બગસરામાં મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

  • બે આરોપીઓને પોલીસે રૂપિયા 2,90,500 મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી

અમરેલી,
બગસરામાં ગત તા. 2-9 ના મોડી રાત્રીના સરગમ મોબાઇલ નામની દુકાનમાં કોઇ તસ્કરોએ દુકાનના પાછળના શટરને તોડી. અલગ અલગ કંપનીના 20 જેટલા મોબાઇલ કુલ રૂા. 2,90,500 ની ચોરી કરી દુકાનના સીસી ટીવી કેમેરા તોડી રૂા. 5500 નું નુકશાન કર્યાની દુકાનના માલીક ઇદરીશભાઇ અલારખભાઇ સૈયદે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા. જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી ગુનાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવવા સુચના આપતા ડીવાયએસપી એમ.એસ. રાણાના માર્ગદર્શન નીચે બગસરા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા એક અલગ ટીમ બનાવી પીઆઇ એચ.કે. મકવાણા, પીએસઆઇ યુ.એફ.રાઓલ, હે.કોન્સ. જીજ્ઞેશભાઇ અમરેલીયા, પો.કોન્સ. યોગેશભાઇ પરમાર, રવિદાન ગઢવી, ઘનશ્યામભાઇ મહેતા, જયરાજભાઇ વાળા, સુલ્તાનભાઇ પઠાણ સહિતના સ્ટાફે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 20 મોબાઇલ તેમજ મોબાઇલના ઓરીજનલ ચાર્જર સહિતના તમામ મુદામાલ સાથે આરોપી સલીમ આદમ ચોપડા, જુનેદ ઇબુ લાખાણી રહે. બગસરા વાળાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.