બગસરા,લીલીયામાં વરસાદ : અમરેલીમાં છાંટા

અમરેલી,ગઇ કાલે ધારી, ખાંભા, સાવરકુંડલા દામનગર સહિતના વિસ્તારોમાં માવઠુ પડયા બાદ જાણે કે કુદરતે વરસાદનો રૂટ બદલ્યો હોય તેમ આજે બીજા દિવસે બગસરામાં સાંજના સમયે ધોધમાર વરસાદ પડયો હતો જ્યારે અમરેલી શહેરમાં વરસાદના છાંટા પડયા હતા.આજે સવારથી બગસરા અને અમરેલી પંથકમાં ગોરંભો છવાય જતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો એકાએક સાંજના સવા 6 વાગ્યા આસપાસ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને બગસરા શહેરમાં ધોધમાર માવઠુ વરસ્યુ હતુ. જ્યારે બગસરા પંથકના ગામો જેવા કે નાના મોટા મુંજીયાસર, રફાળા સહિતના અનેક ગામોમાં માવઠુ પડયુ હતુ. અને અમરેલી શહેરમાં પણ સાંજના 6:16 મીનીટે વરસાદના છાંટા શરૂ થયા હતા અને આજુ બાજુના ગ્રામ્યો વિસ્તારોમાં પણ વરસાદ પડયાના સમાચારો મળ્યા છે. એકાએક માવઠુ પડતા ખેડુતોને કેરી, ચણા, જીરૂ સહિતના પાકને ભારે નુકશાન થયાનું જાણવા મળ્યુ છે. માવઠાથી મોએ આવેલો કોળીયો ઝુંટવાઇ જાય તેવી સ્થિતિ સર્જાતા જગતનો તાત ચિંતીત બન્યો છે. એક તરફ કોરોનાનો કહેર બીજી તરફ આર્થિક મંદી અને ત્રીજી તરફ માવઠાની મોકાણને કારણે લોકોએ ચારે બાજુથી સામનો કરવો પડે તેવી હાલત જોવા મળે છે.