપાસ લાંબી ચાલશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

  • સીટે જેલમાં વપરાતા મોબાઇલને ઇન્ટરસેપ્શન કરી પગેરૂ મેળવ્યું

અમરેલી જેલમાંથી ગઇ 29 જુલાઇએ મળેલા ફોનની તપાસ સીટીના હેડ કોન્સટેબલ એન.વી. લંગાળીયા પાસે હતી તેને એલસીબીના શ્રી કરમટાએ સંભાળી લીધા બાદ તેના નંબરો સાથે જોડાયેલા નંબરો ઇન્ટરસેપ્શનમાં મુકતા આરોપીઓના બધા વહીવટ અને વાતોનો પર્દાફાશ થયો હતો અને જબરદસ્ત રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસ સફળ થઇ હતી.

  • જેલમાં મોબાઇલ પકડાય તો સજા એક મહિનાની પણ આ કેસમાં જન્મટીપની જોગવાઇ

જેલમાં મોબાઇલ પકડાય તો કેદીને એક મહિનાની સજા થાય તેવી જોગવાઇ છે કદાચ તેના કારણે જ બેખોફ મોબાઇલનો વહીવટ ચાલતો હતો પરંતુ આ કેસમાં એસપીશ્રી નિર્લિપ્ત રાયએ સેશન્સમાં ચાલે તે પ્રકારનો કેસ સામે આવ્યો હોય બનાવટી દસ્તાવેજો અને મોબાઇલના ઉપયોગ માટે પરાણે પૈસા પડાવવાના જેવા ગુનાઓ બદલ આ કેસને સેશન્સ ટ્રાયેબલ બનાવ્યો છે.

  • જેલમાં કેટલાય સમયથી એસટીડીપીસીઓ ચાલતુ હતું

અમરેલીની જિલ્લા જેલમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ઉપર વાત કરવાનું પીસીઓ જેવુ રેકેટ ચાલતુ હોવાની અટકળો થઇ રહી છે પોલીસ તંત્ર દ્વારા હાલના આરોપીઓની કડીઓ મેળવાઇ રહી છે અને તે કેટલા સમયથી શરૂ છે તેની પણ તપાસ થનાર હોવાનું જાણવા મળેલ છે.

  • બનાવટી સર્ટી લઇ જામીન પર છુટેલા ના જામીન રદ કરવા પોલીસ કોર્ટમાં જશે

બનાવટી મેડીકલ સર્ટીફીકેટ મેળવી જામીન ઉપર છુટેલા બીજા અન્ય કેદીઓ માટે પણ પોલીસ કોર્ટમાં જઇ અને તેમના જામીન રદ કરાવવા માટે કોર્ટનું ધ્યાન દોરનાર હોવાનું પણ પોલીસ તંત્રએ જણાવ્યુ હતુ.