પ્રશાન્ત ભૂષણના કેસમાં વેણુગોપાલે સર્વોચ્ચ અદાલતને અજબ ટકોર કરી

કેટલાક ચૂકાદાઓ એવા હોય છે કે જે જાહેર કરતા પહેલા અદાલતે બહુ વિચાર કરવો પડે. કારણ કે ચૂકાદો સ્વયં કદાચ સામાન્ય કેસનો હોય તો પણ જ્યારે સર્વોચ્ચ અદાલતનો હોય ત્યારે એના પડછાયા બહુ લાંબા હોય છે. પ્રશાંત ભૂષણના કેસમાં અદાલતે હજુ ચૂકાદો આપતા પહેલા ફરી ફરી વિચાર કરવો પડશે. સુપ્રીમ કોર્ટની અવમાનના કેસમાં આ જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને સજાના મુદ્દે ફરી એક વાર મુદત પડી છે. સુપ્રીમ કોર્ટે ભૂષણને પોતાના નિવેદન અંગે માફી માગવા વારંવાર તક આપી હતી પણ ભૂષણ અડી ગયેલા તેથી ટસના મસ ના જ થયા. સુપ્રીમ કોર્ટે મોટું મન રાખીને ભૂષણને વધુ એક તક આપી છે અને આ કેસનો ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમે ભૂષણ પોતાનાં નિવેદનો પાછાં ખેંચે અને કોર્ટની માફી માગી લે તો તેમને જવા દેવા તૈયારી બતાવી છે.

ભૂષણ હવે શું કરશે એ કહેવું મુશ્કેલ છે ને સુપ્રીમ કોર્ટ તેના આધારે નિર્ણય લેશે. પહેલા તબક્કે તો ભૂષણે ના તો પાડી છે કે હું માફી માગુ તો મારું આત્મગૌરવ જળવાય નહિ. સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લેશે એ કાયદાકીય જોગવાઈ પ્રમાણે જ હશે તેથી તેના વિશે વાત ના કરી શકાય પણ આ ચુકાદા પહેલાં દેશના એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જે વાત કરી એ સાંભળીને ખરેખર આનંદ થયો. આ દેશમાં સત્તામાં બેઠેલા બધા લોકોના મગજમાં રાઈ નથી ભરાઈ ગઈ ને હજુય લોકશાહીમાં જેમને વિશ્ર્વાસ છે એવા લોકો મહત્ત્વનાં સ્થાનો પર છે તેનો અહેસાસ વેણુગોપાલે કરાવ્યો. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને મોટું મન રાખીને ભૂષણને માફ કરી દેવા કહ્યું. સાથે સાથે ભૂષણે જાહેર હિતની અરજીઓ કરી કરીને લોકોના ફાયદા માટે કરેલાં કામોને પણ ધ્યાનમાં લેવા કહ્યું. સુપ્રીમ કોર્ટે દાખલો જ બેસાડવો હોય તો ભૂષણને દંડ કરો કે ચેતવણી આપો પણ તેમને સજા કરવાની જરૂર નથી એવું વેણુગોપાલે સાફ શબ્દોમાં કહ્યું.

વેણુગોપાલે બીજું જે કહ્યું એ વધારે મહત્વનું છે. વેણુગોપાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ વિશે ટિપ્પણી કરવી નવી વાત નથી. સુપ્રીમ કોર્ટના સંખ્યાબંધ ભૂતપૂર્વ જજે સુપ્રીમ કોર્ટ અંગે ગંભીર પ્રકારના નિવેદનો કર્યાં છે. સુપ્રીમ કોર્ટે લોકશાહીને નિષ્ફળ બનાવી છે એ પ્રકારનાં ગંભીર નિવેદનો ભૂતપૂર્વ ન્યાયાધીશો દ્વારા કરાયાં છે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર ચાલે છે એવા આક્ષેપો ભૂતપૂર્વ ન્યાયાધીશોએ કર્યાં તેની આખી યાદી મારી પાસે છે ને પોતે તેમાંથી બે-ત્રણ નિવેદનો વાંચી સંભળાવવા તૈયાર છે. આ બધા નિવેદનો સુપ્રીમ કોર્ટની કામગીરીમાં સુધારો લાવવાની વાત કરે છે. સુપ્રીમ કોર્ટના વહીવટમાં સુધારાની તરફેણ કરે છે ત્યારે ભૂષણની કોમેન્ટ્સને પણ એ રીતે લેવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે વેણુગોપાલની વાત સાંભળી છે અને માનશે કે નહીં એ હવે ખબર પડશે. સુપ્રીમ કોર્ટનો એ અધિકાર છે ને તેના વિશે કોમેન્ટ કરવાનો કોઈને અધિકાર નથી પણ વેણુગોપાલે જે વલણ લીધું એ સમજદારીભર્યું છે. પ્રશાંત ભૂષણ સામે અવમાનનો કેસ સુપ્રીમ કોર્ટે સુઓ મોટો શરૂ કરેલો. ભૂષણે દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડે વિશે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે અવમાનનો કેસ થયેલો. ભૂષણે આ પૈકી જે વાતો હકીકત આધારિત નહોતી તે અંગે માફી માગી છે પણ સુપ્રીમની કામગીરી મુદ્દે કરેલી કોમેન્ટ વિશે એ નમવા તૈયાર નથી.

વેણુગોપાલે ભૂષણનો બચાવ કર્યો નથી કે તેણે સાચું કર્યું કે ખોટું કર્યું તે અંગે કોઈ ટિપ્પણી કરી નથી. એ કામ સુપ્રીમનું છે અને એ તેમણે સુપ્રીમ પર છોડ્યું છે પણ ભૂષણની ટિપ્પણીને હકારાત્મક રીતે લેવાનો અભિગમ દાખવવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટ દેશના ન્યાયતંત્રમાં સર્વોપરિ છે પણ ન્યાયતંત્રમાં બધું બરાબર ચાલતું નથી. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્રને સુધારવાની ફરજ પણ બજાવવાની છે. ભૂષણની કોમેન્ટને એ રીતે લેવાની વેણુગોપાલે વિનંતી કરી છે એ યોગ્ય છે. આ દેશમાં બધાંને અભિવ્યક્તિનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટ તેના કારણે કોઈને સજા કરે તો ખોટો મેસેજ જાય એ જોતાં વેણુગોપાલની અપીલ યોગ્ય છે.

વેણુગોપાલે છેલ્લા એક અઠવાડિયામાં બીજી વાર સમજદારીભર્યું વલણ અપનાવ્યું છે ને લોકોનો લોકશાહીમાં વિશ્વાસ ટકી રહે એ રીતે વર્ત્યા છે. હજુ ચાર પહેલાં જ અભિનેત્રી સ્વરા ભાસ્કરે રામ જન્મભૂમિ મંદિર અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાની ટીકા કરી એ મુદ્દે વેણુગોપાલે બિલકુલ ન્યાયી વલણ અપનાવીને સ્વરા સામે સુપ્રીમ કોર્ટના અપમાનના કેસની મંજૂરી માગતી અરજી કચરાટોપલી ભેગી કરી દીધેલી. સુપ્રીમ કોર્ટે ગયા વરસે રામ જન્મભૂમિ કેસનો ચુકાદો આપ્યો પછી સ્વરાએ ટ્વીટ કરેલી કે, આપણે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદામાં કહે છે કે, બાબરી મસ્જિદ તોડી પડાઈ એ ગેરકાયદેસર કૃત્ય હતું પણ એ જ ચુકાદામાં મસ્જિદ તોડી નાંખનારાને ઈનામ આપે છે તેના કારણે કોર્ટના બંધારણમાં વિશ્વાસ અંગે સવાલ ઊભો થાય છે.

સ્વરાની આ ટ્વીટ સામે કેટલાંક લોકોને વાંધો પડી ગયો. સ્વરાએ સુપ્રીમ કોર્ટનું અપમાન કરી નાંખ્યું છે એવી કાગારોળ તેમણે મચાવી દીધી. તેની સામે સુપ્રીમ કોર્ટના અપમાનનો કેસ ફટકારી દેવાની માગણી પણ કરી. કાયદા પ્રમાણે સુપ્રીમ કોર્ટ સુઓ મોટો એટલે કે પોતાની જાતે કોઈ વાતની નોંધ લઈને કાર્યવાહી કરીને કોર્ટનો અવમાનનો કેસ ચલાવી શકે અથવા તો કેન્દ્રના એટર્ની જનરલ ને સોલિસિટર જનરલની મંજૂરી લેવી પડે. ઉષા શેટ્ટી નામના સન્નારીએ સ્વરા સામે કેસ ચલાવવા માટે વેણુગોપાલની મંજૂરી માગેલી પણ તેમણે ધસીને ના પાડી દીધી. વેણુગોપાલે સાફ શબ્દોમાં કહ્યું કે, સ્વરાની ટિપ્પણી હકીકતો પર આધારિત છે ને તેણે કોર્ટના ચુકાદાની ટીકા કરી છે, સુપ્રીમ કોર્ટ સામે સવાલ નથી કર્યા એ જોતાં તેની સામે અપમાનનો કેસ ચલાવવાની મંજૂરી ન અપાય.

વેણુગોપાલનું વલણ એ રીતે સરાહનીય છે કે અત્યારે તો એવો માહોલ છે કે તમે સત્તામાં બેઠેલા લોકોની સામે બોલો તો પણ તમારી સામે રાજદ્રોહનો કેસ થઈ જાય છે. સ્વરા તો ભાજપ ને મોદી સરકારની પાછળ આદું ખાઈને પડી છે. રોજ સવાર પડે ને કંઈક ને કંઈક ટ્વીટ કરીને બંનેને આડે હાથ લીધા જ કરે છે. આ સંજોગોમાં વેણુગોપાલ માટે તો મંજૂરી આપીને સરકારને વહાલા થવાની સુવર્ણ તક હતી પણ તેમણે કાનૂની જોગવાઈને વફાદાર રહેવાનું પસંદ કર્યું. દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો લોકશાહીમાં અધિકાર છે એ મૂળભૂત સિદ્ધાંતને એ વળગી રહ્યા.

વેણુગોપાલનું વલણ સરાહનીય એ રીતે કહેવાય કે, સ્વરાએ કરેલી ટ્વીટમાં તેણે સુપ્રીમ કોર્ટની ટીકા કરેલી ને તેણે જે અર્થઘટન કર્યું એ પણ સાવ ખોટું હતું. આ સંજોગોમાં વેણુગોપાલે ધાર્યું હોત તો સ્વરાને ફિટ કરી શક્યા હોત પણ તેમણે એવું કરવાના બદલે લોકશાહીએ આપેલા અધિકારને વધારે મહત્ત્વનો ગણ્યો. સ્વરાએ બાબરી મસ્જિદ ધ્વંસ તથા રામ જન્મભૂમિ સંકુલની જમીનના વિવાદને એકબીજા સાથે જોડી દીધા પણ કાનૂની રીતે બંને મુદ્દા અલગ છે. રામ જન્મભૂમિ સંકુલની જમીનનો વિવાદ આઝાદી કાળથી ચાલે છે. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ રામ જન્મભૂમિ જમીનનું માલિક કોણ તે અંગે ચાલતા કેસનો હતો ને તેની સાથે બાબરી મસ્જિદ ધ્વંસ થવાની ઘટનાને કંઈ લેવાદેવા નથી. બાબરી મસ્જિદ 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડાઈ.

બાબરી મસ્જિદ ધ્વંસ કરાઈ એ કૃત્ય ગેરકાયદેસર જ છે ને એ અંગેનો અલગ કેસ ચાલે જ છે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિતના ભાજપના નેતા તથા હિંદુવાદી સંગઠનોના નેતા આ કેસમાં આરોપી છે. આ બધા સામે ફોજદારી કેસ થયેલો જ છે. આ કેસમાં બાબરી મસ્જિદ તોડવાના ગેરકાયદેસર કૃત્ય બદલ અડવાણી સહિતના આરોપીઓને સજા થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ તોડનારાંને ઈનામ આપ્યું એવી સ્વરાની વાત પણ ખોટી હતી. રામ જન્મભૂમિ સંકુલની માલિકી હિંદુઓની હોવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે ને હિંદુઓએ બાબરી મસ્જિદ નહોતી તોડી. એ તો કારસેવા માટે એકઠા થયેલા ચોક્કસ સંગઠનોના લોકો હતા ને તેમને ભાજપના નેતાઓ તથા બીજાંએ ઉશ્કેરેલા. એ બધાને હિંદુ સમાજના ખરા પણ તેના કારણે હિંદુઓએ બાબરી મસ્જિદ તોડી એવું ન કહેવાય. એ લોજિક લગાવવા જાઓ તો આ દેશમાં થયેલા મોટા ભાગના આતંકવાદી હુમલા મુસ્લિમોએ કરાવ્યા છે એવું ગણવું પડે પણ એવું નથી.

કોઈ સમાજના પાંચ-સાત, પચીસ કે ઈવન પાંચસો માણસો પણ કંઈ કરે તેને આખા સમાજ સાથે ન જોડી શકાય. સ્વરાની વાત ખોટી હતી પણ તેના કારણે સુપ્રીમ કોર્ટ સામે બગાવતનો કે તેનું અપમાન કરવાનો તેનો ઈરાદો હતો એવું સાબિત ન થાય એવું વેણુગોપાલનું વલણ સમજદારીભર્યું કહેવાય. લોકશાહીમાં આ પ્રકારનું વલણ જરૂરી છે. લોકશાહીમાં અલગ અલગ મત રહેવાના જ ને એટલે જ તો એ લોકશાહી છે. બીજા કોઈનો મત આપણને ના ગમે એટલે તેને ફિટ કરી દેવાના ને ધાક બેસાડીને આપણી સામે કોઈનો અવાજ ના ઊઠે એ સ્થિતિ પેદા કરવી એ સરમુખત્યારશાહી માનસિકતા કહેવાય. ઈન્દિરા ગાંધીએ એ માનસિકતા બતાવીને બધાંને દબાવી દેવા કોશિશ કરેલી ને તેમાં પછડાયેલાં. કમનસીબે ઈતિહાસમાંથી કોઈ કશું શીખતું નથી ત્યારે વેણુગોપાલ લોકશાહીનું મૂલ્ય સમજે છે એ ગર્વની વાત કહેવાય. ભારતમાં મહાન કાનૂની સભાનતા ધરાવતા લોકોની જે ઉજ્વળ પરંપરા છે તેની જ આધુનિક કડી મિસ્ટર વેણુગોપાલ છે.