ફસાયેલા ભારતીયોને યુક્રેનથી પરત લાવવા કેન્દ્ર સરકારની ભારે જહેમત

પ્રત્યાઘાતોમાંથી મિશ્ર તારણો નીકળે છે અને ચીને રશિયાની તરફેણ કરી છે, અને પાકિસ્તાનના વડાપ્રધાન તો સ્વયં રશિયાના પ્રવાસે ગયા અને એમની પ્રતિષ્ઠાનું ત્યારથી શરૂ થયેલું ધોવાણ હજુ ચાલુ જ છે, તે ઉપરાંત અમેરિકા-યુરોપિયન દેશોએ રશિયાને વખોડ્યું છે. પરંતુ ઘણાં દેશોએ હજુ કાં તો મૌન જાળવી રાખ્યું છે, અથવા તટસ્થ રહ્યાં છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જો કે, ભારત સ્થિત યુક્રેનના રાજદૂતે જાહેર અપીલ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્સાદિમીર પુતિન સાથે અગાઉ એકવાર ટેલિફોનિક વાતચીત કરીને હિંસા તથા યુદ્ધ અટકાવીને વાતચીતના રસ્તે વિવાદ ઉકેલવાની અપીલ કરી હોવાના અહેવાલો આવી રહ્યાં છે.
બીજી તરફ અમેરિકાના તંત્રએ પણ ભારતના સંપર્કમાં હોવાની વાત કરી છે. આ કારણે ભારતે કરેલી આ પહેલમાં જો વિશ્વના અન્ય તટસ્થ દેશો જોડાય, તો યુદ્ધને તત્કાળ અટકાવવાની શક્યતા વધી શકે તેમ છે. આ ડિપ્લોમેટિક પ્રયાસો કેટલા સફળ થશે અને ભારતની જેમ અમેરિકા અને રશિયા બન્ને દેશો સાથે સારા સંબંધો ધરાવતા દેશો દ્વારા સામૂહિક પ્રયાસો ક્યારે શરૂ થશે, તેના પર આ યુદ્ધને અટકાવવાનો આધાર રહેવાનો છે. જો કે, બાઈડને રશિયામાં અમેરિકાની સેના નહીં મોકલવાની વાત કરીને અને રશિયા પર આર્થિક પ્રતિબંધો મૂકવાનું એલાન કરીને તેમણે હાલ તુરંત તો તત્કાળ ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓને ઘટાડી જ દીધી છે, તો બીજી તરફ ’બેક ડોર’ વાટાઘાટો અને ડિપ્લોમેટિક પ્રયાસો શરૂ કરીને યુદ્ધના વિકલ્પે બન્ને દેશોને મંત્રણાના મેજ પર લાવવાની દિશામાં પણ કેટલાક દેશો આગળ વધી રહ્યાં છે, ત્યારે આજની ઘટનાઓ ખૂબ જ મહત્ત્વની બનવાની છે.
બન્ને દેશોએ એકબીજાને કેટલું નુકસાન પહોંચાડ્યુ, તેના થઈ રહેલા દાવાઓ વચ્ચે યુક્રેનના ઘણાં સૈન્યમથકો, એરબેસ અને નેવલ બેસ ધ્વસ્ત થઈ ગયા હોવાના મીડિયા અહેવાલો તથા યુક્રેનની પીએમ મોદીને અપીલ વિગેરેને જોતા અત્યારે રશિયાનું પલડું ભારે હોવાથી યુક્રેનની સ્થિતિ કફોડી હોવાનું જણાય છે. બીજીતરફ અમેરિકાએ નનૈયો ભણ્યા પછી નાટો સંગઠનની સેનાઓ ક્યારે અને કેટલી મદદ યુક્રેનને કરશે, તે નક્કી થતું નથી, તેથી યુક્રેન બે મોટા દેશની ખેંચતાણનો ભોગ બની રહેલું જણાય છે. અત્યારે યુક્રેન એકલુ યુદ્ધ લડી રહ્યું છે. છતાં અમેરિકાએ બે દિવસ પહેલા ખતરનાક યુદ્ધ વિમાનો બ્રિટન મોકલ્યા છે જેનો ઉપયોગ રશિયા સામે થવાનો છે.
વડાપ્રધાને પુતિન સમક્ષ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સલામત રીતે બહાર કાઢીને ભારત પરત લાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હોવાથી હવે યુક્રેન સ્થિત ભારતીયોની સલામત વાપસી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાને રશિયાને તત્કાળ યુદ્ધ રોકીને વાતચીત દ્વારા વિવાદ ઉકેલવાની કરેલી અપીલ પછી હવે વિશ્વસમુદાય પણ યુદ્ધ અટકાવવાના પ્રયાસો વધારશે તેમ જણાય છે કારણ કે આ યુદ્ધની વિપરીત અસરો સમગ્ર વિશ્વ પર થઈ જ રહી છે. ગઈકાલે ભારત સહિત ઘણાં દેશોના શેરબજારમાં ગભરાટ જોવા મળ્યો અને જે રીતે પછડાયા, તેથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે અને રોકાણો ધોવાયા છે. આ યુદ્ધ પછી સમગ્ર વિશ્વના અર્થતંત્રોને ફટકો પડ્યો લાગ્યો છે, અને મોંઘવારી વધવા લાગી છે.
વૈશ્વિક વ્યાપાર ઉદ્યોગોને પણ જબરદસ્ત ફટકો પડે અને ક્રુડના ભાવો વધુ ભડકે બળે તેવી સંભાવનાઓ હોવાથી આ યુદ્ધ અટકાવવા હવે વિશ્વસમુદાય પણ રશિયા પર દબાણ વધારશે, અને કડકમાં કડક આર્થિક પ્રતિબંધો પણ લગાવશે, પરંતુ પુતિન શું કરશે, તે કહી શકાય તેમ નથી. રશિયાએ હજુ નાગરિક વિસ્તારો કે સૈન્યના રહેણાક વિસ્તારો પર યુક્રેનમાં આક્રમણ કર્યું નથી અને સિલેક્ટીવ સૈન્યમથકો તથા વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવ્યા છે, તેથી એકાદ-બે દિવસમાં યુદ્ધ અટકાવી શકાય કે સમાપ્ત પણ કરી શકાય તેમ છે, બસ… પુતિન માની જાય અને નાટોના દેશો તથા અમેરિકા પ્રતિબંધોની વાત પડતી મૂકે, યુક્રેનની સેના હથિયાર હેઠા મૂકે અને શરણે થાય અથવા નાટોને લઈને રશિયાની આશંકાઓ દૂર થાય તે જરૂરી છે, પણ એવું થશે ખરું?
મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી યુક્રેનમાં રહેલા ભારતીયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ પોતાની આપવિતી વર્ણવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થી સહિત ગુજરાતના પણ ઘણાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. એરસ્પેસ બંધ થઈ જતા હવે આ વિદ્યાર્થીઓ એરલિફ્ટ કરી શકાય તેમ નહીં હોવાથી સડક માર્ગે રોમાનિયા અને પોલેન્ડ થઈને પછી તેઓને હવાઈ માર્ગે ભારત લાવવાની કવાયત તેજ થઈ ગઈ હોવાનું વિદેશ મંત્રાલયે જણાવતા વિદ્યાર્થીઓના પરિવારોને થોડી રાહત થઈ છે. અમરેલીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આવી ગયા છે અને જે બાકી છે એની રાહ જોવાઈ રહી છે. સૌરાષ્ટ્રના અનેક સ્ટુડન્ટ યુક્રેનમાં ભયભીત છે, પરંતુ સલામત હોવાના અહેવાલોએ રાહત આપી છે. એવું કહેવાય છે કે હજુ પણ યુક્રેનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત 16 હજાર ભારતીયો ફસાયેલા છે, તેઓ સલામત ઝડપભેર ભારત પરત ફરે તેવું ઈચ્છીએ. કેન્દ્ર સરકારનો વિદેશ વિભાગ દિવસ અને રાત કામ કરી રહ્યો છે. પાટનગર નવી દિલ્હીના વિદેશ મંત્રાલયમાં રાતની શિફ્ટમાં પણ અધિકારીઓ કામ કરી રહ્યા છે.