ફ્રાન્સથી આવેલાં પાંચ રાફેલ વિમાનો વાયુસેનામાં સામેલ

  • સમારોહમાં વોટર કેનન સલામી સાથે વિધિવત પ્રવેશ
  • ખરીદવામાં આવનારા ૩૬ વિમાનોથી ૩૦ વિમાનો લડાકુ ક્ષમતાવાળા : ૬ વિમાનો બે સીટવાળા ટ્રેનિંગ વિમાન છે

ફ્રાન્સથી આવેલાં અને રાફેલ વિમાનોએ ગુરુવારે સવારે વાયુસેનાના અંબાલા મથક પરથી લાયપાસ્ટ કર્યા બાદ હવાઇ દળમાં સામેલ થયા હતાં. એક ભવ્ય સમારોહમાં વોટર કેનન દ્વારા રાફેલ વિમાનોને સલામી અપાઇ ત્યારે હાજર રહેલા મહાનુભાવોએ હર્ષનાદો અને તાળીના ગડગડાટથી આ કાર્યક્રમને વધાવી લીધો હતો. આ પ્રસંગે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન લોરેન્સ પાર્લે પણ આ પ્રસંગે હાજર હતાં.
ભારતીય લશ્કરની ત્રણે પાંખના વડા અને વરિષ્ઠ અધિકારીઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. ભારતીય હવાઇ દળના વડા એર ચીફ માર્શલ રાકેશ કુમારસિંઘ ભદોરિયાએ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રાફેલને હવાઇ દળમાં સામેલ કરાયા એ પહેલાં ભારતીય લશ્કરની પરંપરા મુજબ સર્વ ધર્મ પૂજા કરવામાં આવી હતી. હવાઇ દળની ૧૭મી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝમાં આ વિમાનોને જોડવામાં આવ્યા હતા. અંબાલા ભારત-પાકિસ્તાનની પંજાબ તરફી સરહદ નજીક આવેલું હવાઇ દળનું મથક છે. ૫ રાફેલ લડાકૂ વિમાનોનો પહેલો જથ્થો ૨૯ જુલાઈએ ભારત પહોંચ્યો હતો. ૨૦૧૬માં ભારત તરફથી ૫૯ હજાર કરોડ રૂપિયામાં ૩૬ વિમાનોની ખરીદીના સરકારી કરાર કર્યાના ચાર વર્ષ બાદ પહેલો જથ્થો ભારત પહોંચ્યો હતો.
આ ૩૬ વિમાનોમાંથી ૩૦ વિમાનો લડાકુ ક્ષમતાવાળા છે, જ્યારે કે, ૬ વિમાનો બે સીટવાળા ટ્રેનિંગ વિમાન છે. જો કે જરૂર પડે તો આ ટ્રેનિંગ વિમાનને પણ યુદ્ધના મેદાનમાં ઉતારી શકાય તેવી ક્ષમતા છે.