બગસરા,
બગસરામાં નકલી ઘી વેચાણના અહેવાલો પ્રસિદ્ધ થતા આજે પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બગસરામાં સંયુક્ત રીતે તપાસ આદરી હતી જોકે વેપારીઓને ખ્યાલ આવી જતા નકલી ઘી નો જથ્થો સગે -વગે કરી દેવાયો હતો.વિગત અનુસાર છેલ્લા ઘણા સમયથી બગસરામાં વેપારીઓ નકલી ઘી નું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. આ બાબતે અહેવાલો પ્રસિદ્ધ થતા ગુરૂવારના રોજ બગસરા પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અમરેલી દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં શહેરની કરિયાણાની દુકાનોને તપાસવામાં આવી હતી. જોકે વેપારીઓને અગાઉથી ખ્યાલ આવી જતા નકલી ઘી ના જથ્થા ઠેકાણે પાડી દેવામાં આવ્યા હતા. જેથી આજની તપાસમાં કોઈ વેપારીઓ ઝડપાયા ન હતા પરંતુ ફૂડ સેફ્ટી અધિકારી જે. કે. ચૌધરી અને વી.કે. એજમ દ્વારા વેપારીઓને નકલી ઘી ન રાખવા કડક સુચના આપી દેવામાં આવી હતી. આ પ્રકારના નકલી ઘી વેચતા લોકો સામે સરપ્રાઈઝ ચેકિંગ કરી કડક હાથે પગલાં લેવા કિરાણા એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ હડિયલ દ્વારા પણ માંગ કરાઈ હતી.