ફતેપુરમાં 1.20 કરોડના ખર્ચે આધુનિક શાળાનું લોકાર્પણ

અમરેલી,
રાજ્યના સર્વસમાવેશી વિકાસના હેતુથી રાજ્ય સરકારે બજેટના દ્વિતીય સ્થંભ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિકાસ હેતુથી સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ કડીના ભાગરુપે અમરેલી શહેરની ભાગોળે આવેલા ફતેપુર ગામમાં ગામે રુ.1.20 કરોડના ખર્ચે, માત્ર આઠ મહિના જેટલા ટૂંકા સમય ગાળામાં મોડેલ સ્કુલનું નિર્માણ થયું છે. ફતેપુર ખાતે નિર્માણ પામેલી નવી શાળાનું નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા અને ઈફ્કોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે લોકાર્પણ થયુ હતુ. મહત્વનું છે કે, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી અને કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આઠ મહિના પહેલાં આ શાળાના નિર્માણકાર્ય માટેનંત ખાતમુહૂર્ત થયુ હતુ. આ પ્રસંગે નાયબ મુખ્યદંડકશ્રી, કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમ થકી રાજ્યભરમાં શિક્ષ્ણલક્ષી સુવિધાઓમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ગામડે ગામડે અત્યાધુનિક મોડલ સ્કુલનું નિર્માણ કાર્ય થઈ રહ્યુ છે. અમરેલી જિલ્લાનો વિદ્યાર્થી આગળ વધે અને તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે ટૂંક સમયમાં લાલાવદર ખાતે રુ.23 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણકાર્ય શરુ થશે. આ સુવિધાઓનો ઉપયોગ કરી અમરેલીના વિદ્યાર્થીઓ આગળ વધે અને દેશમાં નામ રોશન કરે તેવી શુભકામનાઓ પણ નાયબ મુખ્યદંડકશ્રીએ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.આ પ્રસંગે ઈફ્કોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષકોનો મહત્ત્વનો ફાળો છે. પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો.એ.પી.જે. અબ્દુલ કલામ કહેતા કે વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીનું સાચું ઘડતર કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે છે. આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઈ કાછડિયાએ, સર્વ શિક્ષા અભિયાન હેઠળ થઈ રહેલા શિક્ષણલક્ષી વિકાસકાર્યોની માહિતી આપી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવા માટે કામ થઈ રહ્યુ છે. વિદ્યાર્થીના ઘડતરનો પાયો પ્રાથમિક શિક્ષણ છે ત્યારે આ યોજના હેઠળ રાજ્યમાં રુ.2,400 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે તેમણે ભૂતકાળની અને વર્તમાનની શિક્ષણ વ્યવસ્થાઓનું અંતર અને રાજ્યમાં શિક્ષણક્ષેત્રે થયેલી પ્રગતિનો ચિત્તાર દૃષ્ટાંતો સાથે આપ્યો હતો. આ ઉપરાંત ભોજલરામબાપાની જગ્યાના મહંતશ્રી ભક્તિરામબાપુનું સન્માન ઈફ્કોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મુકેશભાઈ બગડા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપૂલભાઈ દુધાત, જિલ્લા અને તાલુકા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો, આસપાસના વિવિધ ગામના સરપંચશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા .