પ્રશાંત કિશોરે ઘરડી કોંગ્રેસની ટેકણ લાકડી બનવાનો કેમ નનૈયો ભણ્યો?

પ્રશાંત કિશોરની સફળતાનો અલગ માપદંડ એ રીતે પણ જોઈ શકાય કે સાડા આઠસો કરોડનો વકરો કરનારી “પીકે’ ફિલ્મના દેશમાં વર્તમાન સમયમાં ટૂંકાક્ષરો “પીકે’નો અર્થ આમીર ખાન નહિ પરંતુ પ્રશાંત કિશોર થાય છે. યુનાઈટેડ નેશન્સ સાથે આઠ વર્ષ સુધી કામ કરનારા આ માણસને ભારતીય રાજકારણમાં “ગેમ ચેન્જર’ અને “કીંગ મેકર’ જેવા ઘણા વિશેષણોથી મીડિયા નવાજતું આવ્યું છે. મોદી સાહેબ ત્રીજી વખત ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા અને તેના પછી ભારતના વડાપ્રધાન બન્યા તેમાં પણ પ્રશાંત કિશોરનો સિંહફાળો રહ્યો છે. સાથે એ પણ સત્ય છે કે એ જ મોદી સાહેબની પાર્ટીએ પ્રશાંત કિશોરનો સહકાર ધરાવતી કોંગ્રેસને ઉત્તરપ્રદેશની છેલ્લી ચૂંટણીમાં જબરદસ્ત શિકસ્ત આપી. પ્રશાંત કિશોરને નાલેશીભરી હાર મળી હોય તો તે ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે મળી છે.
સાથે એ પણ સત્ય છે કે કોંગ્રેસ પાર્ટીની ડૂબી રહેલી નૈયાને કોઈ બચાવી શકે તેમ હોય તો તેમણે આધુનિક ભારતીય રાજકારણના સારથી એવા પ્રશાંત નામના સમુદ્ર-કિશોર પાસે જ જવું પડે. પરંતુ, ધારણા મુજબ જ, કોંગ્રેસને પ્રશાંત કિશોર સાથે ફાવ્યું નથી. તેના કારણો ક્યા?
આ સવાલનો પાનના ગલ્લે બેસીને કે ફેસબુકની પોસ્ટના કમેન્ટના ઓટલે બેસીને જવાબ આપવાનો હોય તો એવો ઉડતો જવાબ આપી શકાય કે – “પૈસા ઓછા પડ્યા હશે!’ પરંતુ જયારે ગેમ બહું મોટી હોય અને દાવ ઉપર અનેકોની કારકિર્દી લાગી હોય ત્યારે ફક્ત નાણાકોથળી ફેક્ટર હોતું નથી. 2022ની સાલમાં પણ ભારતના વડા પ્રધાન સંસદમાં લાગલગાટ અડધી કલાક સુધી કોંગ્રેસની ટીકા કરે છે.
એ જ હકીકત બતાવે છે કે મોદી સાહેબ પણ જાણે છે કે ભાજપને કોઈ ટક્કર આપી શકે તો એ ગાંધી કુટુંબની કોંગ્રેસ પાર્ટી છે. પ્રોબ્લેમ એ છે કે તે આત્મવિશ્ર્વાસ ખુદ કોંગ્રેસમાં રહ્યો નથી. અથવા તો એમ કહીએ કે સો વર્ષ કરતા વધુ જૂની પાર્ટી આટઆટલી હાર મળ્યા પછી પણ કોઈ અગમ્ય ઓવર-કોન્ફીડન્સમાં રાચે છે. કોંગ્રેસ સુપ્રીમો અને સિનિયર નેતાઓને એમ છે કે મોંઘવારી કે પેટ્રોલના વધતા ભાવ આપોઆપ પ્રજાને કોંગ્રેસ તરફ વાળશે. આળસ વ્યક્તિગત જ નહિ પરંતુ આખા પક્ષની સમસ્યા પણ હોઈ શકે તેવું પહેલી વખત જોવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના એક સદી કરતા વધુ જૂના અનુભવ સામે પ્રશાંતની કારકિર્દી કિશોરાવસ્થામાં જ નહિ પણ બાલ્યાવસ્થામાં ગણાય. કદાચ આવા જ કોઈ એટીટ્યુડમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ મહાલી રહ્યા છે.
સોનિયા ગાંધીને કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે પત્ર લખનારા કોંગ્રેસના સિનિયર નેતા ભુપીન્દર સિંહ હુડ્ડાનું વિધાન વાંચો- કોંગ્રેસ પાસે પોતાના સુધારા માટે પૂરી તાકત અને નેતાગણ મોજૂદ છે.’ મિયાં પડે તો પણ તંગડી ઊંચી આવી જૂની ગુજરાતી કહેવત યાદ આવ્યા વિના રહે નહિ. કોંગ્રેસના સેલિબ્રિટી નેતાઓ પણ હારી જાય છે એવી પરિસ્થિતિમાં આ પાર્ટીનો અહ્મ એટલો મોટો છે કે તેઓ નિષ્ણાતની મદદ લેવા ઇચ્છતા નથી. અમુક માણસો અનુભવ સાથે વૃદ્ધ થાય તેને અનુભવસમૃદ્ધ કહેવાય. કોંગ્રેસ પોતે ઈતિહાસમાંથી કંઈ શીખી જ નથી માટે તેને ઘરડી કહેવી પડે. કારણ કે તંદુરસ્ત લોકશાહી માટે એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ એવું ભાજપના નેતાઓ પણ માને છે પરંતુ ખુદ વિપક્ષમાં પણ સંકોરાઈ ગયેલી કોંગ્રેસ આવું માનતી નથી. માનતી હોત તો તેના પ્રયાસોમાં ગંભીરતા દેખાઈ હોત.
ખેર, મૂળ મુદ્દો પોલિટિકલ એક્ટીવીસ્ટ અને સ્ટ્રેટેજીસ્ટ પ્રશાંત કિશોરે કોંગ્રેસને કેમ ના પાડી તે છે. તેના ઘણા કારણો હોઈ શકે અને બધા કારણો પ્રજા સુધી નહિ પહોંચે. પ્રશાંત કિશોરે નેતાગીરીમાં ફેરફાર લાવવાના સૂચનો કર્યા હતા તે કોંગ્રેસને ગળે નથી ઉતર્યા. કોંગ્રેસનો પુન: ઉદ્ધાર કરવા માટે બેથી ચાર વર્ષ લાગી જાય તેમ છે અને તેટલા બધા વર્ષોનું જોખમ યુવાન પ્રશાંત કિશોર લે કે કેમ તે પણ વિચારવું રહ્યું. જે બહાર આવેલું કારણ છે તે પોલિટિકલી કરેક્ટ છે. એ કારણ પરથી પણ ખ્યાલ આવશે કે કોંગ્રેસમાં જીતવાની વૃતિ જ રહી નથી. પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે એટલા માટે હાથ નહિ મિલાવે કારણ કે કોંગ્રેસનું પોતાનું એક બંધારણ છે. કોંગ્રેસને બેઠી કરવા માટે ખુદ કોંગ્રેસના નેતાઓએ ઈએજી અર્થાત્ એમ્પાવર્ડ એક્શન ગ્રુપનું ગઠન કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો.
પ્રશાંત કિશોર પણ તે જ મતના છે કે કોંગ્રેસની અંદર એક એવી કમિટી બનાવવામાં આવે જે બેસી ગયેલી કોંગ્રેસને ઊભી કરવાનું કામ કરે. પ્રશાંત કિશોરે ફક્ત આ ઈએજી-કમિટીને સુચના જ નહિ આપવાની પરંતુ તે કમિટીનો એક ભાગ પણ બનવાનું એવી શરત કોંગ્રેસ હાઈ-કમાન્ડે મૂકી. પ્રશાંત તે શરત પણ માન્ય રાખે. પણ, આગળ જતા તેમાં પ્રોબ્લેમ આવી શકે. કંઈ રીતે? કોંગ્રેસના બંધારણ મુજબ તત્કાલીન ધોરણે બનેલી આવી કોઈપણ કમિટી “ઓથોરાઈઝડ’ ગણાય નહિ. કોંગ્રેસને નવું સ્વરૂપ આપવા માટે 8000 જેટલી ટાઉન/બ્લોક કમિટીની નવરચના કરવી પડે તેમ હતી/છે. તેવું કરવા માટે અમર્યાદ સત્તા જોઈએ. ઈએજી-કમિટી કોંગ્રેસ પ્રેસિડેન્ટને જવાબદેહી હોય. તો પછી કોંગ્રેસના જનરલ સેક્રેટરીનું કામ શું?
કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી કોઈ કમિટીને ગણકારે જ નહિ અને સીધા પાર્ટીના સિનિયર નેતાઓ પાસે પહોંચે તો? કોંગ્રેસના પોતાના કોન્સ્ટીટ્યુશનમાં તો આવી કોઈ કમિટીને સ્થાન છે જ નહિ. પછી ચાલુ થાય હુંસાતુંશી અને ખેચાખેચ. વિજય ભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને સી.આર.પાટીલની ધમાકેદાર એન્ટ્રી પછી તે બંને વચ્ચે જેવો ગજગ્રાહ ચાલુ થયો એવો કોંગ્રેસમાં થાય. સરવાળે ધાર્યું પરિણામ ન આવે અને પ્રશાંત કિશોરના બાયોડેટામાં વધુ એક નિષ્ફળતા ઉમેરાય. શાણપણ અને શાર્પનેસ ધરાવતા પ્રશાંત કિશોર આવી મુર્ખામી કરે નહિ. કોંગ્રેસ પોતે પોતાના જડ ઢાંચામાંથી બહાર આવવા માંગતી નથી. જ્યાં ઈચ્છાવૃતિનો સદંતર અભાવ હોય ત્યાં સાક્ષાત ભગવાન પણ મદદ કરી શકે નહિ જયારે પ્રશાંત કિશોર તો માણસ છે.